જાતિવાદી તત્વોની એક ખાસિયત એ છે કે, જ્યારે તેઓ દરેક પ્રયત્નો પછી પણ બહુજન સમાજની કોઈ વ્યક્તિને આગળ વધતી રોકી શકતી નથી, ત્યારે તેઓ સીધો તેની જાતિ પર સવાલ ઉઠાવવા લાગે છે. જો કે, કેટલાક લોકો એવા પણ હોય છે, જેઓ મનુવાદી તત્વોના ટ્રોલિંગને ગણકાર્યા વિના પોતાનું કામ કર્યે જાય છે અને સફળ થઈને બતાવે છે. સાઉથના સુપરસ્ટાર ફિલ્મ ડિરેક્ટર મારી સેલ્વરાજ(Mari Selvaraj) આવી જ એક વ્યક્તિ છે. તેમની દલિત એંગલ ધરાવતી ફિલ્મોને કારણે મનુવાદી તત્વો દ્વારા સતત તેમને ‘સાયકો’ કહીને ટ્રોલ કરવામાં આવતા રહ્યાં છે.
પરંતુ મારી સેલ્વરાજે(Mari Selvaraj) બાઈસન(Bison)ના રૂપમાં સળંગ પાંચમી હિટ ફિલ્મ આપીને મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે. ગુજરાત જેવા જાતિવાદી-મનુવાદી રાજ્યમાં ભલે આ ફિલ્મને થિયેટરોમાં શો ન મળતા હોય. પરંતુ તેનાથી મારી સેલ્વરાજની ફિલ્મ બાયસનને કોઈ ફરક પડતો નથી. દિવાળીમાં રજૂ થયેલી આ ફિલ્મે 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.
આ પણ વાંચો: સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?
ભારતમાં લોકડાઉન પછી એક વણલખ્યો નિયમ બની ગયો છે કે સામાજિક સંદેશાવાળી ફિલ્મો કોમર્શીયલી સફળ થતી નથી. પરંતુ સાઉથના બે સુપરસ્ટાર ડિરેક્ટરો પા.રંજિથ(Pa. Ranjith) અને મારી સેલ્વરાજે(Mari Selvaraj) એ સાબિત કરી બતાવ્યું છે કે, ફિલ્મ દમદાર હશે તો લોકો સામાજિક સંદેશો આપતી ફિલ્મ પણ જોવા જાય છે અને મારી સેલ્વરાજની લેટેસ્ટ રિલીઝ બાયસન(Bison) તેનું તાજું ઉદાહરણ છે.
મારી સેલ્વરાજ(Mari Selvaraj)ની આ લેટેસ્ટ ફિલ્મ “BISON” દિવાળી પર રિલીઝ થઈ હતી. આશરે રૂ. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં ધ્રુવ વિક્રમ છે, જે પોતે પણ હજુ કરિયરની શરૂઆત કરી રહ્યો છે. તેમ છતાં “બાઇસન” એ વિશ્વભરમાં ₹100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે અને એક મોટી હિટ ફિલ્મ બની છે. આ સાથે જ મારી સેલ્વરાજે સળંગ પાંચમી હિટ ફિલ્મ આપીને તેમને સાયકો કહેનાર વિરોધીઓની બોલતી બંધ કરી નાખી છે. બાયસનની સફળતાએ સિનેમાના પડદે સતત દલિત સંઘર્ષોનું ચિત્રણ કરી રહેલા મારી સેલ્વરાજની સફળતામાં વધુ એક છોગું ઉમેર્યું છે. બાયસન જેવી ફિલ્મ બનાવવા બદલ તેમને ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તેનાથી મારીને કોઈ ફરક પડ્યો નથી.
મારી સેલ્વરાજ સ્વયં એક દલિત પરિવારમાંથી આવે છે. તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે, તેમના પિતાને જાતિ ભેદભાવને કારણે ભારે સંઘર્ષ કરતા જોયા છે. તેમના પોતાના સંઘર્ષો અને અનુભવો પણ તેમની ફિલ્મોમાં મજબૂતીથી પ્રતિબિંબિત થાય છે. તેઓ જ્યારે પોતાના ગામથી ચેન્નાઈ ભણવા માટે પહોંચ્યા તે તેમના માટે એક મોટો કલ્ચરલ શોક હતો. તેમની પાસે પૈસા નહોતા અને ટકી રહેવા માટે તેમણે અનેક નાની-મોટી નોકરીઓ કરવી પડી હતી.
આ પણ વાંચો: ‘ધરતી આબા આદિવાસી ફિલ્મ ફેસ્ટિવલ’માં આદિવાસી ફિલ્મોએ ધૂમ મચાવી
નોકરીની શોધ કરતી વખતે, તેમણે પ્રખ્યાત તમિલ દિગ્દર્શક રામનો સંપર્ક કર્યો, જેમણે તેમને ઓફિસ બોય તરીકે નોકરી ઓફર કરી. રામે વાર્તા કહેવાની મારીની પ્રતિભાને ઓળખી અને તેમને ફિલ્મ નિર્માણ માટે તૈયાર કર્યા. જ્યારે મારીએ ફિલ્મ માટે તેમની પ્રથમ વાર્તા લખી, ત્યારે તેમાં દલિત ઓળખનો મુદ્દો કેન્દ્રમાં હતો. એન્ટી કાસ્ટ મૂવમેન્ટ શરૂ કરનાર તમિલ ઉદ્યોગના મુખ્ય નામોમાંના એક પા. રંજીતે (Pa. Ranjith) મારી સેલ્વરાજની આ સ્ટોરી પરથી ફિલ્મ બનાવી હતી. પોતાની પહેલી જ ફિલ્મથી મારીએ સાબિત કર્યું કે તેમની પાસે જીવનનો અનુભવ અને ફિલ્મ નિર્માણ માટેની ગંભીર કુશળતા પણ છે.
મારી સેલ્વરાજે(Mari Selvaraj) મોટા પડદા પર દલિત અધિકારોની હિમાયત કરવાનું ચાલુ રાખ્યું છે. તેમની લેટેસ્ટ ફિલ્મ “બાઇસન” માં મારી એક એવા કબડ્ડી ખેલાડીની વાર્તા લઈને આવ્યા છે, જેને તેની જાતિને કારણે ભારે સંઘર્ષ કરવો પડે છે. ફિલ્મમાં મારી સેલ્વરાજે પ્રતિકોનો અદ્દભૂત ઉપયોગ કરીને પોતાના હીરોના સંઘર્ષ અને જાતિ સામેની તેની લડાઈને સિનેમાના પડદે ઉતારી છે, જેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.
જો કે, આ પહેલી વાર નથી જ્યારે મારી સેલ્વરાજે પોતાની ફિલ્મમાં દલિત સંઘર્ષને ઉજાગર કર્યો હોય. તેમની પહેલી જ ફિલ્મ “પેરિયેરમ પેરુમલ” (2018) થી તેઓ આ વિષયને હાઈલાઈટ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં એક એવી પ્રેમકથા દર્શાવવામાં આવી હતી, જેમાં છોકરાની દલિત ઓળખ છોકરીના પરિવારને સ્વીકાર્ય નથી. આ વર્ષે રજૂ થયેલી અને ચર્ચાસ્પદ બનેલી જ્હાનવી કપૂર અને સિદ્ધાંત ચતુર્વેદી અભિનિત બોલિવૂડ ફિલ્મ “Dhadak 2” મારી સેલ્વરાજની “પેરિયેરમ પેરુમલ” ની રીમેક છે.
વર્ષ 2021માં રજૂ થયેલી “Karnan” માં, મારીએ Dhanush ને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કર્યો હતો. આ ફિલ્મમાં તે એક એવા ગામની વાર્તા કહે છે જ્યાં મોટાભાગે દલિતો વસે છે, જેમને તેમની જાતિના કારણે પડોશીઓ તરફથી સતત અપમાનનો સામનો કરવો પડે છે. આ ફિલ્મને વિવેચકોની ભરપૂર પ્રશંસા મળી હતી અને તે બોક્સ ઓફિસ પર મોટી સફળ રહી હતી. કર્ણન 2021 ની સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મોમાંની એક બની હતી. “મામન્નન” (2023) માં, મારીએ ફરીથી દલિત સંઘર્ષને ઉજાગર કરતી વાર્તા રજૂ કરી અને તેમાં પણ તેમણે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: Phule Review: શું ફિલ્મ ખરેખર બ્રાહ્મણ વિરોધી છે?
“વાલઈ” (2024) માં, મારીએ કેળાની ખેતી કરતા મજૂરોના જીવનને ફિલ્મમાં બતાવી. હંમેશની જેમ, આ વાર્તામાં પણ દલિત સંઘર્ષ એક કેન્દ્રિય થીમ હતો. મોટા સ્ટાર્સ વિના, શાળાએ જતા છોકરાની વાર્તા કહેતી આ ફિલ્મની સફળતાએ ફરી એકવાર ટ્રેડ પંડિતોને ચોંકાવી દીધા હતા. કહેવાય છે કે, આ ફિલ્મ દ્વારા મારી સેલ્વરાજ એ બતાવવા માંગતા હતા કે, તેઓ કોઈપણ મોટા સ્ટાર વિના પણ પોતાની વાર્તાઓના દમ પર હિટ ફિલ્મ આપી શકે છે. હવે ‘Bison’ સાથે તેમણે સળંગ પાંચમી હિટ ફિલ્મ આપીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, કોઈપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે બોક્સ ઓફિસ સફળતાનો માપદંડ વિશ્વભરમાં ₹1000 કરોડનું કલેક્શન બની ગયો છે. બોલીવૂડ અને તેલુગુ ઉદ્યોગોએ આ સીમાચિહ્નને ઘણી વખત વટાવી દીધો છે. કન્નડ સિનેમા પણ યશની ‘KGF 2’ સાથે આ ખાસ ક્લબમાં પ્રવેશ્યું છે. જો કે, દેશને અનેક મોટી ફિલ્મો આપનારા તમિલ સુપરસ્ટાર રજનીકાંતનો સાથ પણ તમિલ ફિલ્મ ઉદ્યોગને ₹1000 કરોડ સુધી નથી લઈ જઈ શકતો. એવામાં તમિલ સિનેમાના ચાહકો ગુસ્સે થયા છે અને તેમણે પોતાનો ગુસ્સો મારી સેલ્વરાજ તરફ વાળ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Reddit પર તમિલ સિનેમાના ચાહકોએ એક નેરેટિવ તૈયાર કર્યો છે કે અન્ય ફિલ્મ ઉદ્યોગો સતત તેમની પહોંચ વધારી રહ્યા છે. જો કે, મારી સેલ્વરાજ જેવા ફિલ્મ નિર્માતાઓ જાતિ સંઘર્ષ જેવા “અપ્રસ્તુત” મુદ્દાઓમાં અટવાયેલા રહે છે. તેઓ મુખ્ય પ્રવાહના મનોરંજનને છોડીને એવી ફિલ્મો બનાવે છે જે જાતિના નેરેટિવને જ આગળ ધપાવે છે. જેમ જેમ આ નેરેટિવ સોશિયલ મીડિયા પર આગળ વધ્યો, ટ્રોલ ગેંગે મારી સેલ્વરાજની સાથે તમિલ ઈન્ડસ્ટ્રીના તેમના બે સાથીદારો, વેટ્રી મારન(Vetri Maran) અને પા. રંજીથ(Pa. Ranjith)ને પણ ઝપટમાં લીધાં. હકીકતે, આ ત્રિપુટી તમિલ સિનેમામાં જાતિ વિરોધી લહેર લઈને આવી છે, જેમાં ફિલ્મમાં દલિતો માટે સમાન અધિકારોની માંગ કરતી વાર્તાઓ દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?
“બાઇસન” મારી સેલ્વરાજની પાંચમી ફિલ્મ છે અને તેમની સળંગ પાંચેય ફિલ્મો હિટ રહી છે. જે સ્વયં સાબિત કરે છે કે, મારી સેલ્વરાજ દલિત દ્રષ્ટિકોણ ધરાવતી વાર્તાઓ સાથે પણ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી રહ્યા છે. જો કે, “Bison” ની સફળતા પછી પણ મારીને સતત તેની ફિલ્મો વિશે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, તેણે આ પ્રશ્નનો બરાબરનો જવાબ આપ્યો હતો.
“BISON” ની સફળતા બાદ યોજાયેલા એક કાર્યક્રમમાં મારીએ કહ્યું કે, “ફિલ્મોમાં ફક્ત બે જ અપેક્ષાઓ હોવી જોઈએ: મનોરંજન અથવા મેસેજ. મને પૂછશો નહીં કે હું આવી ફિલ્મો કેમ બનાવું છું. આ પ્રશ્ન મને ખૂબ જ પરેશાન કરે છે. હું જાતિના મુદ્દાઓને ઉજાગર કરતી ફિલ્મો બનાવવાનું ચાલુ રાખીશ. દર વર્ષે 300 ફિલ્મો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. માટે મને છોડી દો.”
ભારતીય સિનેમામાં, જે સતત નવા બોક્સ ઓફિસ રેકોર્ડ બનાવી રહ્યું છે, ત્યાં જમીન સાથે જોડાયેલા લોકોની વાર્તાઓ અને તેમના સંઘર્ષો અદૃશ્ય થઈ રહ્યા છે. મારી સેલ્વરાજ(Mari Selvaraj) જેવા થોડા જ ફિલ્મ નિર્માતાઓ દલિત વિષયો પર કામ કરી રહ્યા છે. અને એમાં પણ દમદાર ફિલ્મમેકિંગ સાથે આ વાર્તા સાથે ન્યાય કરનારા ઓછા છે. હવે એ નિર્ણય દર્શકોએ કરવાનો છે કે, તેઓ મારી સેલ્વરાજની ફિલ્મોને આગળ પણ આવો જ પ્રેમ આપતા રહેશે કે નહીં.
આ પણ વાંચો: નાગરાજ મંજુળેની ફિલ્મ ‘ઝૂંડ’ના એક્ટરની ગળું કાપી હત્યા કરાઈ














Users Today : 1746