ચંદુ મહેરિયા
લગભગ સવા નવ દાયકા પૂર્વેનો પૂના કરાર આજે ય ચર્ચાસ્પદ છે. ચોવીસમી સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ થયેલો પૂના કરાર દલિતોના વર્તમાન રાજકીય, શૈક્ષણિક અને વહીવટમાં પ્રતિનિધિત્વનો પાયાનો દસ્તાવેજ છે. પૂના કરારમાં કરવામાં આવેલી દલિતો માટેની શિક્ષણ, નોકરીઓ અને ચૂંટણીઓમાં ખાસ સવલતોની જોગવાઈઓ પછી ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્યધારા અને સ્વતંત્ર ભારતના બંધારણમાં પણ સમાવવામાં આવી હતી. જોકે ડો. બાબાસાહેબ આંબેડકરની માંગણી દલિતો માટે અલગ મતાધિકારની હતી. પરંતુ તેની વિરુદ્ધના ગાંધીજીના આમરણ ઉપાસને કારણે તે પડતી મૂકવી પડી હતી. એટલે પૂના કરાર દિનને દલિતોનો બહુમતી વર્ગ ‘ધિક્કાર દિન’ કે ‘વિરોધ દિન’ તરીકે મનાવે છે.
ભારતની ભાવિ રાજ્યવ્યવસ્થાની ચર્ચા માટે લંડનમાં ગોળમેજી પરિષદો યોજાઈ હતી. ડો.આંબેડકરે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. પરંતુ મુસ્લિમો અને બીજાઓના કોમી મતદારમંડળોની માંગણી સ્વીકારનાર કોંગ્રેસ અને ગાંધીજી દલિતોની માંગણીના મુદ્દે નામકર ગયા હતા. દલિતો માટે અલગ મતદારમંડળને ગાંધીજી ‘હિંદુ સમાજનો નાશ કરે તેવું ઝેર’ માનતા હતા. જ્યારે ગોળમેજી પરિષદમાં આ મુદ્દે કોઈ નિર્ણય ન થઈ શક્યો ત્યારે આખરી ફેંસલો કરવાનું તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન રામ્સે મેકડોનાલ્ડ પર છોડવામાં આવ્યું. તેમણે અલગ મતાધિકારને માન્ય રાખતાં ગાંધીજીએ તેના વિરોધમાં પૂનાની યરવડા જેલમાં આમરણ ઉપવાસની ઘોષણા કરી અને તેની જાણ બ્રિટિશ સરકારને કરી હતી. રામ્સે મેકડોનાલ્ડે તેમના આઠમી સપ્ટેમ્બર ૧૯૩૨ના ઐતિહાસિક પત્રના અંતમાં લખ્યું હતું કે , ‘ ભારતીય પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વની બાબતમાં સર્વસંમતિ સાધી શક્યા નહીં એટલે બ્રિટિશ સરકારે અનિચ્છાએ આ બાબતે નિર્ણય કરવો પડ્યો છે.’ ‘ અલગ મતદાર મંડળનો સરકારનો નિર્ણય અફર’ હોવાનું જણાવી તેમણે ‘ જુદી જુદી કોમો વચ્ચે સમજૂતી થાય તો એ સમજૂતીનો અમલ કરવા સરકાર નિર્ણય બદલશે ‘ તેમ કહીને જવાબદારી ડો.આંબેડકરના શિરે મૂકી હતી.
આ પણ વાંચો: વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?
આમરણ ઉપવાસમાંથી ગાંધીજીનો જીવ બચાવવાની કપરી જવાબદારીના બોજ તળે દબાયેલા બાબાસાહેબે અલગ મતાધિકારની માંગણી પડતી મૂકી અને રાજકીય અનામતોથી સંતોષ માનવો પડ્યો. પૂના કરારની નવ જોગવાઈઓ પૈકીની ત્રીજી મહત્વની જોગવાઈ એ હતી કે પ્રાંતિક અને કેન્દ્રિય ધારાસભાઓની અનામત બેઠકો પર મુખ્ય ચૂંટણી પહેલાં દલિત ઉમેદવારની પ્રાથમિક ચૂંટણી કરવામાં આવશે. એ જોગવાઈ મુજબ અનામત બેઠકોના દલિત મતદારો પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારો ચૂંટી કાઢશે. એ ઉમેદવારો મુખ્ય ચૂંટણીમાં ઉમેદવારી કરીને દલિત-બિનદલિત તમામ મતદારોના મત માગશે. એટલે કે ચાર ઉમેદવારોની પેનલ નક્કી કરવાનું સંબંધિત મતવિસ્તારોના દલિતોના હાથમાં હતું. પરંતુ તે ચારમાંથી મુખ્ય ચૂંટણીમાં કોણ જીતશે એ નક્કી કરવાનું કામ દલિત-બિનદલિત બંને મતદારોના હાથમાં હતું.
પૂના કરારની શરતો, ખાસ કરીને સંયુક્ત મતદાર મંડળની મતદાન પધ્ધતિ નક્કી કરવા બ્રિટિશ સરકારે ‘હેમન્ડ કમિટી’ની રચના કરી હતી. આ સમિતિમાં ચર્ચાયેલા મુદાઓમાં એક મુદ્દો પ્રાથમિક ચૂંટણી અંગેનો હતો. પૂના કરારમાં પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારની પેનલ ચૂંટી કાઢવાની વાત હતી. ચાર ઉમેદવારો એટલે ઓછામાં ઓછા ચાર કે વધુમાં વધુ ચાર, એ વિશે હેમન્ડ સમિતિ સમક્ષ વિવાદ થયો હતો. કોંગ્રેસ ઈચ્છતી હતી કે જે અનામત બેઠક પર ચાર કરતાં ઓછા દલિત ઉમેદવારો હોય, તે બેઠક ખાલી રહેવી જોઈએ.
ડો.આંબેડકરના મતે, મુખ્ય આશય યોગ્ય દલિત પ્રતિનિધિત્વનો અને તે માત્રને માત્ર દલિતો જ નક્કી કરે તેનો હોવાથી પ્રાથમિક ચૂંટણીમાં ચાર ને બદલે ત્રણ, બે, કે એક જ દલિત ઉમેદવાર હોય તો પણ તે બેઠક ખાલી રાખવાની જરૂર નથી. તેમને એવું લાગતું હતું કે પ્રાથમિક ચૂંટણીમાં દલિત મતદારો પોતાના સમાજમાંથી ચાર ઉમેદવારોને બદલે કોઈ એક ઉમેદવારને જ સર્વાનુમતે પસંદ કરે, તો એ ઉત્તમ કહેવાય. કોંગ્રેસને તે મંજૂર નહોતું. કારણ કે દલિતો એકતા સાધીને ચારને બદલે એક જ ઉમેદવાર પસંદ કરે તો પોતાનો કહ્યાગરો દલિત ઉમેદવાર જીતાડવાની કોંગ્રેસની ઈચ્છા પૂરી ન થાય. એકથી વધારે દલિત ઉમેદવારો હોય તો જ કોંગ્રેસ તેમની વચ્ચેની હરીફાઈનો લાભ ઉઠાવીને, બિનદલિત મતોના જોરે પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારને જીતાડી શકે. હેમન્ડ સમિતિએ ડો.આંબેડકરની રજૂઆત સ્વીકારી હોવાનું ખુદ ડો.આંબેડકરે નોંધ્યું છે, પણ એ મુજબ મુખ્ય ચૂંટણી પહેલાં પ્રાથમિક ચૂંટણીઓની જોગવાઈનો અમલ થયો હોય એવું જણાતું નથી.
આ પણ વાંચો: મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
૨૩મી એપ્રિલ ૧૯૩૩ના રોજ ડો.આંબેડકર ગાંધીજીને યરવડા જેલમાં મળ્યા ત્યારે પણ પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ અંગે ચર્ચા થઈ હતી. ડો.ધનજંય કીર બાબાસાહેબના જીવનચરિત્રમાં આ સંદર્ભે લખે છે કે બાબાસાહેબે ગાંધીજીને કહેલું, ‘ અસ્પૃશ્ય વર્ગના ઉમેદવારોને(પ્રાથમિક અને મુખ્ય, એમ) બે ચૂંટણીઓ લડવાનો ખર્ચ આકરો પડે છે. માટે, પ્રાથમિક ચૂંટણીને સામાન્ય ચૂંટણીમાં વિલિન કરવી જોઈએ. જે દલિત ઉમેદવારને સામાન્ય ચૂંટણી લડવી હોય તેણે પ્રાથમિક ચૂંટણીમાં ઓછામાં ઓછા પચીસ ટકા મત મેળવવા પડે, એવી શરત રાખવી જોઈએ’ ( ડો.આંબેડકર: જીવન અને કાર્ય, ડો.ધનંજય કીર, પૃષ્ઠ- ૨૭૯)
પૂના કરારના મુસદ્દાને આખરી ઓપ આપતા પહેલાં, બાબાસાહેબે પ્રાથમિક ચૂંટણીની શરત અંગે પોતાના સાથીદારો સાથે વિગતે ચર્ચા કરી હતી. ત્યાર પછી જ તેમણે પ્રાથમિક ચૂંટણીની શરત માન્ય રાખી હતી. પરંતુ પ્રાથમિક ચૂંટણીમાં દલિતોના મત મેળવવામાં મોખરે રહેતા ડો. આંબેડકરના પક્ષના ઉમેદવારો સામાન્ય કે મુખ્ય ચૂંટણીમાં બિનદલિત મતદારોના મતો મેળવવામાં પાછળ રહેતા હોઈ હારી જતા હતા. એટલે બાબાસાહેબ કહેતા હતા કે અમને મતો મળે છે પરંતુ બેઠકો મળતી નથી. કોંગ્રેસની પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારોને જ જિતાડવાની આ ચાલને કારણે દલિતોને લાયક પ્રતિનિધિત્વ મળી શક્યું નહીં.
આ પણ વાંચો: બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકાઃ દલિતોને શું મળ્યું?
રાજકીય અનામત બેઠકોની વર્તમાન નીતિમાં દલિત હિતને બદલે પક્ષીય હિતને પ્રાધાન્ય આપતા દલિત ઉમેદવારો ચૂંટાય છે તે સ્થિતિમાં રાજકીય અનામત બેઠકોની નીતિને વધુ અસરકારક બનાવતી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને બાબાસાહેબે સૂચવેલા સુધારા સાથે કાયમી ધોરણે અમલી બનાવવાની સબળ માગ ઊઠાવવાની આવશ્યકતા છે. દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તેવી(અંશત: અલગ મતદાર મંડળની જોગવાઈ જેવી) આ શરત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા બનવો જોઈએ.
પૂના કરારના 93 વર્ષના અંતિમ દિવસે ગાંધીના ગુજરાતના દલિતોએ સંકલ્પ દિન(૨૩મી સપ્ટેમ્બર)ની ઉજવણી કરી. યુવાન આંબેડકરે વડોદરા રાજ્યમાં આભડછેટના કારણે ઘર ન મળતા નોકરી છોડવી પડી હતી. ૨૩મી સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ વડોદરા છોડતાં પહેલાં તેમણે સજળ આંખે નાતજાતના ભેદને તેના મૂળમાંથી ખેંચી કાઢવાનો સંકલ્પ કર્યો હતો. તેની સ્મૃતિમાં ઉજવાતા સંકલ્પ દિવસે દલિતો પૂના કરારની પાયાની પણ વિસારે પાડી દેવાયેલી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને નવા રૂપે અમલી બનાવી બાબાસાહેબના અલગ મતાધિકારના સંકલ્પને સાકાર કરવાનું પ્રણ લેશે કે?
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: મિલ મજૂર Naran Vora : દલિત અસ્મિતાની અનોખી મિસાલ











Users Today : 1737
આમ તો પુના કરાર ની પ્રાથમિક ચૂંટણી ની જોગવાઈઓ થી પણ સરવાળે હતું એનું એ જ થશે ચાર ની પેનલ માં અનુસુચિત જાતિઓ ના મતદાર મંડળ માં જે ચોથા સ્થાને આવ્યો હશે…તે પછી સામાન્ય(સયુંકત) મતદાર મંડળ માં અન્ય સમાજો ના વોટ મેળવી ને જીતી જશે….અને અન્ય વર્ગો ની ચાપલૂસી કરશે… આમ તે વ્યવસ્થા માં પણ સમાજ નો સાચો પ્રતિનિધિ અન્ય સમાજો ના વોટ નો મોહતાજ રહેશે…
જેમ જેમ દેશ ની રાજનીતિ માં કટ્ટર હિન્દુત્વ શક્તિઓ હાવી થઈ રહી છે..તેમ તેમ હવે અનુસુચિત જાતિઓ પર અન્યાય,અત્યાચાર અને અસ્પૃશ્યતા ના ઢગલાબંધ બનાવો બની રહ્યા છે…..
આવી ઘટનાઓ….આપણી માટે eye opener ઘટનાઓ છે….કોઈક આપણ ને બે મીઠા શબ્દો કહી હિન્દુત્વ ના પંપ મારે તો ફુલાઈ જવું જોઈએ નહીં…..આ વરવી વાસ્તવિકતા છે…ડો. આંબેડકર સાહેબે જે ચિંતા વ્યક્ત કરી ને આ સમાજ માટે બે વોટ નો અધિકાર (dual voteship) અને અલગ મતદાર મંડળ( Seperate electorate) ની માંગ કરી હતી…..તે ચિંતા આજે પણ વિકરાળ સ્વરૂપે સામે જ ઊભી છે…..*
*આવી અન્યાય,અત્યાચાર ની ઘટનાઓ માં સમાજ નો અવાજ ઉઠાવે, નીડરતા થી બોલી શકે, ન્યાય અપાવવા લડત ચલાવી શકે તેવા સમાજ ના સાચા, પ્રામાણિક અને સમાજ પ્રેમી નેતાઓ પેદા કરવા હોય તો હવે પુના કરાર ફોક ગણી ડોક્ટર આંબેડકર જે બે વોટ નો અધિકાર (dual voteship) અને અલગ મતદાર મંડળ ( Separate Electorate) લાવ્યા હતા તેની માંગ માટે ની ઝુંબેશ શરૂ થવી જોઈએ*
*ઘણા મિત્રો ને લાગતું હોય કે હવે આ શક્ય નથી તો તેમણે વિચારવું જોઈએ કે EWS અનામત નો સંવિધાન માં ક્યાંય ઉલ્લેખ ન હોવા છતાં ૧૫(૫) અને ૧૬(૬) નું amendment કરી ને તેને શક્ય બનાવ્યું છે…..તેની સામે તો આપણી આ માંગણી વ્યાજબી છે કારણ કે ભૂતકાળ માં તે માંગ મુજબ ના અધિકારો મળેલા છે*