જાતિવાદ અને અત્યાચાર માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં વધુ એક દલિત અત્યાચારની ઘટના બની છે. અહીંના સંભલ જિલ્લામાં ઉશ્કેરાયેલા ટોળાંએ કાવડ યાત્રા જોવા માટે આવેલા બે અનુસૂચિત જાતિના યુવાનોને થાંભલા સાથે બાંધીને ચોર હોવાની શંકામાં તેમને નિર્દયતાથી માર માર્યો. આ મામલે યુવકની માતાની ફરિયાદ પર, 5 સામે નામજોગ સહિત 12 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ચોરીની અફવા ફેલાવી દલિત યુવકોને માર્યા
અફવા કેટલી ખતરનાક હોઈ શકે છે તે આ ઘટનામાંથી સમજવા મળે છે. સંભલમાં એક હિંસક ટોળાએ વિચાર્યા વિના કાવડ યાત્રા જોવા આવેલા બે અનુસૂચિત જાતિના યુવાનોને ચોર સમજીને માર માર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાંએ બંને યુવકોને થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો.આ કેસની માહિતી મળતાં, પોલીસે એક ડઝન લોકો સામે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: કાવડ યાત્રાની ટીકા કરનાર દલિત શિક્ષકને ગામલોકોએ મંદિર સામે નાક રગડાવ્યું
કાવડયાત્રા જોવા ગયા હતા અને ટોળાંએ માર માર્યો
મામલો નખાસા પોલીસ સ્ટેશનનો છે. પોલીસ સ્ટેશનના અધિકારી (SHO) રજનીશ કુમારે જણાવ્યું હતું કે આ ઘટના 22 જુલાઈના રોજ બની હતી. નાહર ઢેર ગામનો રહેવાસી 20 વર્ષીય સુંદર તેના સંબંધી સની સાથે સંભલમાં કાવડ યાત્રા જોવા ગયો હતો. રસ્તામાં બઢઈવાળી વસ્તી ગામમાં કેટલાક લોકોએ બંનેને ચોર હોવાની શંકામાં પકડી લીધા હતા અને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જેના કારણે બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ બંનેના પરિવારે તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
12 લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ
પોલીસના જણાવ્યા અનુસાર, યુવકોની માતાની ફરિયાદ પર 5 લોકો સામે નામજોગ સહિત લગભગ એક ડઝન અજાણ્યા લોકો સામે FIR નોંધવામાં આવી છે. આરોપીઓ પર એસસી એસટી એક્ટ(SC/ST Act) ભારતીય દંડ સંહિતા(BNS)ની કલમ 191 (2) (હુલ્લડો કરવા), 190 (ગેરકાયદેસર રીતે ભેગા થવું), 127 (2) (ખોટી રીતે બંધક બનાવવા), 115 (2) (ઇજા પહોંચાડવી), 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન કરવું), 351 (2) (ગુનાહિત ધાકધમકી આપવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી
બીજી તરફ આ ઘટનાને પગલે અલીગઢમાં શ્રાવણના ત્રીજા સોમવારે શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. PAC અને RAF ની એક-એક કંપની તૈનાત કરવામાં આવી છે. ડ્રોન કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. કાવડના રૂટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. એક ટીમ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે.
તોફાની કાવડિયાઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે?
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં છેલ્લાં કેટલાક વર્ષોથી કાવડીયાઓ દ્વારા મચાવવામા આતંક સામે યુપી પોલીસે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેવી સ્થિતિ છે. જ્યારથી ભાજપના યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા છે ત્યારથી કાવડીયાઓના સ્વાંગમાં તોફાની તત્વો ગમે તે જગ્યાએ તોડફોડ કરી, ગમે તેને માર મારીને આતંક મચાવી રહ્યાં છે. છતાં પોલીસ તેમના પર કાર્યવાહી કરી નથી રહી. ઉલટાનું પોલીસ તેમના પર ફૂલ વરસાવી, માલિશ કરી અને ભોજન-નાસ્તો કરાવીને આગતા-સ્વાગતા કરી રહી છે.
આ પણ વાંચો: હિંમતનગરના ઢુંઢરમાં 9 દરબારોએ દલિત કિશોર પર હુમલો કર્યો











Users Today : 1747