અમદાવાદના દલિત RTI એક્ટિવિસ્ટ રસિક પરમારે આપઘાત નથી કર્યો પરંતુ તેમની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત તા. 13 સપ્ટેમ્બર 2025ના થરાદની નર્મદા કેનાલમાંથી તેમની લાશ મળી હતી. તે વખતે તેમણે આપઘાત કર્યો હોવાની થિયરી ચલાવાઈ હતી, પરંતુ હવે તેમની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. રૂ. 20 લાખની સોપારી આપીને બિલ્ડર લોબીએ રસિકભાઈનો કાંટો કાઢી નખાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક રસિક પરમાર RTI એક્ટિવિસ્ટ તરીકે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા હતા. જેના કારણે ભ્રષ્ટ બિલ્ડરોને તેઓ કાંટાની જેમ ખટકતા હતા. પોલીસની આઠ ટીમોએ હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે, બિલ્ડર લોબીએ તેમની હત્યા માટે ₹20 લાખની સોપારી આપી હતી.
થરાદના ડીવાયએસપી એસ.એમ. વારોતરીયાએ જણાવ્યું હતું કે, “થરાદ પોલીસને નર્મદા કેનાલમાં એક મૃતદેહ મળ્યાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ જોઈને પ્રથમ દૃષ્ટિએ ગળાના ભાગે કાપાના નિશાન જણાતા હત્યાનો ડાઉટ ગયો હતો. પીએમ રિપોર્ટમાં પણ તે કુદરતી મોત કે આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનું ખુલ્યું હતું.”
પોલીસે 8 ટીમો બનાવીને તપાસ શરૂ કરી
પોલીસે મૃતકની ઓળખ માટે પ્રયાસો કરતાં તે અમદાવાદના રસિકભાઈ પમરાર હોવાનું સામે આવ્યું હતું. મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે વાવ-થરાદના પોલીસ અધિક્ષકની સૂચનાથી ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સિસના આધારે આઠ અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક આરોપીનું લોકેશન મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ કરતાં તે આરોપી ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત આપી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા સોપારી લઈને કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય દલિત વિદ્યાર્થીની લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી
રસિકભાઈ પરમાર દલિતો, ગરીબોના હક માટે લડતા હતા
મૃતક રસિક પોતે RTI એક્ટિવિસ્ટ હોવાથી જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં અરજી કરીને તેને ખુલ્લો પાડતા હતા. ડીવાયએસપીએ જણાવ્યું કે, “આ કેસમાં બિલ્ડર લોબીની સંડોવણી ખુલી છે. ઝૂંપડપટ્ટી કે વસાહતોના રિ-ડેવલપમેન્ટ હેઠળ જેમને નવા મકાનો મળવાપાત્ર હતા, ત્યાં આરોપીઓ બોગસ ગ્રાહકો ઊભા કરીને આખી સ્કીમ ચલાવતા હતા, જેથી ખરેખર હકદાર લોકોને મકાન ન મળે.”
ભ્રષ્ટ બિલ્ડરોએ રૂ. 20 લાખની સોપારી આપી હત્યા કરાવી!
રસિકભાઈ આ ષડયંત્રનો પર્દાફાશ કરતાં હોવાથી તેઓ આ ભ્રષ્ટ બિલ્ડરો અને તેમના મળતિયાઓ માટે આડખીલીરૂપ બન્યા હતા. આ કારણોસર તેમનો ‘કાંટો કાઢી નાખવા’ માટે પૂર્વયોજિત કાવતરું ઘડીને ટોળકી બનાવવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું છે કે એક રિક્ષાચાલક રિક્ષા લઈને સમી સુધી ગયો હતો, જ્યાં વચ્ચે બીજા આરોપીઓ મળ્યા હતા અને તેમણે રસિકભાઈને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ડેડબોડી અને તેમનો મોબાઈલ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દલિત અધિકારીની બે બ્રાહ્મણ યુવકોએ જાહેરમાં છરી મારી હત્યા કરી
પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ફરિયાદમાં જેનું નામ છે તે કમલેશ નામના વ્યક્તિની પૂર્વભૂમિકા છે અને તેણે જ રૂ. 20 લાખમાં સોપારી આપી હતી. પોલીસ હાલમાં ચાર આરોપીઓને પકડી ચૂકી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. ડીવાયએસપીએ ખાતરી આપી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા રાજુ કરાટે સહિત કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. અમે આગળ પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરીશું.
અપંગ રસિકભાઈ ગરીબોના હક માટે સતત લડતા રહ્યા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રામાપીરના ટેકરા વિસ્તારમાં રહેતા રસિકભાઈ પરમાર ગરીબો, વંચિતોના હકો માટે સતત ભ્રષ્ટ તંત્ર સામે લડી રહ્યા હતા. બંને પગે અપંગ હોવા છતાં તેમણે ગરીબો, વંચિતોના હકો માટેની લડાઈ લડવાનું ચાલુ રાખ્યું હતું. તેમની નીડરતા, હિંમત અને સ્વચ્છ છબિથી અમદાવાદના ભ્રષ્ટ બિલ્ડરો અને તેમના મળતિયાઓનું ધાર્યું થતું નહોતું. જેના કારણે બિલ્ડર લોબીએ રસિકભાઈના નામની રૂ. 20 લાખની સોપારી આપીને તેમની હત્યા કરાવી નાખી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. આ કેસમાં તપાસ જેમ જેમ આગળ વધશે તેમ બીજા પણ અનેક નવા ખૂલાસાઓ સામે આવે તેવી પુરી શક્યતા છે.
આ પણ વાંચો: દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!














Users Today : 857