માત્ર અમદાવાદ, ગુજરાત કે ભારતની જ નહીં, પરંતુ સમગ્ર એશિયા ખંડની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક મંદિર ખસેડવા બાબતે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ સામે ભૂવા ધૂણવા માંડ્યા છે. સ્થિતિ કઈ હદે વકરી ગઈ હશે તેનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય છે કે, આ મંદિર ખસેડવું કે નહીં, તેના માટે મંદિરમાં માતાના ભૂવાએ બેઠક બોલાવી હતી અને તેમાં સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ બધાં જ મહત્વના કામો પડતાં મૂકીને હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંદિરના ભૂવાએ ધૂણીને સિવિલ સુપરિટેન્ડન્ટને કહ્યું હતું કે, ‘આ મંદિર માતાનું છે, તમારે જે પણ કામ કરવું હોય, તે આ જમીનને છોડીને કરો. માતાની રજા વિના કંઈ નથી થવાનું.’
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મંદિરના ભૂવા ધૂણી રહ્યાં છે અને સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોષી તેની સામે બેઠાં છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો છે અને લોકો સિવિલ સુપરિટેન્ડન્ટ પર ટિપ્પણીઓ કરવા લાગ્યા છે. લોકોનું કહેવું છે કે, એકવીસમી સદીમાં જો એશિયાની સૌથી મોટી હોસ્પિટલના સુપરિટેન્ડની આ સ્થિતિ હોય તો બીજા વિશે શું કહેવું.
મામલો શું હતો?
હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને તેની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવવા તૈયારીઓ ચાલી રહી છે. જૂની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને તંત્ર દ્વારા તેને ખસેડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મંદિર ખસેડવા સામે મંદિરના ભૂવા અને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોષી આ ખોડિયાર મંદિર ખસેડવા માટે મંદિરમાં માતાજીની રજા લેવા માટે ગયા હતા. એ દમરિયાન મંદિરના ભૂવાએ ધૂણીને મંદિરને ખસેડવાની ના પાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ભૂવા પાસે દાણા જોવા બેઠાં?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડેન્ટ ડો. રાકેશ જોશી ખોડીયાર મંદિરને ખસેડવાનું હોવાથી મંદિરના પૂજારી પાસે રજા લેવા માટે ગયા હતા. એ દરમિયાન પૂજારીએ માતાજીની રજા લેવા માટે મંદિરમાં દાણા જોયા હતા. એ દરમિયાન ડો.રાકેશ જોષી પણ ભૂવાની સાથે બેઠા હતાં. આ દરમિયાન આસપાસના લોકો અને માતાજીના ભક્તો પણ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. એ દરમિયાન ભૂવાએ ધૂણીને માતાજી તેમનું મંદિર અહીંથી ખસેડવાની ના પાડી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. જો કે, એ પછી સિવિલ સુપ્રિટેન્ડટે શું પ્રતિક્રિયા આપી તે વિશે વધુ કોઈ જાણકારી મળતી નથી.
ભૂવાએ ધૂણતા ધૂણતાં શું આદેશ આપ્યો?
ખોડીયાર મંદિરના પૂજારીએ ધૂણતા ધૂણતા ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીને કહ્યું હતું કે, ‘તારું કામ થઈ જશે કોઈ રૂકાવટ નહીં આવે. આ જગ્યા કોઈની નથી મારી છે. આ જગ્યા છોડી દો તો જ સારું રહેશે. નહીંતર માતાજી તમારું કામ નહીં કરે. આ માતાની જમીન છે. મારું કે તમારું કોઈનું નથી. આ જગ્યા નહીં છોડું. ત્રણ રજામાંથી બે રજામાં માતાજી ના પાડે છે. માતાજીએ રજા આપી નથી.આ જગ્યા છોડી કામ શરૂ કરી દો, તમારું કામ થઈ જશે. જેણે કર્યું છે કામ તેને પરચો મળી ગયો છે. માતાની ઈચ્છા થાય પછી આગળ કામ થાય. માતાની રજા વિના કશું જ નથી કરવાનું. જેમ છે એમ જ રાખીશું. જ્યારે માતાની રજા થશે ત્યારે જ આગળ વધીશું.”
સમગ્ર મામલે ડો.રાકેશ જોષીએ શું કહ્યું?
આ મામલે ડૉ.રાકેશ જોષી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂની સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ તોડીને ત્યાં 1800 બેડની નવી હોસ્પિટલ બનાવવાની છે. જુના કેમ્પસમાં જ વર્ષો જૂનું ખોડીયાર માતાનું મંદિર છે, જે મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.જૂના બિલ્ડીંગનું ટૂંક સમયમાં ડિમોલિશન કરવામાં આવશે. જે માટે આ મંદિરની જગ્યા પણ સિવિલને મળે તેથી મંદિરના પ્રશાસનની સાથે બેઠક માટે આજે ગયો હતો. મંદિર તરફથી મંદિર હટાવવા માટેની પરવાનગી આપવામાં આવી નથી.
ચીને AI આધારિત હોસ્પિટલ બનાવી, આપણાં ડોક્ટરે ભૂવા ધૂણાવ્યા?
જો કે, આ ઘટનાને કારણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની માનસિકતા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. એકબાજુ ચીને તો પોતાના દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત આખી હોસ્પિટલ ઉભી કરી દીધી છે. બીજી તરફ ભારતમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ એક ભૂવા પાસે દાણા જોવા માટે બેસી ગયા. તેને લઈને લઈને હોબાળો મચી ગયો છે.
સિવિલ હોસ્પિટલમાં ભુવાઓ આવીને વિધિ કરતા હતા પરંતુ હવે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન સિવિલ હોસ્પિટલમાં આવેલ મંદિર ખાતે દાણા જોવા બેઠા. @civilhospamd pic.twitter.com/9Jq2K8urYc
— jatin_barot_journalist (@Jatin_Barot_) July 13, 2025
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના વડા મંદિર ખસેડવું કે નહીં તેનો નિર્ણય અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિને આધારે લેવાને બદલે એક ભૂવા પાસે દાણા જોવડાવવા બેઠા હોવાથી અંધશ્રદ્ધાને વેગ મળ્યો છે. લોકો એક ઉચ્ચ કક્ષાના ડોક્ટર પાસેથી આવી અપેક્ષા નથી રાખતા. આ ઘટનાને લઈને ઉચ્ચ શિક્ષિત ડોક્ટરોની માનસિકતાને લઈને નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: ધર્મ અને જાતિથી પરે બાળકો જ દેશની અસલી આશા છે: હાઈકોર્ટ જજ
*ગરવી ગુજરાતના મશહુર “ભૂવા” જી ને એ પણ પૂછી લ્યો કે દાણા નંખાવી લ્યો કે ભારતમાં “બુલેટ ટ્રેન” કોની સરકારમાં ચાલુ થશે? ભણ્યો પણ ગણ્યો નથી!