મહિલાઓ પરના અત્યાચાર માટે દેશમાં સૌથી ટોચ પર રહેલા રાજ્ય રાજસ્થાનમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ પણ સતત બનતી રહે છે. આવી જ એક ઘટના અહીંના અલવર જિલ્લાના એક ગામમાંથી સામે આવી છે. જ્યાં એક મંદિરમાં ઘૂસેલી પોતાની બકરીને લેવા માટે મંદિર પરિસરમાં ગયેલા દલિત વૃદ્ધને મંદિરના પૂજારીએ આભડછેટ રાખી જાતિસૂચક અપશબ્દો બોલી અન્ય લોકો સાથે મળીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં દલિત વૃદ્ધના જાંઘના હાડકા ભાંગી ગયા હતા. હાલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અલવરના પરસાણા વાસ ગામની ઘટના
મામલો અલવરના અકબરપુર પોલીસ સ્ટેશનના પરસાણા વાસ ગામનો છે. જ્યાં અસ્પૃશ્યતાના નામે એક દલિત વડીલ પર એક મંદિરના પૂજારીએ તેના સાગરિતો સાથે મળીને ક્રૂર હુમલો કર્યો હતો. પીડિત, 65 વર્ષીય ગ્યારસા રામ બૈરવાને મંદિરમાં પ્રવેશતા જ લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમના પગ અને જાંઘના હાડકાં ભાંગી ગયા હતા, તેઓ હાલમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
પૂજારીએ જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કર્યો
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગ્યારસા રામ બકરા ચરાવવા ગયા હતા. એ દરમિયાન તેમની એક બકરી ગામની નજીક ટેકરી પર સ્થિત પવનનાથ મંદિર સંકુલમાં ઘૂસી ગઈ હતી. જ્યારે ગ્યારસા રામ પોતાની બકરીને લેવા માટે મંદિર પરિસરમાં પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર પૂજારી અને અન્ય લોકોએ તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને જીવલેણ હુમલો કરી દીધો હતો.
હુમલામાં વૃદ્ધનો પગ અને જાંઘનું હાડકું ભાંગી ગયું
ગ્યારસા રામના જમાઈ ભરતે જણાવ્યું કે પૂજારીએ મારા સસરાને કહ્યું હતું કે, તમે દલિત છો અને મંદિરમાં પ્રવેશવાની તમારી હિંમત કેવી રીતે થઈ. આમ મંદિરના પૂજારીએ અમારી જાતિ વિશે વાંધો ઉઠાવી આભડછેટ રાખી મારા સસરાને ગાળો બોલી માર મારવાનું શરૂ કર્યું દીધું હતું. એ પછી, પૂજારીએ અન્ય લોકોને બોલાવ્યા અને બધાએ સાથે મળીને મારા સસરાને બેરહેમીથી માર માર્યો હતો. મારા સસરા આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને જમીન પર ફસડાઈ પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમના જાંઘ અને પગના હાડકાં તૂટી ગયા છે.
એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
ગ્યારસા રામના પરિવારજનોની ફરિયાદ પર, પોલીસે SC-ST એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને કેસની તપાસ ચાલી રહી છે. જોકે, ઘટના બાદ, પૂજારી અને તેમના સાથીઓએ સ્પષ્ટતા કરી હતી કે ગ્યારસા રામે મંદિરની ગાય પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો. પોલીસ હવે આ દાવાની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: દલિત યુવકની દાઢી-મૂછ મુંડી, મોં કાળું કરી અર્ધનગ્ન કરી ગામલોકોએ ફેરવ્યો
આવાં નરાધમ પાપી ને મંદિરમાંથી કાઢો અને ફાંસી આપો