Dalit News: કાયદો જ્યારે કાયદાનું કામ કરે છે ત્યારે ભલભલાં ચમરબંધીઓ પણ મોં નીચું કરીને રડી પડે છે. ઉત્તરપ્રદેશના બારાબંકીની કોર્ટમાં ગઈકાલે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. બારાબંકીની એક ખાસ અદાલતે દલિત અત્યાચાર, હિંસા અને હત્યાના ૧૮ વર્ષ જૂના કેસમાં ૧૨ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા આરોપીઓ કોર્ટમાં જ રડી પડ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને ૧.૧૮ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે વાદી પક્ષના પાંચ લોકોને પણ ત્રણ વર્ષની કેદ અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
12 આરોપીઓને દોષિત ઠેરવી સજા કરાઈ
આ ચુકાદો આપતી વખતે સ્પેશિયલ એડિશનલ સત્ર જજ વીણા નારાયણ (SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ) ની કોર્ટે કહ્યું કે આરોપી અજય સિંહ સહિત ૧૨ લોકોને હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, આગ લગાડવા અને દલિત ઉત્પીડનના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હતો
આ કેસ ૪ માર્ચ, ૨૦૦૭નો છે. પટરાંગા પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈઠા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને કૃષ્ણ મગન સિંહ અને અજય સિંહના પક્ષ વચ્ચે દુશ્મનાવટ થઈ હતી. ઘટનાના દિવસે, શિવનગર ક્રોસિંગ પર ઝઘડો થયા બાદ અજય સિંહ અને તેના સાથીઓએ કૃષ્ણ મગનના પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં ચેતરામ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: વીરમગામમાં ઠાકોરોએ દલિત મામા-ભાણેજના પગ ભાંગી નાખ્યા
કોને કોને સજા કરવામાં આવી?
આરોપીઓમાં અજય સિંહ, જગન્નાથ સિંહ, વિનોદ સિંહ, સહજ રામ સિંહ, કરુણા શંકર સિંહ, સંજય મિશ્રા, સાહબ બક્ષ સિંહ, મુન્ના સિંહ, મુકુટ સિંહ, પ્રમોદ કુમાર સિંહ, રાકેશ તિવારી અને કૃષ્ણ મગન સિંહનો સમાવેશ થાય છે.
સજાના કારણે જાતિવાદી તત્વો માપમાં રહેશે
પુરાવાના અભાવે ત્રણ આરોપીઓ – ઉમેશ્વર પ્રતાપ સિંહ, ભૈરવ બક્ષ સિંહ અને શંકર બક્ષ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે ફરિયાદ પક્ષના રામ સિંહ, મનસારામ, અમરેશ કુમાર, નનકુ અને સરબજીતને હુમલો કરવા અને ગંભીર ઈજા પહોંચાડવાના દોષી ઠેરવ્યા હતા અને તેમને અલગથી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. વાદી પક્ષના અન્ય પાંચ આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે. આ ચૂકાદાથી દલિત અત્યાચાર તરત બંધ થઈ જશે તેવું તો ન કહી શકાય પરંતુ તેનાથી જાતિવાદી તત્વોમાં કાયદાનો ડર ચોક્કસ બેસી ગયો છે.
સજા સાંભળતા જ આરોપીઓ રડી પડ્યા
એટ્રોસિટી કોર્ટે જેવી તમામ 12 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી કે તરત અનેક આરોપીઓ રડી પડ્યા હતા. કોર્ટમાં હાજર તેમના પરિવારજનો પણ રડી પડ્યા હતા. અનેક આરોપીઓના સગાઓ કોર્ટ પરિસરમાં હાજર હતા તેમનામાં સોંપો પડી ગયો હતો. સરૈઠા ગામમાં પણ સન્નાટો વ્યાપી ગયો હતો. લોકો ઘરની બહાર પણ નીકળ્યા નહોતા. ખાસ કરીને આરોપીઓના વિસ્તારમાં સૌ કોઈ ડરના માર્યા ઘરમાં ભરાઈ ગયા હતા. મહિલાઓની રોકકળથી માહોલ ગંભીર બની ગયો હતો. જો કે, હવે રડવાનો કોઈ અર્થ નહોતો. કેમ કે, આરોપીઓએ ગામમાં હત્યા કરી નાખી ત્યારે તેઓ પોતાને સૌથી વધુ તાકતવર સમજતા હતા. પણ કોર્ટ અને કાયદાએ તેમને તેમની હેસિયત બતાવી દીધી હતી.
આ પણ વાંચો: વીરમગામમાં દલિતોના સ્મશાનમાં ઘૂસી સરકારી કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી