ચંદુ મહેરિયા
આપણા દેશમાં પુસ્તકાલય આંદોલનનો આરંભ વ્યક્તિગત પ્રયાસોને કારણે શક્ય બન્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભૂતકાળમાં અને આજે પણ કેટલાક પુસ્તકપ્રેમીઓએ ખુદના કે મિત્રોના પુસ્તકો, સામયિકો, અખબારો દ્વારા નાના પાયે તેની શરૂઆત કરી હતી. એક સમય હતો જ્યારે અખબારો માત્ર અમીરોના ઘરની જ શોભા વધારતા હતા. સામાન્ય માણસો સુધી તેની પહોંચ નહોતી. માત્ર કેરળના જ નહીં ભારતના પુસ્તકાલય આંદોલનના જનક કે.એન.
પણિક્કરના ઘરે જ્યારે છાપું આવતું થયું ત્યારે તેમની આસપાસના પાંચ-પચીસ લોકો ભેગા થઈને તે વાંચતા-સાંભળતા. પછી તેમના ઘરે આવતા અખબારોની સંખ્યા વધી, વાંચનારા વધ્યા તો પુસ્તકો પણ આવ્યાં અને નાના પાયે પુસ્તકાલય શરૂ થયું હતું. લોકભાગીદારી કે સ્વયં લોકોએ શરૂ કરેલી નાની-નાની લાઈબ્રેરી વાંચન સંસ્કૃતિના વિકાસનો પ્રાણ છે.
આ પણ વાંચો: શું લોકશાહીમાં નાગરિક જેમ ન્યાયધીશને પણ અસંમતિનો હક છે?
આમ પણ દુનિયા આખી વાંચવાની બાબતમાં પછાત મનાય છે. તેમાં વળી મોબાઈલના વળગણે લોકોમાં વાચનની આદત ઓર ઘટાડી દીધી છે. અમેરિકામાં રોજ અચૂક વાંચતા લોકો ૨૦૦૪માં ૨૮ ટકા હતા. જે ઘણાં ઓછા કહેવાય. હવે લગભગ વીસ વરસો પછી ૨૦૨૩માં તે ઘટીને ૧૬ ટકા જ થઈ ગયા છે. અમેરિકામાં વાર્ષિક ત્રણ ટકાના દરે વાચન ઘટ્યું છે. તેને સંશોધકો ચોંકાવનારું અને ચિંતાજનક ગણાવે છે. એક સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં ભણતા ૧૬ થી ૨૦ વરસની ઉમરના ૬૧ ટકા કોલેજ વિદ્યાર્થીઓ રોજ પાંચ કલાક ફોન મચડે છે. તેમાં ૬૩.૩૦ ટકા છોકરીઓ અને ૬૧.૩૩ ટકા છોકરાઓ છે. રજાઓમાં તો તેમનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી જાય છે. માંડ ૨૯ ટકાને જ વાંચવું ગમે છે. હા, વાંચવું ગમે છે. વાંચે છે તેમ નહીં.
સાક્ષરતાનું પ્રમાણ જ્યાં ઓછું છે તેવા ભારત સહિતના દેશોમાં વાચન પણ ઓછું હોય તે સ્વાભાવિક છે.પરંતુ સાક્ષરતા દરમાં થયેલી વૃધ્ધિના પ્રમાણમાં વાચન વધ્યું નથી. તેનું કારણ વાચન સંસ્કૃતિનો અભાવ તો છે જ પુસ્તકાલયોનો અભાવ પણ છે. એટલે સરકાર અને સમાજ બંને વાચન વધે તે દિશામાં પ્રયાસરત બન્યા છે.
સાક્ષરતામાં ટોચે રહેલા કેરળે વિદ્યાર્થીઓમાં પાઠયપુસ્તકો સિવાયનું વાચન વધે તે માટે એકડે એકથી પ્રયાસો હાથ ધર્યા છે. ગયા શૈક્ષણિક વરસથી કેરળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ દીઠ એક અખબાર હોય તેવી વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓએ રોજ અખબાર વાંચવું તેને અભ્યાસક્રમનો હિસ્સો બનાવ્યો છે. જોકે તેના ધાર્યા પરિણામો મેળવવા અને વિદ્યાર્થીઓમાં વાંચનની નિયમિત આદત કેળવાય તે માટે મૂલ્યાંકન કસોટી અને ગ્રેસિંગ માર્કસની યોજના પણ કરવી પડી છે.
આ પણ વાંચો: No detention policy અંગે રાજ્યો કેમ એકમત નથી?
કેરળ વાચનમાં અગ્રેસર છે અને પુસ્તકાલયોનું પિયર છે. કેરળનું ભાગ્યે જ એવું કોઈ નગર કે કસ્બો હશે જ્યાં એકાદ જાહેર પુસ્તકાલય ન હોય. કેરળ સો ટકા સાક્ષર રાજ્ય હોવાનો આ જાહેર પુરાવો છે. કેરળમાં આજે ૯,૦૦ જાહેર પુસ્તકાલયો છે. આઝાદી પછી કેરળમાં સૌથી પહેલી સામ્યવાદી સરકાર રચાઈ હતી. કામદારો-કિસાનો જમીનદારીમાંથી મુક્ત થયા તેની સાથે તેમનામાં વાચન અને ચિંતનની પરિપાટી વિકસે તે માટે પણ પુસ્તકાલયો જરૂરી હતા. વળી ત્યાં સાક્ષરતાનો દર પણ સૌથી ઉંચો છે એટલે પણ વાચન વધારે છે. પણ આજે કેરળ જો વાચનની આદત કેળવવા અખબારોનું વાચન પ્રાઈમરી સ્કૂલોના અભ્યાસક્રમમાં સામેલ કરે તો સમજાય છે કે સ્થિતિ કેટલી ગંભીર છે.
સયાજીરાવ ગાયકવાડ જેવા ઉદાર રાજાના પ્રતાપે ગુજરાતમાં આઝાદી પૂર્વે જ ગાયકવાડી ગામોમાં પુસ્તકાલયો સ્થપાયાં હતાં અને કથિત અસ્પૃશ્યો સહિતના બાળકો માટે શિક્ષણ ફરજિયાત હતું. આજે તો આપણે ડિજિટલ ઈન્ડિયા અને ડિજિટલ ગુજરાતના યુગમાં છીએ. પણ ગુજરાતમાં સરકારી પુસ્તકાલયો ૧૯૭ જ છે. કદાચ આગામી એક બે વરસોમાં રાજ્યના તમામ તાલુકાઓ સરકારી પુસ્તકાલયોની સુવિધા મેળવી શકશે. ગુજરાતની અઢી ટકા શાળાઓમાં જ ડિજિટલ લાઈબ્રેરી છે. જે કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને પુડુચેરી કરતાં ક્યાંય ઓછી છે. ‘ વાંચે ગુજરાત’ નું અભિયાન તો થયું છે પરંતુ શું વાંચે અને ક્યાં વાંચેનો સવાલ નિરુત્તર છે. એ દ્રષ્ટિએ ગુજરાતે વાચન સંસ્કૃતિના વિકાસ માટે ઘણી મોટી કામગીરી કરવાની બાકી છે.
કેરળના કુનુર જિલ્લાના ચેરુપુઝા ગામમાં પુસ્તકદેવનું મંદિર છે મહારાષ્ટ્રનું ભિલાર બુક વિલેજ તરીકે પ્રખ્યાત છે. વિશ્વ પુસ્તક દિવસ(૨૩મી એપ્રિલ), રાષ્ટ્રીય વાચન દિન( ૧૯મી જૂન) ઉજવાય છે. ૨૦૨૩માં કેરળના કુન્નુરમાં ઈન્ડિયન લાઈબ્રેરી કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તેમાં ત્રણ હજાર ગ્રંથપાલો સાથે અધધધ પાંચ લાખ લોકો ઉપસ્થિત હતા. દેશમાં લાઈબ્રેરીઓ વધે, અંતરિયાળ ગામડાઓ અને આદિવાસી વિસ્તારો સુધી તે સ્થપાય તે માટે લાઈબ્રેરી કોંગ્રેસ પ્રતિબધ્ધ છે. પુસ્તકાલયો માત્ર પુસ્તકની આપલેના કેન્દ્રો કે પુસ્તકોના સંગ્રહસ્થાનોને બદલે સાંસ્કૃતિક કેન્દ્રો બને અને તેમાં વાચન સંબંધી અનેક પ્રવૃતિઓ થાય તે દિશામાં કામ થવું જોઈએ.
આ પણ વાંચો: રાજનીતિમાં કેમ ઘરડાં જ ગાડાં વાળે, યુવાનો કેમ નહીં?
કર્ણાટકના મૈસુર નજીકના કેન્નાલ ગામે છોંતેર વરસના અનેક ગૌડાએ બાવીસ ભારતીય ભાષાઓ અને ઘણી વિદેશી ભાષાઓના પંદર લાખ પુસ્તકોની લાઈબ્રેરી ઉભી કરી છે તે માટે તેમણે જીવનભરની કમાણી આપી દીધી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરના અંકિત શર્માએ ઘરે ઘરે ફરીને પુસ્તકો ભેગા કરી ૩,૦૦૦ પુસ્તકોની લાઈબ્રેરી ઉભી કરી છે. તેર જ વરસની આકર્ષણ સતીષે તેલંગણા અને તામિલનાડુમાં ૨૧ લાઈબ્રેરી સ્થાપી છે. તે શાળા, હોસ્પિટલ અને અનાથાલયની નજીક પુસ્તકાલય સ્થાપે છે. જેથી યોગ્ય લાભાર્થી સુધી પુસ્તક પહોંચે.
તમિલનાડુની જેલોમાં કેદીઓ માટે પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે. તેના કારણે કેદીઓ વચ્ચેના ઝઘડા અને તણાવ ઘટ્યા છે. ઉત્તરપ્રદેશના કોમી હિંસાગ્રસ્ત બાગપત, મુઝફ્ફરનગર અને શામલીના ગામડાઓમાં બાળકો માટે બાઈક લાઈબ્રેરી શરૂ થઈ છે. આ પ્રયાસે બાળકો મોબાઈલ છોડી વાચન તરફ વળ્યા છે. મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પુસ્તક મેળાઓએ લોકોને રાહતનો માર્ગ દેખાડ્યો છે. એટલે પુસ્તકો માત્ર માહિતી, શિક્ષણ, જ્ઞાન માટે જ નહીં મનુષ્યજીવનના પ્રશ્નોને સુલઝાવવામાં પણ મદદગાર છે. કવિવર દલપતરામે અમદાવાદમાં પહેલા પુસ્તકાલયની સ્થાપનાને વિદ્યા વધે એવી આશનું થાનક ગણ્યું હતું. વાચન સંસ્કૃતિનો વિકાસ આજે પણ વિધ્યા વધવાની આશા જન્માવે છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!












Users Today : 1736