ભાજપના રાજમાં ગુજરાતમાં નકલીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. અગાઉ નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી ટોલનાકું, નકલી સિંચાઈ કચેરી, નકલી ઘી, નકલી પોલીસ, નકલી આઈએએસ-આઈપીએસ અધિકારીઓ ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે હવે નકલીઓની આ દુનિયામાં વધુ એકનો ઉમેરો થયો છે. મળતી માહિતી મુજબ રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ છે.
મળતી માહિતી ભેજાબાજોએ નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરીને ગોંડલના ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરીને નકલી સનદ અને હુકમ બનાવી દીધા હતા. એટલું જ નહીં, કોઇને શંકા ન જાય તે માટે નકલી તાલુકા પંચાયતના અધિકારીઓએ પ્લોટ ફાળવણી વખતે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયાની લાંચ પણ લીધી હતી. આ સમગ્ર કૌભાંડમાં ગામના પૂર્વ તલાટી કમ મંત્રીનો ભરપૂર સાથ રહ્યો હતો.
અગાઉ નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા ગોંડલના ત્રાકુડા ગામે નવું ગામતળ નીમ થયું છે તે સરવે નંબર 91ની પાંચ એકર જગ્યામાં સરકારે પ્લોટની હરાજી કરીને ગ્રામવાસીઓને ફાળવવાની મંજૂરી આપી છે તેવી વાત ગામમાં વહેતી કરવામાં આવી હતી. જેને લઈને ગામમાં આ પ્લોટની હરાજીના કાગળો તૈયાર થયા હતા અને 850 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અપસેટ કિંમત રાખીને પ્લોટની હરાજી રાખી હતી અને અલગ અલગ 25 પ્લોટ 890થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને આપવામાં આવ્યા હતા. જેમાં સનદ અને તાલુકા પંચાયતના હુકમ પણ હતા અને પરિશિષ્ટ એચ સહિતના સોગંદનામા પણ તૈયાર કરાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?
આ બધી પ્રક્રિયા પૂરી થયા બાદ સસ્તા ભાવે મળેલા પ્લોટ વેચવા માટે અમુક શખ્સોએ પેરવી શરૂ કરી હતી. જો કે મીડિયાએ આ મામલે તપાસ કરતા હરાજીની પ્રક્રિયા જ ખોટી અને બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ત્રાકુડા ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી અને હાલ હડમડિયામાં ફરજ બજાવતા ધર્મેશ હાપલિયા સાથે મળીને આખું કાવતરું રચ્યું હતું. કોઇ પ્લોટધારક પાસેથી 150 તો કોઇને 160 ચોરસ વારના પ્લોટ આપીને 1.39 લાખથી માંડી 1.43 લાખ રૂપિયા પ્લોટનો ભાવ તેમજ અલગ અલગ પ્રકારના ટેક્સ લગાવ્યા હતા.
આરોપીઓએ પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા તાલુકા પંચાયતના અધિકારીઓને આપવાના છે તેમ કહી લાંચ પણ લીધી હતી. જો કે મીડિયાની તપાસમાં પ્લોટ વેચાણ મંજૂરના હુકમમાં સર્કલ ઓફિસર અને ટીડીઓ પૈકી કોઈની સહી નહોતી. જેથી ભાંડો ફૂટ્યો હતો. એટલું જ નહીં, લેન્ડ ડિસ્પોઝલ કમિટીની બેઠક પણ મળી નહોતી. પંચાયત કે તાલુકામાંથી પણ કોઈ રેકર્ડ નીકળ્યા નહોતા. આ સમગ્ર પ્રકરણમાં ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાનો સાથ હોવાનું સામે આવ્યું છે.
ત્રાકુડાના વર્તમાન તલાટી ભાવેશ ઉદેશીને સનદ તેમજ પ્લોટ ફાળવણીના હુકમો બતાવી ગ્રામપંચાયતના ચોપડે ખરાઈ કરવાનું કહેવાયું હતું. આ મામલે તેઓએ જણાવ્યુ હતું કે, ‘પ્લોટની હરાજીનો કે સનદ આપ્યાના આવા કોઇ રેકર્ડ પંચાયતના ચોપડે નથી. સનદમાં 2023ની સાલ છે ત્યારે હું ફરજ પર ન હતો મારી હમણા જ બદલી થઈ છે.’
આ મામલે ગોંડલના ટીડીઓને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આવી કોઈ ફરિયાદ હજુ સુધી અમારી પાસે આવી નથી. જો આવશે તો તપાસ કરીશું. જોકે, આ ઘટનાને કારણે લોકોમાં સરકારી સિસ્ટમ વિરુદ્ધનો અવિશ્વાસમાં ચોક્કસ વધારો થયો છે.
આ પણ વાંચો: નેતાઓ માટે રસ્તો ખોલ્યો, પણ માતાનો મૃતદેહ લઈ પુત્રે 1 કિમી ચાલવું પડ્યું