કચ્છ જિલ્લા ભાજપના વધુ એક નેતાને ‘મીઠી ખારેક’ નડી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ નેતાને ‘મીઠી ખારેક’ રૂ. 90 લાખમાં પડી છે. કચ્છના લોકલ મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારો મુજબ, ભુજ નજીકના રિસોર્ટમાં ભાજપના એક નેતા રંગરેલિયા મનાવી રહ્યા હતા, તે દરમિયાન મહિલાના પતિએ રેડ પાડીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. જો કે, મામલો પોલીસ સ્ટેશનમાં ના પહોંચે તે માટે ભાજપના નેતાએ સમાધાન કરી લીધું હતું. ભાજપના નેતાને આ સમાધાન અંદાજે 90 લાખમાં પડ્યું છે. આ ઘટના જિલ્લામાં પ્રસરતાં મામલો ટોક ઓફ ધી ડિસ્ટ્રીક્ટ બન્યો છે.
કચ્છ જિલ્લા ભાજપના એક નેતા અને સમાજના આગેવાનનો મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે. વાત જાણે એમ છે કે, ભાજપના નેતા એક મહિલા સાથે રંગરેલિયા મનાવવા ભુજ નજીક મુંદ્રા રોડ પરના એક રિસોર્ટમાં ગયા હતા. કચ્છ ભાજપના નેતા સાથે મહિલાનું અફેર ચાલતું હોવાની તેના પતિને ગંધ આવી ગઈ હતી. તેથી તેણે પત્ની ઉપર વોચ ગોઠવી હતી.
પોતાની પત્ની ભાજપના નેતા સાથે રિસોર્ટમાં રંગરેલિયા માણવા ગઈ હોવાની જાણ થતાં તેણે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન તેણે ભાજપના નેતા અને પત્નીનો કઢંગી હાલતમાં વીડિયો પણ બનાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં ન પહોંચે તે માટે ભાજપના નેતાએ મહિલાના પતિ સમક્ષ કાકલૂદી કરી હતી.
આ પણ વાંચો: ‘કેજરીવાલની સભામાં કેમ ગયો?’ કહી ભાજપ નેતાએ દલિતને ગાળો ભાંડી
છેવટે મહિલાનો પતિ સમાધાન કરવા માટે તૈયાર થયો હતો. સમાધાન પેટે તેણે ભુજ શહેરમાં પોશ વિસ્તારમાં આવેલા પ્લોટની માગણી કરી હતી. જો કે, શહેરના મોટાભાગના લોકોને પ્લોટની માલિકી અંગે જાણ હોવાથી તેમણે પ્લોટના બદલે રોકડ આપવા જણાવ્યું હતું. અંતે સમાધાન પેટે રૂપિયા 90 થી 98 લાખમાં ડીલ નક્કી કરવામાં આવી હતી. તે પૈકી 50 ટકા રકમ આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નેતાજીને ‘મીઠી ખારેક’ વિધાનસભાની ચૂંટણીમાં નડી શકે
કચ્છ ભાજપના આ નેતા એક સમાજના આગેવાન હોવાથી ‘મીઠી ખારેક’ના મામલે કાનાફૂસી શરૂ થઈ છે. સમગ્ર વાત વાયુવેગે જિલ્લામાં પ્રસરતાં નેતાનું નામ જાણવા લોકોની તાલાવેલી વધી છે. તેના કારણે ભાજપના નેતાની મુશ્કેલી પણ વધી છે. ‘મીઠી ખારેક’ મામલે ભાજપના નેતાએ સમાજનું આગેવાનપદ ગુમાવવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. જ્યારે જિલ્લા ભાજપમાં હોદ્દામાં રિપિટ થવા અંગે શક્યતા ધૂંધળી બની ગઈ છે. આ નેતાએ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભુજ બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી હતી. તેથી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં દાવેદારી કરતાં સમયે નેતાજીને ‘મીઠી ખારેક’ ખાવી નડી જાય તેવી સંભાવના છે.
10 વર્ષ અગાઉ પણ ‘મીઠી ખારેક’ ખાતા પકડાયા હતા
કચ્છ ભાજપના નેતાનું નામ બહાર આવતાં લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. એક નેતાએ નામ નહી આપવાની શરતે જણાવ્યુ કે, કચ્છ ભાજપના આ નેતા 10 વર્ષ અગાઉ ગાંધીધામના એક રિસોર્ટમાં મહિલા સાથે રંગરેલિયા મનાવતા ઝડપાઈ ગયા હતા. તેથી કચ્છ જિલ્લામાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચો: તમને મારીને સ્મશાનમાં દાટી દઈશ’, ભાજપ નેતાની દલિત યુવકોને ધમકી!
અગાઉ ‘નલિયા કાંડ’માં ભાજપની છબી ખરડાઈ હતી
ઉલ્લેખનીય છે કે, આઠ વર્ષ પહેલા કચ્છમાં ભાજપના એક નેતાની હત્યા પાછળ કથિત સેક્સ કૌભાંડ અને સેકસ સીડી જવાબદાર હોવાનું ચર્ચાયુ હતું. કચ્છ ભાજપના બે નેતાઓ સામે દુષ્કર્મની ફરિયાદો થઈ હતી. જે તે સમયે ગુજરાત કેટલાક નેતાઓએ કચ્છમાં જઈ ભાજપના એક નેતાના ફાર્મ હાઉસ ઉપર ‘મીઠી ખારેક’ નો સ્વાદ માણ્યો હતો. જે બાદમાં ‘નલિયા કાંડ’ થી ચર્ચિત બન્યું હતું.
આ મામલે વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરી ગૃહની કાર્યવાહી ખોરવી દેવાતાં સરકારને નલિયાકાંડ અંગે તપાસ પંચ રચવાની ફરજ પડી હતી. તેના કારણે કચ્છની પાર્ટીઓ અંગે રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ હળવી શૈલીમાં મજાક કરતા હતા કે, તમે કચ્છમાં જઈને ‘મીઠી ખારેક’ નો સ્વાદ માણ્યો કે નહીં. હવે નવેસરથી કચ્છની મીઠી ખારેકનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં કચ્છનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું











Users Today : 1701