‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે’ – આ નિવેદન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું છે. હાલ અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાનીને ધ્યાનમાં રાખીને નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યાં છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ પણ કોઈ પ્રોજેક્ટ આવવાની સંભાવના વચ્ચે ચાંદખેડા અને મોટેરામાં દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. ઘરવિહોણા બનેલા લોકો આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પણ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આવેદનપત્ર આપતી વખતે મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી બિલ્ડરના મુખ્યમંત્રી છે. કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે. સાથે જ તેમણે પીડિતોની લડાઈને સમર્થન આપી 8 સપ્ટેમ્બરે વિધાનસભા અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસ ઘેરવાની જાહેરાત કરી છે. ઘરવિહોણા બનેલા લોકો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ શહેર પ્રમુખનો પણ સાથ મળ્યો હતો. ચાંદખેડા અને મોટેરામાં દબાણો દૂર થઈ રહ્યાં છે ત્યારે ત્યાંના પીડિતોએ ઘરની સામે ઘરની માગ કરી હતી.
આ પણ વાંચો: દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી
વિધાનસભા-મુખ્યમંત્રી આવાસ ઘેરાવ કરાશે: મેવાણી
જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બરે વિધાનસભા ઘેરાવ અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસ ઘેરાવ કરવામાં આવશે. ચાંદખેડા અને મોટેરામાં 17 હજાર એકર જમીન ખાલી કરવામાં 50 હજાર લોકો ઘર વિહોણા બનશે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર આ કામગીરી કરાઈ રહી છે, સાથે જ ચાલુ વરસાદે કામગીરી થતી હોવાથી લોકો ક્યાં જાય એ એક મોટો સવાલ ઊભો થયો છે.
મુખ્યમંત્રી બિલ્ડરોના મુખ્યમંત્રી છે: મેવાણી
વિરોધ દરમિયાન ચંડોળા, ઓઢવ, ચાંદખેડા સહિતની જગ્યા પર દબાણો દૂર કરવા બાબતે સવાલ કરાયા હતા. જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી પર બિલ્ડરોના મુખ્યમંત્રી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોતે બિલ્ડર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ગરીબોનાં હજારો આવાસો તોડાયાં છે અને હજુ ધરાયા નથી એમ રાયખંડ, ઓઢવ, ચંડોળા, ચાંદખેડા, મોટેરા, સુભાષબ્રિજ ખાતે અમને મળેલી માહિતી મુજબ કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન ગરીબોનાં તોડવાનાં છે, જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પક્ષ તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી.
આ ગુજરાત માત્ર બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓ માટે નથી. આ ગુજરાત ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે. ઝૂંપડાવાસીઓ, ચાલીમાં રહેતા લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે. 8 સપ્ટેમ્બરે વિધાનસભાનો ઘેરાવ કરીશું અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી નિવાસનો ઘેરાવ કરીશું. આ ગુજરાત અને દેશ જોશે કે ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને સંવેદનશીલ છે કે પછી બિલ્ડરો જોડે સુંવાળા સંબંધો જાળવી રાખવા માગે છે.
આ પણ વાંચો: ચાંદખેડામાં દલિતોની સોસાયટીઓમાં 3 મહિનાથી પાણી આવતું નથી
Jay Bhim 🙏