કાનપુરમાં રાષ્ટ્રીય સ્તરની તાઈકવોન્ડો ખેલાડી પર એક આશ્રમના પૂજારી અને તેના ચેલાઓએ ગેંગરેપ ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા આશ્રમમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ કેસ 28 જાન્યુઆરીનો હોવાનું કહેવાય છે, જેની ફરિયાદ લગભગ ચાર મહિના પછી નોંધાઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પીડિતા કાનપુરના ગોવિંદ નગરની રહેવાસી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે સેકન્ડ હેન્ડ કપડાની દુકાન ખોલવા માટે જગ્યા શોધી રહી હતી. તેથી તેણે ગોવિંદ મહતો નામના સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. રિપોર્ટ અનુસાર, આરોપી ગોવિંદ મહતો કથિત રીતે તેને વગદાર લોકો સાથે પરિચય કરાવવાના બહાને આશ્રમમાં લઈ ગયો હતો જે તેને દુકાન માટે જગ્યા અપાવવામાં મદદ કરી શકે તેમ હતા.
યુવતીએ દાવો કર્યો છે કે તેને આશ્રમની અંદર નશીલા લાડુ ખવડાવવામાં આવ્યા હતા અને તે બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ આશ્રમના મુખ્ય પૂજારી, ગોવિંદ મહતો અને અન્ય ઘણા લોકોએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. પીડિતાએ મંદિરના પૂજારીઓ સહિત ચાર લોકોના નામ લીધા છે.
આ પણ વાંચો: દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો
જ્યારે પીડિતાને પૂછવામાં આવ્યું કે તેણીએ રિપોર્ટ નોંધાવવા માટે ચાર મહિના રાહ કેમ જોઈ, ત્યારે તેણીએ કહ્યું કે તેને ડર હતો કે આરોપીઓ તેના પર બદલો લઈ શકે છે. આરોપીઓએ તેણીને કથિત રીતે ધમકી આપી હતી કે તેમના રાજકીય લોકો સાથે સારા સંબંધો છે. પીડિતાએ પોલીસમાં એક વીડિયો પણ રજૂ કર્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ એક રૂમની અંદર યુવતીનું જાતીય શોષણ કરતો નજરે પડે છે.
એડીસીપી મહેશ કુમારે જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે કહ્યું, “યુવતીએ તેની ફરિયાદ સાથે ડીસીપીનો સંપર્ક કર્યો હતો, જે મને તપાસ માટે સોંપવામાં આવી હતી. એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે અને અમે તેમાં બતાવેલ આશ્રમના રૂમની મુલાકાત લીધી છે. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ અને તે મુજબ આગળની કાર્યવાહી કરીશું.”
બીજી બાજુ, આરોપોના જવાબમાં આશ્રમના પૂજારીઓએ દાવો કર્યો હતો કે તેઓ આ ઘટના સમયે પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં હતા. તેમણે પુરાવા તરીકે ફોટા અને વીડિયો પણ રજૂ કર્યા છે. જેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે કાર્યકર પર ગેંગરેપ કરાવી વાયરસનું ઈન્જેક્શન માર્યું