જાતિના મિથ્યાભિમાન માણસને સામાન્ય વિવેક પણ ભૂલાવી દેતું હોય છે. એમાં પણ એ વ્યક્તિ જ્યારે સરપંચ જેવા પદ પર ચૂંટાઈને આવી હોય ત્યારે તો તેને તેની જાતિના ગૌરવનો પાર નથી હોતો. પોતાની જાતિ સૌથી મહાન, પોતે સૌથી મહાન, બીજા બધાં અમારાથી નીચા અને ગુલામ – આ પ્રકારની માનસિકતામાં રાચતી વ્યક્તિ કાયદાથી પણ પોતાને ઉપર સમજવા માંડતી હોય છે. આવું જ કંઈક પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં બન્યું હતું.
અહીં સવર્ણ જાતિના સરપંચ જેસીબી મશીનથી કાદવ કીચડ સાફ કરાવવા નીકળ્યાં હતા. એ દરમિયાન વચ્ચે એક દલિત ખેતમજૂરના ઘર પાસે શોષ ખાડો હોવાથી તેણે ત્યાંથી જેસીબી થોડું દૂર ચલાવવા માટે વિનંતી કરી હતી. જેનાથી સરપંચનો અહમ ઘવાયો હતો અને તેણે તેના સાગરિતો સાથે મળીને જાતિસૂચક અપશબ્દો બોલી માર માર્યો હતો. આ મામલે જાતિવાદી સરપંચ સહિત 14 લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો: મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહેનાર આરોપી ત્રણ વર્ષે ઝડપાયો
શોષ ખાડાથી જેસીબી દૂર ચલાવવાનું કહેતા સરપંચનો અહમ ઘવાયો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરનો કીચડ હટાવવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામના સરપંચ જીવણ સવાભાઈ આહીર સહિત 14 વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ખેતમજૂર મુળજીભાઈ દાનાભાઈ ધવલે (ઉ.વ. 43) સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સરપંચ જીવણભાઈ JCB મશીનથી રસ્તા પરનો કાવદ-કીચડ હટાવી રહ્યા હતા. એ દરમિયાન મુળજીભાઈના ભાઈ માદેવભાઈએ તેમના ઘર આગળના શોષ ખાડાથી JCB મશીન થોડું દૂર ચલાવવા કહ્યું હતું. જેનાથી સરપંચ જીવણ આહિર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનો અહમ ઘવાયો હતો.
સરપંચ અને તેના સાગરિતોએ નજીવી બાબતે હુમલો કર્યો
એ પછી સરપંચ જીવણ આહીરે ફરિયાદીને જાતિસૂચક અપશબ્દો કહી માર મારવાનું શરૂ કરી દીધું હતું. એ દરમિયાન તેમના સાગરિતો કિશન જીવણ આહીર, ભચા ઉર્ફે ભપ્પો પાતાભાઈ આહીર સહિત આહીર સમાજના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તમામે ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી અને સાક્ષીઓને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા.
આરોપીઓએ દલિત સમાજના લોકો પર લાકડા અને ગડદાપાટુથી મારપીટ કરી, હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે સાંતલપુર પોલીસે IPC-2023ની વિવિધ કલમો, એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ સરપંચ સહિત સાત નામજોગ અને સાત અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ