ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મધ્યપ્રદેશના ઇટાવા જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મૌર્ય સમાજની વ્યક્તિએ કથાવાચક બનીને સાત દિવસ સુધી એક ગામમાં કથા કરી હતી. છેલ્લા દિવસે ગામલોકોને ખબર પડી કે, કથાકાર ‘તિવારી’ નથી પરંતુ ‘મૌર્ય’ છે, એ પછી તેઓ રોષે ભરાયા હતા અને કથાકાર પાસે ગામલોકોના પગ પકડાવી માફી મગાવી હતી. અગાઉ આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઈટાવામાં બની હતી. જ્યાં ઓબીસી કથાકાર પાસે જાતિવાદી બ્રાહ્મણોએ માફી મગાવી હતી અને યજમાન મહિલાનો પેશાબ છાંટીને તેની શુદ્ધિ કરાવી હતી. આ બંને ઘટનાઓ આજે પણ જાતિવાદ દેશમાં કઈ હદે વ્યાપેલો છે તેનો પુરાવો છે.
કથાકાર પાસે લોકોના પગ પકડાવી માફી મગાવી
મામલો લખીમપુર ખીરીના ખમરિયા શહેરમાં આવેલા રામ જાનકી મંદિરનો છે. અહીં શ્રીમદ્ ભાગવત કથા સંભળાવવા આવેલા કથાકાર પર બ્રાહ્મણોએ આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની ઓળખ છુપાવીને બ્રાહ્મણ સહિતના ભક્તો પાસે પોતાના ચરણ સ્પર્શ કરાવ્યા હતા. જ્યારે લોકોને સોશિયલ મીડિયા પરથી કથાકારની જાતિ વિશે ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે ભરાયા હતા અને કથાકાર પાસે ભક્તોના પગ પકડાવી માફી મગાવી હતી. લોકો એટલા બધાં ગુસ્સે ભરાયા હતા કે કથાકારે તાત્કાલિક સ્થળ છોડીને ભાગી જવું પડ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ઉત્તરપ્રદેશ સહિત દેશભરમાં ફરી એકવાર જાતિવાદ મુદ્દે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં આઝાદીના 78 વર્ષ બાદ વાળંદે દલિતોના વાળ કાપ્યા
જાતિનો ખ્યાલ આવતા ભક્તો વ્યાસપીઠ પર ચડી ગયા
લખીમપુર ખીરીના ખમરિયા શહેરમાં આ ઘટના બની હતી. અહીં મંદિર સમિતિના લોકોએ રામ જાનકી મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું હતું. 7 દિવસની કથામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજના લોકો પણ કથા સાંભળવા આવ્યા હતા. બ્રાહ્મણોએ ઉભી કરેલી પરંપરા મુજબ વ્યાસપીઠ પર બેઠેલી વ્યક્તિ પણ આપોઆપ પૂજનીય બની જતી હોઈ, લોકોએ પણ ભાવથી કથાકારના ચરણ સ્પર્શ કર્યા હતા. સફેદ વસ્ત્રોમાં સજ્જ કથાકાર પારસ મૌર્યએ તેમના ચરણ સ્પર્શ કરનારા બધા લોકોને આશીર્વાદ આપ્યા હતા. જેમાં બ્રાહ્મણો પણ સામેલ હતા. બુધવારે, જ્યારે બ્રાહ્મણોને ખબર પડી કે આ કથાકાર, મૌર્ય સમાજનો હોવા છતાં બ્રાહ્મણોને તેમના ચરણ સ્પર્શ કરાવે છે, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા હતા. એ પછી મોટી સંખ્યામાં લોકો વ્યાસપીઠ પર ચડી ગયા હતા અને કથાકારને ઘેરી લીધા હતા.
મૌર્ય જાતિના કથાકારે સ્થળ છોડીને ભાગવું પડ્યું
કથાકાર પારસ મૌર્યએ પોતાની જાતિ છુપાવીને, કાશી વિશ્વનાથના રહેવાસી પારસનાથ તિવારી તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. બ્રાહ્મણોને જ્યારે ખબર પડી કે તેમણે એક તિવારી બ્રાહ્મણને નહીં પરંતુ એક મૌર્ય જાતિની વ્યક્તિના ચરણસ્પર્શ કર્યા છે, ત્યારે તેમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. એ પછી ગામલોકોએ કથાકાર પાસે જાહેરમાં ગામલોકોના ચરણસ્પર્શ કરાવી માફી મગાવી હતી. હોબાળો વધતા કથાકારે સ્થળ છોડીને ચાલતી પકડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
જાતિવાદી ગામલોકોએ શું કહ્યું?
ખમરિયા ગામના એક વ્યક્તિએ કહ્યું કે, અમારા ગામમાં એક વ્યક્તિ આવ્યા હતા અને અમને કહ્યું હતું કે તેઓ કથા વાંચશે. અમે તેમનો આદર કર્યો અને કથાનું આયોજન કર્યું, પરંતુ અમને સોશિયલ મીડિયા પર તેમના વિશે ખબર પડી કે તેઓ મગલગંજના રહેવાસી છે અને તેઓ બ્રાહ્મણ નહીં પણ મૌર્ય છે. અમને ખબર પડી કે બ્રાહ્મણોએ મૌર્યના ચરણ સ્પર્શ કર્યા હતા. તેથી સૌ ગુસ્સે ભરાયા હતા. પરંતુ કથાકારે માફી માંગી લીધી છે અને અમે હવે સંતુષ્ટ છીએ.
આ પણ વાંચો: મનરેગા મજૂર માબાપની દીકરી રાજ્યની પહેલી આદિવાસી IAS બની