વાવના વાછરડા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 19 વર્ષના દલિત યુવકની કૂવામાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવક સાથે 10 જુલાઈના રોજ ગામના રબારી સમાજના કેટલાક યુવકોએ જાતિસૂચક ગાળો બોલી માથાકૂટ કરી હતી. આરોપ છે કે, રબારી યુવકોએ દલિત યુવકને “તું મૂછો કેમ રાખે છે? તું ઢે@# છે, તું અમારી જેવા કપડાં કેમ પહેરે છે, તારું કામ અમારા મરેલાં ઢોર ઉપાડવાનું છે અને એના ચામડાં ચીરવાનું છે” એમ કહીને જાતિસૂચક અપશબ્દો બોલી જાહેરમાં અપમાન કર્યું હતું. આ ઘટના બાદ યુવક ખેતરે જતો રહ્યો હતો.
એ પછી બે દિવસથી ગાયબ હતો. હવે અવાવરૂ કૂવામાંથી તેની લાશ મળી આવતા યુવકના પરિવારે રબારી સમાજના લોકોએ તેની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દીધી હોવાના આક્ષેપો કર્યા છે. પોલીસે યુવકની લાશનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જો કે, યુવકની હત્યા થઈ છે કે, બીજું કંઈ, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે. જોકે, પોલીસે આ મામલે રબારી સમાજના 5 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુરૂ પૂર્ણિમાએ રબારીઓ સાથે માથાકૂટ થઈ હતી
આ કેસની મળતી માહિતી મુજબ વાવ તાલુકાના વાછરડા ગામે રહેતા ૧૯ વર્ષીય મહેન્દ્રભાઈ કલાભાઈ પરમાર નામના યુવકને તારીખ ૧૦ જુલાઈના રોજ ગામના રબારી સમાજના કેટલાક યુવકો જોડે માથાકૂટ થઈ હતી. આ યુવકોએ મહેન્દ્રને માર મારી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતા તેણે ઘેર આવી તેના મોટા બાપાને આ બાબતની જાણ કરી હતી.
50 ફૂટ ઉંડા કૂવામાંથી લાશ મળી
બાદમાં બીજા દિવસે 11 જુલાઈના રોજ તે ગુમ થઈ જતાં પરિવારજનોએ આ બાબતની વાવ પોલીસને જાણ કરતાં પોલીસે ગુમ થયાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે તા. 12 જુલાઈના રોજ વાછરડા ગામે આવેલ ૨૦૦ વર્ષ જુના 50 ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાંથી તેની લાશ મળી આવતા થરાદ ખાતેથી તરવૈયા બોલાવી લાશને બહાર કાઢી હતી. જો કે તેની પાસેથી કોઈ વસ્તુ મળી આવી નહોતી. પણ પોલીસે તેનો મોબાઈલ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?
મૃતકના પરિવારે શું કહ્યું?
મૃતક મહેન્દ્રના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, મહેન્દ્રને ગામના રબારી સમાજના યુવકોએ માર મારી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતા કાં તો તે મરવા મજબુર બન્યો છે અથવા તેની હત્યા કરીને કૂવામાં ફેંકી દેવાયો છે. હાલ તો પોલીસે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેના આધારે જ મહેન્દ્રની હત્યા થઈ છે કે બીજું કંઈ તે ખ્યાલ આવશે. હાલ પોલીસે પાંચ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાંચ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
પોલીસ મૃતકની લાશને પી.એમ. માટે વાવ હોસ્પિટલ લાવી હતી. જ્યારે તેના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, મામલો સ્પષ્ટ રીતે જાતિવાદનો હોવા છતાં વાવ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાને બદલે માત્ર દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે, જેને લઈને મૃતકના પરિવારજનો સહિત સમગ્ર દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દલિત સમાજનો આક્ષેપ છે કે, પોલીસ આરોપીઓને બચાવવા માટે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાને બદલે ઢીલી કલમો હેઠળ ગુનો નોંધી રહી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
હાલ પોલીસે મહેન્દ્ર પરમારના મોત મામલે વાછરડા ગામના ખેતા લગધીર રબારી, સેંધા ખેતા રબારી, રૂડા ખેતા રબારી, અમરા સેધા રબારી અને લાખા પાંચા રબારી સામે મહેન્દ્રનું જાતિસૂચક અપમાન કરી, અમારી સમાજના છોકરા પહેરે તેવા કપડાં કેમ પહેરે છે, અમારી સામે ના આવતો કહીને માર મારી ત્રાસ આપી, મરવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધી છે. આ અંગે મૃતકના કુટુંબી બિજલભાઈ પરમારે પાંચેય શખ્સો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: 18 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા