ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આદિવાસી પટ્ટામાં આજે પણ રસ્તા, પાણી, વીજળી, શૌચાલય, શાળાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. પરિણામે દેશનો મૂળનિવાસી આ સમાજ ભારે વિકટ પરિસ્થિતિનો સામનો કરીને જીવન ગુજારવા મજબૂર છે. ગુજરાતમાં દર વર્ષે આદિવાસી પટ્ટામાં સગર્ભાઓ કે બીમાર વ્યક્તિને ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવાતા દ્રશ્યોની જાણે કોઈ નવાઈ નથી રહી. આ સ્થિતિ દેશના અન્ય આદિવાસી પટ્ટામાં પણ જોવા મળે છે. જો કે, બે દિવસ પહેલા એક એવી ઘટના બની જેમાં રસ્તાના અભાવે એક આદિવાસી બાળકનું મોત થઈ ગયું છે.
છત્તીસગઢના કોરબાના મુઢુનાર ગામની ઘટના
ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લાના મુઢુનારા ગામની છે. અહીં એક 6 વર્ષની બાળકીને કોબ્રા સાપ કરડી ગયો હતો. બાળકીને બચાવવા માટે તાત્કાલિક દવાખાને લઈ જવી જરૂર હતી. જો કે, હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીના પરિવારે 27 કિમી ફરીને પહોંચવું પડ્યું હતું. જેના કારણે બાળકીનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: રેતીમાં ઉછરેલો દલિત યુવક ‘સૂરજ’ હવે ‘આકાશ’ના તારા ગણશે
આ ઘટના રાત્રે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. છોકરી ઘરમાં સૂતી હતી. તેણે તેના પિતાને રાત્રે શૌચાલય જવા કહ્યું. ઘરમાં વીજળી નહોતી. અંધારામાં જ તેને કોબ્રાએ દંશ મારી દીધો. એ પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વધુ એક કલાક બગાડી શકે છે તેવું વિચારીને બાળકીના પરિવારજનો તેને જાતે એક કાર ભાડે કરીને હોસ્પિટલ લઈ જવા માટે રવાના થયા.

ખરાબ રસ્તાને કારણે 27 કિ.મી.નો ફેરો થયો
બાળકીના પડોશીએ જણાવ્યું કે, જિલ્લા હોસ્પિટલથી મુઢુનાર ગામનું અંતર ફક્ત 12 કિમી છે. પણ ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો સારો નથી. વરસાદને કારણે બુંદેલી નાળામાં પાણી 3 થી 4 ફૂટ ઉપર વહી રહ્યું હતું. તેથી બાળકીને લઈને પરિવારે ગામથી 27 કિલોમીટર દૂર આવેલા કોરકોમા સુધીનું ચક્કર કાપવું પડ્યું. જેના કારણે 1 કલાક મોડું થયું. જો ગામમાં પુલ હોત, રસ્તો સારો હોત તો અમે અહીં 1 કલાક વહેલા પહોંચી શક્યા હોત અને છોકરીનો જીવ બચાવી શકત.
હોસ્પિટલના અધિક્ષકે શું કહ્યું?
મેડિકલ કોલેજ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રવિકાંત જાટવારે જણાવ્યું હતું કે સર્પદંશ પછી છોકરી એકદમ મરણાસન્ન હાલતમાં હોસ્પિટલમાં પહોંચી હતી. એટલે સારવાર શરૂ થયાના થોડા જ સમયમાં તેનું મૃત્યુ થયું. સર્પદંશના કિસ્સામાં, દર્દીને જેટલી વહેલી તકે હોસ્પિટલમાં લાવવામાં આવે છે, તેનો જીવ બચાવવાની શક્યતાઓ એટલી જ વધુ હોય છે. સાપ કેટલો ઝેરી છે અને તે કઈ પ્રજાતિનો છે તે પણ મહત્વનું છે, સાપે શરીરમાં કેટલું ઝેર છોડી દીધું છે તે દર્દીની સ્થિતિ પર ઊંડી અસર કરે છે.
બાળકીના મોતની જવાબદારી કોણ લેશે?
આ ઘટના તંત્ર અને સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. સરકાર અને વહીવટીતંત્ર ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓ પૂરી પાડવાના મસમોટા દાવાઓ કરે છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. અહીં એક 6 વર્ષની આદિવાસી બાળકીએ રસ્તાના અભાવે જીવ ગુમાવવો પડ્યો છે તેની જવાબદારી કોણ લેશે?
ગામલોકોની શું માગણી છે?
ગામલોકોનું કહેવું છે કે, ગામ સુધી પહોંચવાનો સારો રસ્તો બનાવવો જરૂરી છે, જેથી બીજા કોઈનું આ રીતે મૃત્યુ ન થાય. અમે ઘણી વાર માંગ કરી છે કે ગામમાં પુલ બનાવવામાં આવે. દર વર્ષે ચોમાસામાં ગામમાં આવી જ પરિસ્થિતિ ઉભી થાય છે. પરંતુ આજ સુધી રસ્તો બન્યો નથી. રસ્તાથી 3 થી 4 ફૂટ ઉપર પાણી વહી રહ્યું હતું અને તેમાંથી બીજી તરફ પહોંચવું અશક્ય હતું. અમારે 27 કિ.મી.નો ફેરો થયો અને તેના કારણે બાળકીના આખા શરીરમાં કોબ્રાનું ઝેર ફેલાઈ ગયું અને તેનું મોત થઈ ગયું.
આ પણ વાંચો: 15 વર્ષની દલિત છોકરી પર પોલીસકર્મીએ બંદૂક બતાવી રેપ કર્યો












