જાતિવાદી તત્વો દલિતો સાથે પીવાના પાણીથી લઈને ભોજન, જાહેર સ્થળોનો ઉપયોગ કરવા સુધીની દરેક બાબતોમાં ભેદભાવ દાખવે છે. જો કે એક ગામમાં તો સવર્ણ હિંદુઓએ હદ કરી નાખી. તેમણે દલિતો તેમની વસ્તીમાંથી ચાલીને નીકળે તે પસંદ ન હોવાથી કોઈને પૂછ્યા વિના દલિતોની વસ્તી આડે 200 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી દિવાલ બનાવી નાખી. આ મામલે હવે સામાજિક કાર્યકરોએ અવાજ ઉઠાવ્યો છે અને અસ્પૃશ્યતાની આ દિવાલને તોડી પાડવા માટે કોર્ટમાં અરજી કરી છે. અસ્પૃશ્યતાની આ દિવાલ ગામમાં કેટલી હદે કટ્ટર જાતિવાદી તત્વો રહેતા હશે તેનો પુરાવો છે. આ ગામમાં દલિતો આજે પણ દલિતોના ચંપલ પહેરવા પર પ્રતિબંધ છે.
પેરિયારની ભૂમિ તમિલનાડુની ઘટના
ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. અહીંના કરુર જિલ્લાના મુથુલાદમપટ્ટી ગામમાં સવર્ણ હિંદુઓએ દલિતો તેમની વસ્તીમાંથી ચાલીને જઈ ન શકે તે માટે એક લાંબી દિવાલ ચણી લીધી છે. અનુસૂચિત જાતિ હેઠળ આવતા અરંથથિયાર સમાજના લોકોએ આરોપ લગાવ્યો છે કે થોટ્ટિયા નાયકર જાતિના સવર્ણ હિન્દુઓએ 200 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી દિવાલ બનાવી છે. જેથી દલિતો તેમની વસ્તીમાંથી અવરજવર ન કરી શકે. અરંથથિયાર સમાજના લોકોએ તેને ‘અસ્પૃશ્યતાની દિવાલ’ નામ આપ્યું છે. આ દિવાલ સરકારી પોરમ્બોકે (સરકારની માલિકીની જાહેર જમીન) પર બનાવવામાં આવી છે, જે કરુર કલેક્ટર ઓફિસથી માત્ર એક કિલોમીટર દૂર સ્થિત છે. અરુંથથિયાર સમાજનું કહેવું છે કે આ દિવાલ તેમને ગામના અન્ય ભાગોમાં, ખાસ કરીને સવર્ણ હિંદુઓા વિસ્તારમાં જતા રોકવા માટે જ બનાવવામાં આવી છે.
ફરિયાદો છતાં બાંધકામ ચાલુ રહ્યું
ધ હિન્દુના એક અહેવાલ મુજબ, દલિતોનું કહેવું છે કે જ્યારે તેમને આ દિવાલ બનાવાઈ રહી હોવાનું જાણવા મળ્યું ત્યારે તેમણે મહેસૂલ અધિકારીઓને ફરિયાદ કરી હતી. થંથોણી ગામના તલાટી સહિતના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું અને મૌખિક રીતે થોટીયા સમાજને કામ બંધ કરવા કહ્યું, પરંતુ તેમણે આ સૂચનાઓને ધ્યાન પર લીધા વિના આખી દિવાલ ચણી દીધી.
આ પણ વાંચો: સુરતના અંતરિયાળ ગામનો આદિવાસી છોકરો ઈન્ડિગોનો પાયલોટ બન્યો
વહીવટીતંત્રનું મૌન અને દલિતોનો આક્રોશ
દિવાલને કારણે ઉશ્કેરાયેલા, અરુંથથિયાર સમાજે રસ્તો રોકીને વિરોધ કર્યો અને દિવાલ તોડી પાડવાની માંગ કરી. આ વિરોધને કારણે, મહેસૂલ અને પોલીસ વિભાગના અધિકારીઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો. એ પછી, બે શાંતિ બેઠકો યોજાઈ – પહેલી 13 જુલાઈએ મામલતદારની અધ્યક્ષતામાં અને બીજી 29 જુલાઈએ મહેસૂલ વિભાગીય અધિકારી દ્વારા. જોકે, સમાજનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
‘આ અસ્પૃશ્યતાની દિવાલ છે’
દલિત સમાજના 57 વર્ષીય પી. મરુધાઈએ કહ્યું, “આ દિવાલ અમારા પોતાના ગામમાં અમને સવર્ણ હિંદુઓથી અલગ પાડવાનું પ્રતીક છે. આ સ્પષ્ટ રીતે જાતિગત ભેદભાવ છે અને અમને નીચા દેખાડી અપમાનિત કરવાનો પ્રયત્ન છે.” તેમનો આરોપ છે કે સવર્ણ હિંદુઓ તેમને મંદિરના ઉત્સવોમાં જાહેર ‘નાટક મંચ’નો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી, અને જ્યારે તેઓ પોતાના માટે અલગ સ્ટેજ કે શૌચાલય બનાવવા માંગે છે, ત્યારે પણ તેમને રોકવામાં આવે છે.
50 વર્ષીય એસ. દુરૈયાસામીએ કહ્યું, “જો અમને સવર્ણ હિંદુઓના વિસ્તારોમાંથી પસાર થઈએ તો અમને ચંપલ પહેરવા દેવામાં આવતા નથી. જો અમે ચંપલ પહેરીને નીકળીએ તો ગાળો બોલવામાં આવે છે અને અપમાન કરવામાં આવે છે. આજે પણ દલિત સમાજના લોકો અહીં સવર્ણોની વસ્તીમાં ચંપલ પહેરીને જઈ શકતા નથી.”
સવર્ણોએ દોષનો ટોપલો બહારના લોકો પર ઢોળી દીધો
આ તરફ કથિત સવર્ણ થોટ્ટિયા નાયકર સમાજે સમગ્ર દોષનો ટોપલો બહારના લોકો પર ઢોળી દીધો છે. 62 વર્ષીય આર. કંડાસામીએ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને કહ્યું, “અમે દિવાલ એટલા માટે બનાવી છે જેથી નશામાં ધૂત બહારના લોકો અમારા વિસ્તારમાં ન આવી જાય. આ જગ્યા તો વર્ષોથી અમે ઉપયોગ કરીએ છીએ.”
દિવાલ તાત્કાલિક તોડી પાડવી જોઈએઃ સામાજિક કાર્યકર
આ ઘટનાને શરમજનક ગણાવતા, મદુરાઈ સ્થિત સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ સી. આનંદરાજે કહ્યું, “કોઈ પણ વ્યક્તિ મંજૂરી વિના સરકારી જમીન પર દિવાલ બનાવી શકે નહીં, ખાસ કરીને જો તે લોકોની અવરજવરમાં અવરોધ ઉભો કરતી હોય. આ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. તેથી તેને તાત્કાલિક તોડી પાડવી જોઈએ.”
રિપોર્ટ મળ્યા પછી હકીકતનો ખ્યાલ આવશેઃ કલેક્ટર
કરુરના કલેક્ટર એમ. થંગવેલે ધ હિન્દુને જણાવ્યું છે કે, “હું અત્યારે કહી શકતો નથી કે આ અસ્પૃશ્યતાની દિવાલ છે કે નહીં. મેં મહેસૂલ વિભાગના અધિકારીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું. રિપોર્ટ મળ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.”
આ પણ વાંચો: પત્રકાર જગદીશ મહેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થશે?
*ભૂમિ ભલે પેરિયાર મહાન પુરુષની હોય કે વિદ્ધાનોમાં વિદ્ધાન એવાં પરમ પૂજય બાબાસાહેબ આંબેડકર જી ની ભૂમિ કેમ ન હોય, જ્યાં જ્યાં કાયરો પૈદા થયાં છે, ત્યાં ત્યાં જાતિવાદી તત્વો અને અસામાજિક તત્વો દ્વારા ગરીબ દલિતો પીડિતો બહુજનોને માનસિક રીતે ગુલામ બનાવી રાખવાની તાકત રાખે છે, એમાં કોઈ બેમત નથી.
જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન! જયભીમ!