સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના લીંબડી(Zhobala) તાલુકાના ઝોબાળા ગામે 15 નવેમ્બર 2025ના રોજ થયેલી યુવતીની ઘાતકી હત્યાનો(Girl stabbed to death) ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં યુવતી અગાઉ જેની સાથે લિવ ઈનમાં રહેતી હતી તે આર્મી ઓફિસર યુવકના પિતા જ તેની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. 15મીના રોજ 23 વર્ષીય યુવતી રાણપુર ખાતેની ફેકટરીમાં કામે જતી હતી. ત્યારે ગામમાં જ તેની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે આર્મી ઓફિસર પુત્રના પિતાને ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, યુવતી અને તેના આર્મીમાં નોકરી કરતા પુત્ર વચ્ચે અફેર હતું. યુવતી રોજ ઘરે આવી ઝગડો કરતી હતી જેથી મને ગુસ્સો આવ્યો અને મે શરીર પર 36 ઘા ઝીંકી તેને પતાવી દીધી.
મામલો શું હતો?
આ અંગે મળતી માહિતી મુજબ ચૂડા તાલુકાના જોબાળા ગામે રહેતા હેતલ જુવાલીયાને 4 વર્ષ પહેલા ગામના અને હાલ આર્મીમાં ફરજ બજાવતા યુવાન સંજય બચુભાઈ લીંબડીયા સાથે પ્રેમ સંબંધ હતો. સંજય અને હેતલ લિવ ઈનમાં રહેતા હતા. જેના થકી હેતલે એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જોકે, આ બન્નેના સંબંધ યુવકના પરિવારજનોને મંજૂર ન હોવાથી બે વર્ષ પહેલા સંજયે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. સંજય પરિણીત હોવા છતાં હેતલ સાથે તેણે પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. આ વાતની જાણ સંજયની પત્નીને થતાં તેણે વિરોધ કર્યો હતો. જેથી બન્ને વચ્ચે ઝગડો પણ થયો હતો. જે બાદ સંજય અને તેની પત્નીએ છુટ્ટાછેડા લઈ લીધા હતા.
આ પણ વાંચો: દલિત યુવકને ચોર સમજી ટોળાએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
આરોપી યુવતીને મારી નાખવાની ધમકી આપતો હતો
બીજી તરફ સંજયના છુટ્ટાછેડા બાદ હેતલ સંજયના ઘરે રહેવા જવાની જીદ કરતી હતી. યુવતી હેતલને બીજે કયાંય લગ્ન કરવા ન હતા, અને સંજયે તેને સાથે રાખવાની વાત કરી હતી, પરંતુ તે આર્મીમાં ફરજ બજાવતો હોઈ નોકરી પર જતો રહ્યો હતો. સંજયના પરિવારજનોને આ સબંધ મંજૂર ન હોઈ તેના પિતા બચુ વશરામભાઈ લીંબડીયા અવારનવાર હેતલના ઘરે આવતા હતા અને મારા દિકરાને મુકી દે નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા. યુવકના પરિવારજનોએ હેતલને ન સ્વીકારતા હેતલ તેની માતા સાથે જ રહેતી હતી અને રાણપુરની એક કંપનીમાં નોકરી કરતી હતી.
વહેલી સવારે ગામની બજારમાં જ હત્યા કરી નાખી
તા. 15મી નવેમ્બર 2025ના રોજ સવારે તે નિત્યક્રમ મુજબ ટિફિન લઈને રાણપુર નોકરીએ જવા નીકળી હતી. એ દરમિયાન ગામની બજારમાં જ સંજયના પિતાએ તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ બનાવને પગલે લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારી, ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતનો પોલીસ કાફલો જોબાળા દોડી ગયો હતો અને લાશને પીએમ માટે મોકલી હત્યાની ફરિયાદ નોંધી અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ મંત્રીએ દલિત પોલીસકર્મીને જાહેરમાં થપ્પડ મારી
આરોપી પિતા ઝોબાળાની સીમમાંથી ઝડપાયો
પોલીસે આરોપી બચુ લીબડીયાને ઝોબાળાની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, હું એટલો ગુસ્સામાં હતો કે, મેં હેતલ પર આડેધડ છરીના 36 ઘા ઝીંકી ગામ વચ્ચે તેનું ઢીમ ઢાળી દીધું હતું. મારો પુત્ર આર્મીમાં હોવાથી નોકરીએ હતો, અને આ યુવતી રોજ સવારે અમારા ઘરે આવી ઝગડા કરતી હતી, આથી એ દિવસે મારો પિત્તો ગયો હતો. આ કેસમાં ચુડા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો: 10 વર્ષમાં SC-ST સામેના ગુનાઓમાં 46 અને 91 ટકાનો વધારો થયો!
પોલીસ અધિકારીએ શું કહ્યું?
સમગ્ર મામલે લીંબડીના DYSP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ચુડા તાલુકાના જોબાળા ગામે એક બનાવ બન્યો હતો. જેમાં હેતલબેન ચુવાલીયાની હત્યા ગામની સ્કૂલની બાજુમાં ગલીમાં થઈ હતી. આ બેનની હત્યાના અનુસંધાને એની માતા ગીતાબેન ભુપતભાઇ ચુવાલીયાએ ગુનો દાખલ કરાવ્યો હતો.
આ ગુનામાં એક આરોપી બચુ વશરામભાઇ લીંબડીયાનું નામ ફરિયાદ તરફથી આપવામાં આવ્યું હતું અને પોલીસ તપાસમાં પણ આ જ વ્યક્તિએ બનાવને અંજામ આપેલો હોઈ એનું નામ ખુલ્યું હતું. આ વ્યક્તિની તપાસ કરતા આજુબાજુના તમામ વિસ્તારો અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સર્ચ કરતા મંગળવારે સાંજના સમયે આ બચુભાઈ વશરામભાઇ લીંબડીયાની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ એની પ્રાથમિક પુછપરછ કરી આગળ વધુમાં વધુ પુરાવાઓ એકઠા કરવા તજવીજ હાલમાં ચાલુ છે. બુધવારે આરોપી બચુને કોર્ટ સમક્ષ હાજર કરી એમના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચો: ‘તું દલિત છે, મારી સાથે દારૂ પીવા કેમ બેઠો?’ કહીને ચાકૂથી હુમલો












