Dalit News: ગુનાખોરીની દુનિયામાં છેલ્લાં કેટલાય સમયથી દલિતો સાથે જે પ્રકારના કૃત્યો થઈ રહ્યાં છે તે જાણીને સામાન્ય માણસ ફફડી ઉઠે તેમ છે. આવી જ એક ઘટના હાલ પ્રકાશમાં આવી છે. જેમાં એક દલિત સગીરાની ગામના જ ચાર યુવકોએ ગેંગરેપ કર્યા બાદ ગળેફાંસો આપીને હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
યુપીના બલિયાના તુતુવારી ગામની ઘટના
ઘટના જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના બલિયામાં એક દલિત સગીરા પર ગામના જ ચાર યુવકોએ ગેંગરેપ ગુજાર્યા બાદ હત્યા કરી લાશને તેના ઘરમાં ફાંસો આપીને લટકાવી દીધી હતી. સગીરાની હત્યા બાદ જૂનો કેસ જવાબદાર હોવાનું તેના પરિવારજનોનું માનવું છે. મૃતક સગીરાના પરિવારની ફરિયાદ પર પોલીસે એક જ ગામના ચાર યુવાનો સામે ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધ્યો છે.
ભાભીની છેડતીના કેસમાં સગીરા સાક્ષી હોવાથી હત્યાની આશંકા
મૃતક સગીરાના પિતાનું કહેવું છે કે, દસ મહિના પહેલા આરોપી યુવાનોએ તેમની પુત્રવધૂની છેડતી કરી હતી, જેથી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની એકમાત્ર પુત્રી તે કેસમાં સાક્ષી હતી. જેથી આરોપી યુવાનો ઘણી વખત તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. આ ઘટના બની ત્યારે તેઓ ઘરે ન હતા, જ્યારે બપોરે બે વાગ્યે પરિવારના સૌ ઘરે આવ્યા ત્યારે સગીર પુત્રીનો મૃતદેહ ઘરમાં લટકતો મળી આવ્યો હતો. સગીરાના પિતાનો આરોપ છે કે, તેમની દીકરીને ઘરે એકલી જોઈને આરોપીઓએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો અને તેને ગળેફાંસો આપીને લટકાવી દીધી.
આ પણ વાંચો: પાલનપુરના દલિત પોલીસકર્મીએ SP-PIના ત્રાસથી આપઘાત કર્યો?
ભીમ આર્મીના કાર્યકરોએ કડક કાર્યવાહીની માંગ કરી
ઘટનાની માહિતી મળતાં, ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ સાથે સેંકડો સમર્થકો મૃતક છોકરીના ઘરે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ દોષિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. વરિષ્ઠ અધિકારીને ફોન પર માહિતી આપતાં ભીમ આર્મીના જિલ્લા પ્રમુખે કહ્યું કે આટલી મોટી ઘટના બની હોવા છતાં, પીડિત પરિવારની સુરક્ષા માટે એક પણ પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યો નથી.
સ્થાનિક ધારાસભ્યે દલિત દીકરી માટે ન્યાયની માગણી કરી
ઘટનાની માહિતી મળતાં, સમાજવાદી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય સંગ્રામ સિંહ યાદવ પણ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા. સપા ધારાસભ્યે પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી છે અને પોલીસને ચેતવણી આપી છે કે જો પીડિતાને ન્યાય નહીં મળે તો અમે તેના માટે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું.
બલિયા પોલીસે કાર્યવાહી શરૂ કરી
આ કેસમાં, એએસપી બલિયા કૃપા શંકરે જણાવ્યું હતું કે 4 જુલાઈના રોજ બલિયા જિલ્લાના નરહી પોલીસ સ્ટેશન હેઠળ, ડાયલ 112 દ્વારા માહિતી મળી હતી કે તુતુવારી ગામની એક છોકરી, જેની ઉંમર લગભગ 14 વર્ષની છે, તે તેની ઝૂંપડીમાં સાડીના ફંદામાં લટકેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતકના સંબંધીઓ તરફથી ફરિયાદ મળ્યા બાદ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પુરાવાના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગૌતસ્કર સમજી બે દલિત યુવકોને માથું મુંડી, 2 કિમી. સુધી ઘૂંટણિયે ચલાવ્યા