ગુજરાતના 10 અજાણ્યા રાજકીય પક્ષોને 4300 કરોડનું ફંડ કેવી રીતે મળ્યું?

ગુજરાતમાં 10 એવા અજાણ્યા રાજકીય પક્ષો છે, જેમનું મતદારોએ નામ પણ નહીં સાંભળ્યું હોય, છતાં આ તેમને અધધધ... 4300 કરોડ ચૂંટણી ફંડ મળ્યું છે. કેવી રીતે?
fund scam adr report

લોકશાહી સત્તા પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, ભારતીય જનપરિષદ, સૌરાષ્ટ્ર જનતા પક્ષ, જન મન પાર્ટી, માનવાધિકાર નેશનલ પાર્ટી, ગરીબ કલ્યાણ પાર્ટી – આ તમામ રાજકીય પક્ષોનું તમે ક્યારેય ગુજરાતમાં નામ સાંભળ્યું છે ખરા? પણ જો તમને એમ કહેવામાં આવે કે આ 10 તદ્દન અજાણ્યા રાજકીય પક્ષોને અધધધ… 4300 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ મળ્યું છે, તો તમે ચોંકી જશો. પહેલી નજરે જરાય માન્યામાં ન આવે તેવી આ વાત સો ટકા સાચી છે. બીજી અને સૌથી મહત્વની વાત એ છે કે, આ તમામ 10 અજાણ્યા રાજકીય પક્ષોની નોંધણી ગુજરાતમાં થયેલી છે. જેના પરથી આ કેટલું મોટું કૌભાંડ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ પક્ષોને ચૂંટણીઓમાં અમુક હજાર મત માંડ મળ્યાં છે, તેમ છતાં તેમને કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ કેવી રીતે મળી ગયું તે સૌથી મોટો સવાલ છે.

કોંગ્રેસે બિહારની ચૂંટણીનો મુદ્દો બનાવ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે સવાલો ઉઠાવ્યા છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, “ગુજરાતમાં અમુક એવી અનામી પાર્ટીઓ છે જેમના નામ કોઈએ સાંભળ્યા નથી, પરંતુ તેમને 4300 કરોડનું દાન મળ્યું છે! આ પાર્ટીઓએ ભાગ્યે જ કોઈ ચૂંટણી લડી છે અથવા ચૂંટણીમાં ખર્ચ કર્યો છે. આ હજારો કરોડ ક્યાંથી આવ્યા? તેને કોણ ચલાવી રહ્યું છે? અને પૈસા ક્યાં ગયા? શું ચૂંટણી પંચ તપાસ કરશે – કે પછી અહીં પણ તે પહેલા એફિડેવિટ માંગશે? કે પછી કાયદો જ બદલી નાખશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?”

આ પણ વાંચો: બળાત્કારી રામ રહીમે 5 વર્ષની સજામાં 1 વર્ષ ‘આઝાદી’ ભોગવી

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નામની સંસ્થાએ એક મહિના પહેલા આ ચૂંટણી ફંડ કૌભાંડનો રિપોર્ટ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, 5 અજાણ્યા પક્ષોને આ પૈસા મળ્યા છે. પરંતુ દિવ્ય ભાસ્કર સહિતના ગુજરાતના સમાચારપત્રોએ હવે રિપોર્ટ આપ્યો છે કે ગુજરાતના 10 અજાણ્યા રાજકીય પક્ષોને આ દાન મળ્યું છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના અહેવાલ મુજબ, ભારતમાં નોંધાયેલા અમાન્ય રાજકીય પક્ષો (RUPPs) જેમને સામૂહિક રીતે માત્ર કહેવા પુરતા મતો મળે છે, તેમની આવકમાં વર્ષ 2022-23 માં 223% નો જંગી વધારો થયો છે. આ ખુલાસાથી રાજકીય ફંડિગ ચેનલોના સંભવિત દુરુપયોગ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. ADR ના રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં 2,764 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો છે, પરંતુ તેમાંથી 73% થી વધુ, એટલે કે લગભગ 2,025, એ તેમના નાણાકીય રેકોર્ડ જાહેર કર્યા નથી.

ગુજરાતનું ચૂંટણી ફંડનું ગજબનું મોડેલ

ગુજરાતમાં આવા 5 પક્ષોએ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ચૂંટણીઓમાં કુલ ફક્ત 22,000 મત મેળવ્યા હતા, છતાં તેમની સંયુક્ત આવક ₹2,316 કરોડ જાહેર કરી હતી. ફક્ત એક નાણાકીય વર્ષમાં, આ પક્ષોની આવક ₹1,158 કરોડ હતી. ઊંચી આવક હોવા છતાં આ પક્ષોએ વર્ષ 2019 અને 2024 વચ્ચે બે લોકસભા ચૂંટણીઓ અને એક વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 17 ઉમેદવારો ઉભા રાખ્યા હતા – જેમાંથી કોઈ જીત્યું ન હતું. આ પાંચ પક્ષોમાંથી ઘણા વર્ષ 2018 પછી નોંધાયેલા હતા.

આ પણ વાંચો: SC-ST અનામતને ‘આવકના આધારે’ કરવાનો તખ્તો તૈયાર?

ગુજરાતના 10 અજાણ્યા પક્ષોને કેટલી રકમ મળી?

આ બેનામી પાર્ટીઓમાં, લોકશાહી સત્તા પાર્ટીને 1045 કરોડ, ભારતીય રાષ્ટ્રીય જનતા દળને 962 કરોડ, સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીને 663 કરોડ, ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીને 608 કરોડ, સત્યવાદી રક્ષક પાર્ટીને 416 કરોડ, ભારતીય જન પરિષદને 249 કરોડ, સૌરાષ્ટ્ર જનતા પક્ષને 200 કરોડ, જનમાન પાર્ટીને 133 કરોડ, માનવ અધિકાર રાષ્ટ્રીય પાર્ટીને 120 કરોડ, ગરીબ કલ્યાણ પાર્ટીને 138 કરોડ ચૂંટણી ફંડ મળ્યું છે.

ચૂંટણી ફંડ કૌભાંડમાં ચોક્કસ પેટર્ન જોવા મળી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ અમદાવાદના લગભગ 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) સામે કાર્યવાહી શરૂ કરી છે. એવો આરોપ છે કે CAs પણ રજિસ્ટર્ડ અનરિકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPPs) ને નકલી દાન આપવાની યોજનામાં સામેલ છે. સૂત્રોને ટાંકીને, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ અહેવાલ આપ્યો છે કે અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં એક પેટર્નનો ખુલાસો થયો છે, જેમાં દાતાઓએ કથિત રીતે તે અનામી રાજકીય પક્ષોને ચેક આપ્યા હતા અને સંબંધિત પક્ષો માટે કમિશન કાપીને બદલામાં રોકડ રકમ મેળવી હતી.

સૂત્રો જણાવે છે કે, આવકવેરાની તપાસ દરમિયાન, ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે વ્યવહારોમાં મદદ કરવાની કબૂલાત કરી હતી. ICAI એ જુલાઈ 2025 માં કેસની સુનાવણી શરૂ કરી હતી. જેમાં મોટાભાગના આરોપીઓએ આવકવેરા અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હોવા છતાં આરોપોને નકારી કાઢ્યા હતા. ICAI નું શિસ્ત બોર્ડ હાલમાં બંને પક્ષોના પુરાવાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે, અને આગામી બેઠક સપ્ટેમ્બર 2025 માં સુનિશ્ચિત થયેલ છે.

આ પણ વાંચો: ‘તેઓ ચૂંટણી કમિશનર નહીં, મુસ્લિમ કમિશનર હતા’

ગુજરાતના આ ચૂંટણી ફંડ કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો?

અનામી રાજકીય પક્ષોમાં આવકવેરા વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ઘણા કરદાતાઓએ રાજકીય સંસ્થાઓને આપવામાં આવેલા દાન માટે આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ કપાતનો દાવો કર્યો હતો. જો કે, તપાસમાં બહાર આવ્યું છે કે ઘણા અનામી રાજકીય પક્ષોએ કમિશન મેળવ્યા પછી દાન કરેલા નાણાં રોકડમાં પરત કર્યા હતા. આનાથી ‘દાતાઓ’ને એ પૈસા પર પણ ટેક્સ લાભનો દાવો કરવાની પરમિશન મળી ગઈ, જે તેમણે ખરેખર દાન કર્યા જ નહોતા.

ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી ન કરી

ગુજરાતમાં અજાણ્યા રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ એક મોટો મુદ્દો છે. આવકવેરા વિભાગની તપાસમાં જે પેટર્ન બહાર આવી છે તેના પરથી તે મોટો મની લોન્ડરિંગનો કેસ જણાય છે. ADR પછી આવકવેરા વિભાગની તપાસ છતાં, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ આ કૌભાંડ પર કોઈ નિવેદન આપ્યું નથી. જો કે, ચૂંટણી ખર્ચની વિગતો તેની જ પાસે જમા કરાવવામાં આવી હતી. ચૂંટણી પંચે દાન અને ખર્ચની રકમ પર ધ્યાન આપવું જોઈતું હતું, જે તેણે કર્યું નથી. જેના કારણે ચૂંટણી પંચ પણ આ મામલામાં ફરી સામે આવી ગયું છે.

આ પણ વાંચો: વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x