કર્ણાટકની એક સરકારી શાળામાં ફરજ બજાવતા એક મુસ્લિમ આચાર્યની બદલી કરાવવા માટે શ્રીરામ સેના નામના એક હિંદુત્વવાદી સંગઠનના નેતાએ શાળાના બાળકો જે ટાંકીમાંથી પાણી પીતા હતા, તેમાં ઝેર ભેળવી દીધું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે શ્રીરામ સેનાના નેતાએ 5મા ધોરણના એક વિદ્યાર્થીને પાણીની ટાંકીમાં ઝેરી પદાર્થ નાખવા માટે મજબૂર કર્યો હતો. શાળાની ટાંકીમાંથી પાણી પીધા પછી એક ડઝન વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા.
તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે બાળકોએ ઝેરી પાણી પીધું હતું અને આ પાણી કોઈ બેદરકારીને કારણે ઝેરી બન્યું ન હતું પરંતુ શાળાના ‘મુસ્લિમ’ આચાર્યની બદલી કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એક શ્રી રામ સેના નામના જમણેરી જૂથ સાથે સંકળાયેલો સ્થાનિક નેતા પણ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની નિંદા કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના 14 જુલાઈના રોજ બની હતી, જે હવે પ્રકાશમાં આવી છે. બેલાગાવી જિલ્લાના હુલીકટ્ટી ગામની સરકારી લોઅર પ્રાઈમરી શાળાના આચાર્ય સુલેમાન ગોરી નાઈક છેલ્લા 13 વર્ષથી અહીં ફરજ બજાવે છે. પોલીસે જણાવ્યું હતું કે આચાર્યને બદનામ કરવા અને તેમની બદલી કરાવવા માટે શ્રીરામ સેનાના સ્થાનિક નેતાએ અન્ય લોકો સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું.
પાંચમા ધોરણના વિદ્યાર્થી પાસે ઝેર ભેળવાવ્યું
તપાસમાં ખુલાસો થયો હતો કે પાંચમા ધોરણના વિદ્યાર્થીને પાણીની ટાંકીમાં ઝેરી પદાર્થ નાખવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, બાળકે જણાવ્યું હતું કે તેને એક બોટલ આપવામાં આવી હતી અને તેને પાણીની ટાંકીમાં નાખવાનું કહેવામાં આવ્યું હતું. શાળાની ટાંકીમાંથી પાણી પીધા પછી 12 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. સદનસીબે, બાળકોમાં જોવા મળેલા લક્ષણો જીવલેણ નહોતા. પરંતુ આ ઘટના પછી શાળા સ્ટાફ અને બાળકોના માતા-પિતા ચોંકી ગયા હતા. આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે બાળકોની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. હાલમાં, તેઓ સ્વસ્થ છે.
આ પણ વાંચો: વીરમગામમાં દલિતોના સ્મશાનમાં ઘૂસી સરકારી કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી
વિદ્યાર્થી અને અન્ય એક વ્યક્તિને બ્લેકમેઈલ કરાયો
મીડિયા રિપોર્ટ મુજબ, તપાસમાં બહાર આવ્યું છે કે ઝેરી પદાર્થવાળી બોટલ પાંચમા ધોરણના વિદ્યાર્થીને કૃષ્ણ મદાર નામના વ્યક્તિએ આપી હતી. એવું પણ બહાર આવ્યું છે કે કૃષ્ણને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. સાગર પાટિલ અને નાગનગૌડા પાટિલ નામના બે માણસોએ તેમને ધમકી આપી હતી કે જો તે તેમની વાત નહીં માને, તો તેની ઈન્ટરકાસ્ટ લવ સ્ટોરી બધાને કહી દેશે. ડરના માર્યા કૃષ્ણે તેમની વાત માની લીધી અને પાંચમા ધોરણના વિદ્યાર્થી દ્વારા પાણીમાં ઝેર ભેળવી દીધું.
શ્રી રામ સેનાના નેતા મુખ્ય સૂત્રધાર નીકળ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, શ્રી રામ સેનાના તાલુકા સ્તરના પ્રમુખ સાગર પાટિલ આ સમગ્ર ષડયંત્રનો માસ્ટર માઈન્ડ નીકળ્યો છે. પૂછપરછ દરમિયાન, તેણે કબૂલાત કરી હતી કે શાળાના મુસ્લિમ આચાર્યને હટાવવા માટે તેમણે આ ષડયંત્ર રચ્યું હતું. તેઓ કોઈ મુસ્લિમ વ્યક્તિ શાળાનો હવાલો સંભાળે તે સહન કરી શકતા નહોતા. આથી તેમણે પાણીમાં ઝેર ભેળવ્યું હતું, જેથી બાળકોને કંઈ થાય તો તેની જવાબદારી મુસ્લિમ આચાર્ય પર આવે અને તેમને સસ્પેન્ડ કરાય અથવા બદલી કરી દેવામાં આવે. પોલીસે સાગર પાટિલ, નાગનગૌડા પાટિલ અને કૃષ્ણ મદારની ધરપકડ કરી છે.
ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲೆಯ ಸವದತ್ತಿ ತಾಲೂಕಿನ ಹೂಲಿಕಟ್ಟಿ ಗ್ರಾಮದ ಸರ್ಕಾರಿ ಶಾಲೆಯ ಮುಖ್ಯೋಪಾಧ್ಯಾಯರು ಮುಸ್ಲಿಂ ಸಮುದಾಯಕ್ಕೆ ಸೇರಿದವರು, ಅವರನ್ನು ತಮ್ಮ ಊರಿನಿಂದ ಬೇರೆಡೆಗೆ ವರ್ಗಾವಣೆ ಮಾಡಿಸಬೇಕೆಂಬ ದುರುದ್ದೇಶದಿಂದ ಶಾಲಾಮಕ್ಕಳ ಕುಡಿಯುವ ನೀರಿಗೆ ವಿಷ ಹಾಕಿದ ಶ್ರೀರಾಮ ಸೇನೆಯ ತಾಲೂಕು ಅಧ್ಯಕ್ಷ ಸಾಗರ ಪಾಟೀಲ ಸೇರಿದಂತೆ ಒಟ್ಟು ಮೂವರನ್ನು…
— Siddaramaiah (@siddaramaiah) August 3, 2025
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઘટનાની નિંદા કરી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની સખત નિંદા કરી. તેમણે ટ્વિટર પર લખ્યું, આ ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત નફરતથી ભરેલું અને ઘૃણાસ્પદ ષડયંત્ર હતું, જે આપણા સમાજની કોમી એકતાને જોખમમાં મૂકે છે. સદભાગ્યે, કોઈએ જીવ ગુમાવ્યો નથી. પરંતુ આ ઘટના દર્શાવે છે કે ધાર્મિક દ્વેષ બાળકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે.
સિદ્ધારમૈયાએ આ ઘટનાના બહાને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપ પર ધર્મના નામે સમાજમાં નફરત ફેલાવવાનો અને રાજકીય લાભ લેવાનો આરોપ લગાવ્યો. તેમણે ભાજપના નેતાઓને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે નફરતભર્યા ભાષણો અને સાંપ્રદાયિક રમખાણોને રોકવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરી છે. તેમણે કહ્યું કે સરકાર આવા તત્વો સામે શક્ય તેટલી કાનૂની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: માંગરોળમાં જર્જરિત બ્રિજનો સ્લેબ તૂટતા 8 લોકો નદીમાં ખાબક્યાં
કુટનિતિ દિમાગ ની ભયંકર ગંદકી છે,દેશનો માહોલ ખરાબ કરી નાંખે છે
*સેતાનિક કલ્ચર પુરષોત્તમ શ્રીરામને મનુવાદી ગંદકીથી ક્યાં સુધી દૂષિત કરશે? RSS નાં અધ્યક્ષ મોહન ભાગવત જીએ ઊંડાણ પૂર્વક વિચારવાની ખુબ જ જરૂરી બાબત છે!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!