અમદાવાદમાં દલિત પોલીસ યુવકની હત્યા કરનાર 4 ને આજીવન કેદ

વર્ષ 2023માં અમદાવાદના અસારવામાં થયેલી દલિત પોલીસ કોન્સ્ટેબલની હત્યાના ચારેય આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ahmedabad dalit policeman murder case

અમદાવાદના અસારવા, બળિયા લીંબડી ખાતે રહેતા ચાર બહેનોના એકના એક ભાઈ અને મહિલા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અનુસૂચિત જાતિના પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર  ઉર્ફે રાજા નટવરભાઈ પરમારની વર્ષ 2023માં હત્યા કરવામાં આવી હતી. આ ગુનાના ચારેય આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીઓ રૂ. 20 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપીઓમાં ગોવિંદ પટણી, સની પટણી, વિજય પટણી અને પરેશ પટણીનો સમાવેશ થાય છે. કોર્ટે આરોપીઓને સજા ફટકારવામાં 22 સાક્ષીઓ અને 55 દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લીધા હતા. આ ચાર આરોપીઓ સામે IPCની કલમ 302, 326, 114, ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો.

ઘટના શું હતી?

મૃતક રવિન્દ્ર ઉર્ફે રાજા પરમારની બહેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેનો ભાઈ રવિન્દ્ર અમદાવાદના શાહીબાગ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. 23 ફેબ્રુઆરી, 2020ના રોજ રવીન્દ્ર બંદોબસ્ત પૂર્ણ કરી સાંજે ઘરે આવ્યો હતો. ત્યારબાદ તે ધવલ મારવાડી સાથે ચમનપુરા ચકલા પાસે આવેલી નોનવેજની લારી ખાતે જમવા પહોંચ્યા હતા અને ઓર્ડર આપ્યો હતો. એ દરમિયાન ત્યાં ગોવિંદ ઉર્ફે પકલો પટણી નામનો શખ્સ ખિસ્સામાં ચાકૂ રાખીને આવ્યો હતો. જે રવિન્દ્રની નજરે પડતા તે તેની પાસે ગયો હતો અને ‘હું પોલીસમાં છું, ખિસ્સામાં શું ભરાવેલ છે?’ એમ પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો: અસામાજિક તત્વોએ રાત્રે Dr. Ambedkar ની પ્રતિમા ખંડિત કરી

ahmedabad dalit policeman murder case

જેનાથી ગોવિંદ ઉશ્કેરાઈ ગયો હતો અને બબાલ કરી હતી. રવિન્દ્રએ તેની પાસેની છરી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આરોપીએ તેને છરીના ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. જેથી રવિન્દ્રનો મિત્ર તેને બચાવવા વચ્ચે પડ્યો હતો.

પરંતુ એ દરમિયાન શખ્સના અન્ય સાગરિતો સની કાંતિભાઇ પટણી, વિજય ઉર્ફે ભાટો રમેશભાઇ પટણી અને પરેશ ઉર્ફે પરીયો ઉર્ફે શિકારી દિનેશભાઇ પટણી પણ ત્યાં આવ્યા હતા. તમામે ભેગા મળી રવીન્દ્ર અને તેના મિત્રને છરીના ઘા મારી દીધા હતા. ઘાયલોએ બૂમો પાડતા લોકો એકઠા થઇ ગયા હતા અને તકનો લાભ લઈને આરોપીઓ ભાગી ગયા હતા. હુમલા બાદ બંને ઘાયલોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર ઉર્ફે રાજા પરમારનું મૃત્યુ થયું હતું. આ મામલે મૃતકના બહેને ગોવિંદ સહિત ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.

સરકારી વકીલની મજબૂત દલીલ અને સાક્ષીઓની મક્કમતા

આ મામલે શાહીબાગ પોલીસે ચારેય આરોપીઓને તબક્કાવાર ઝડપી લઇ તેમની સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ કેસ ચાલવા પર આવતા ખાસ સરકારી વકીલ ચેતન કે. શાહે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં હત્યા કરી હોવાનું નિઃશંકપણે પુરવાર થાય છે. આરોપીઓને સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે અને તેમની સામે આખો કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ રહ્યો છે. કોઇ તકરાર વગર ઘાતકી હત્યા કરવામાં આવી છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને કડકમાં કડક સજા કરવી જોઇએ.

ahmedabad dalit policeman murder case

આવા ગુનાઓને હળવાશથી ન લઈ શકાયઃ કોર્ટ

આરોપીઓને સજા ફટકારતા ચુકાદામાં એડિશનલ સેશન્સ જજ ભરત બી જાવદે નોંધ્યું હતું કે, આરોપીઓએ જાહેરમાં ચાકુ વડે હત્યા કરી છે. કેસ નિઃશંકપણે પુરવાર થાય છે. મૃતક પોલીસ કર્મચારીએ ખિસ્સામાં શું છે એવી પુચ્છા કરતા નજીવી તકરારમાં હત્યા કરવામાં આવી છે. આરોપીની આવી ગુનો કરવાની શૈલી અને તૈયારીઓ એવી છે કે જેનાથી તેમનો ગુનાહિત ઇરાદો પાર પડે છે. આરોપીઓ દ્વારા ખૂબ જ સમજી, વિચારીને શરીરના વિવિધ અંગો પર ઇજા કરી હત્યા કરવામાં આવી છે.

આરોપીઓની આવી વર્તણૂંક કદાપિ હળવાશથી લઇ શકાય નહીં. જો આવા ગુનાને હળવાશથી લેવામાં આવે તો સમાજ પર તેની વિપરીત અસર પડે તેમ છે. ત્યારે આરોપીઓને સજા કરવી ન્યાયોચિત જણાય છે.

આમ કોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ રૂ. 20 હજારનો દંડ પણ કર્યો છે.

આ પણ વાંચો: કલોલમાં ક્રાંતિઃ પહેલીવાર પત્નીએ પતિના મૃતદેહને અગ્નિદાહ આપ્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x