રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્લી દ્વારા અમદાવાદ શહેરમાં દાણીલીમડા વોર્ડના બહેરામપુરા વિસ્તારમાં પીવાના ગંદા પાણીના લીધે ફાટી નીકળેલ રોગચાળાના મુદ્દે લોકોના માનવ અધિકારના ભંગ સામે રાજ્યના પાટનગર ગાંધીનગરના પાણી પુરવઠા વિભાગના સચિવ, અમદાવાદ જિલ્લા કલેક્ટર અને અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
દાણીલીમડા વોર્ડમાં આવેલ બહેરામપુરા ખાતે ગટરના ગંદા પાણીની વર્ષો જૂની લાઈન પીવાના પાણીની પાઈપલાઈન સાથે ભળી જતા અહી રોગચાળા ફાટી નીકળ્યો હતો. આ મુદ્દે માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા સાથીદારો સાથે સ્થળ મુલાકાત કરી દિલ્લી ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં લોકોના માનવ અધિકાર ભંગની પિટિશન કરવામાં આવેલ હતી.
આ પિટિશનના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગ, ગાંધીનગરના સચિવને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં આ મુદ્દે આયોગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ પાસેથી લોકોના માનવ અધિકાર ભંગના મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવેલ છે.
આ પણ વાંચો: ‘પિતૃદોષ હોવાથી સંતાનસુખ મળતું નથી’ કહીને ભૂવાએ યુવતી પર રેપ કર્યો
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્લી સમક્ષ બહેરામપુરા ખાતે આવેલ પરીક્ષિતલાલ નગર, સાંકળચંદ મુખીની ચાલી, ફકીર મુખીની ચાલી, ભીલવાસ વાસુદેવ ધનજીની ચાલી, ગૌતમનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતા પીવાનું પાણી ખૂબ જ દૂષિત અને ગંદુ આવતુ હતું, જેના કારણે 300 કરતા વધારે લોકો રોગચાળામાં સપડાયા હતા અને ત્રણ થી ચાર લોકોના યોગ્ય સારવારના અભાવે મરણ પણ થયેલ હતા. તે બાબતની માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા પિટિશન દાખલ કરવામાં આવેલ છે.
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ગંદા પાણીનાં લીધે છ મહિના પહેલા રોગચાળો ફાટ્યો હતો. જેમાં 300થી વધુ લોકો ઝાડા ઉલ્ટી, પેટમાં દુખાવો કોલેરા જેવી ગંભીર બીમારીનાં ભોગ બન્યા હતા. આ ઘટનામાં લોકોના બંધારણના આર્ટિકલ 21 હેઠળ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના આરોગ્યના અને માનવ અધિકારોની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર સમક્ષ માનવ અધિકાર ભંગની ફરિયાદ માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા દાખલ કરવામાં આવેલ હતી.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્લી સમક્ષ કરેલ પિટિશનમાં માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે અમદાવાદ શહેરના બહેરામપુરાના પરીક્ષિતલાલ નગર ક્વાર્ટર્સ અને ભીલવાસ વાસુદેવ ધનજીની ચાલીમાં છેલ્લા ૧૨ દિવસથી ખૂબ જ ગંદુ પાણી આવે છે.
આ પણ વાંચો: અમદાવાદના ઈસનપુર તળાવમાં ડિમોલિશન શરૂ, ગરીબોનો આશરો છીનવાયો
આ બાબતે સ્થાનિક રહીશ પીડિતો દ્વારા સ્થાનિક કોર્પોરેટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓને ઘણીવાર રૂબરૂ તેમજ લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે. પરંતુ આ રજૂઆતમાં કોઈપણ અધિકારીઓ દ્વારા કશું જ કામ કરવામાં આવેલ નથી અને ફક્ત કામ થઈ જશે તેવો દિલાશો માત્ર આપવામાં આવે છે. આ મુદ્દે કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી. અહીંના રહીશો ગંદા પાણીનાં લીધે હાલ સ્થાનિકોમાંથી અંદાજે ૩૦૦ થી વધુ લોકો ઝાડા ઉલ્ટી, પેટમાં દુખાવો અને કોલેરા જેવી ગંભીર બીમારીઓમાં સપડાયા છે. જેમાં ૫૦ થી વધુ લોકો સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે. તેમજ સ્થાનિક દવાખાનાઓ માંથી દવા લઈ ઘરે બીમારીની હાલાતમાં ઘરેજ પડયા છે. સરકારી હોસ્પિટલમાં આ બીમારીના કેસો વધી જવાના કારણે જગ્યા ખૂટી પડી છે જેના કારણે એડમિટ થવા લાયક બીમાર વ્યક્તિને માત્ર દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે જેથી તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીંના આ વિસ્તારમાં કોઈ ઘર બાકી નથી જ્યાં કોઈ બીમાર ન હોય.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક નાની છોકરી બીમારીનાં લીધે અવસાન પામેલ છે. તથા પીવાનું પાણી જે ટાંકીમાંથી આવે છે તે ટાંકી સાફ થયેલ નથી અને તેમાં કૂતરાં-બિલાડાં મરેલા પડ્યાં છે અને ખૂબ જ ગંદુ ગંધ મારતું પાણી આવે છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્લી સમક્ષ કરેલ પિટિશનમાં કરવામાં આવેલ માંગણીઓમાં માંગણી કરવામાં આવેલ હતી કે
(૧) અહીં રહેતા અને વસવાટ કરતા સ્થાનિક રહીશો માટે તાત્કાલિક ચોખ્ખા પીવા લાયક પાણીની સુવિધા કરવામાં આવે.
(૨) અહીંના રહીશો માટે હાલમાં જે પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે, તેનું તાત્કાલિક રિનોવેશન કરી વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે અને પછી જ પીવાનું પાણી વિતરણ કરવામાં આવે.
(૩) આ વિસ્તારમાં જ્યાં-જ્યાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડેલ છે અને તેની સાથે ગટરનું પાણી ભળી ગયેલ છે તે લાઇન તાત્કાલિક બદલી નવી લાઇન નાખવામાં આવે.
આ પણ વાંચો: અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં SC સમાજના દર્દીઓ સાથે ભેદભાવ
(૪) અહીં રહેતા અને પ્રદુષિત પાણી પીવાને લીધે બીમાર પડેલા લોકોની ઘેર-ઘેર જઈ તપાસ કરવામાં આવે અને તેમને તાતકાલિક વિનામૂલ્યે યોગ્ય સારવાર પુરી પાડવામાં આવે.
(૫) જે નાની બાળકીનું અવસાન થયેલ છે તેની તપાસ કરી તેને યોગ્ય વળતર આપવામાં આવે. અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને વિજિલન્સ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવે, દોશી પુરવાય થયે હોદ્દા પરથી દૂર કરવામાં આવે.
(૬) જે પીડિત લોકોને સરકારી હોસ્પિટલોમાં જગ્યા ના હોવાનાં કારણે એડ્મિટ થવા લાયક હોવા છતાંય પીડિતોને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે. તેવા બીમારો માટે વ્યવસ્થા કરી તેમણે હોસ્પિટલમાં સારવાર માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
અહીંના વસવાટ કરતા રહીશ પીડિત લોકોના બંધારણના આર્ટિકલ 21 હેઠળ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના આરોગ્યના અને માનવ અધિકારોની તાત્કાલિક સુરક્ષા કરવામાં આવે તેમજ અધિકારીઓની બેદરકારીના લીધે લોકોના માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે તેવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. અહીં વસવાટ કરતા લોકોના માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે. લોકોના માનવ અધિકારોના રક્ષણના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા માનવ અધિકાર આયોગ, ગાંધીનગર સમક્ષ ચેરમેનને વિનંતી કરવામાં આવેલ છે.
(વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, માનવાધિકાર કાર્યકર, અમદાવાદ)
આ પણ વાંચો: અમદાવાદ અપંગ દલિત RTI એક્ટિવિસ્ટની બિલ્ડરોએ 20 લાખમાં હત્યા કરાવી












