દલિત સમાજ માટે હાલ કપરાં દિવસો છે. દલિતોએ હવે જાતિવાદી તત્વો દ્વારા થતા અન્યાય સામે ન્યાય મેળવવા, એફઆઈઆર નોઁધાવવા માટે પોલીસ અધિકારીઓ સામે સંઘર્ષ કરવો પડે છે. આવું જ કંઈક મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં બન્યું છે. જ્યાં એક દલિત યુવાનનું શંકાસ્પદ સ્થિતિમાં બાઈક અકસ્માતમાં મોત થઈ જતા તેના પરિવારે ન્યાય માટે તેનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેસવું પડ્યું હતું. તેમ છતાં પોલીસના પેટનું પાણી પણ હલ્યું નહોતું.
ગઈકાલે મધ્યપ્રદેશના નર્મદાપુરમના માખણનગરમાં આહિરવાર સમાજના એક યુવાનના મોતથી નારાજ પરિવારજનોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ માખણનગર પોલીસ સ્ટેશન સામે મૃતકનો મૃતદેહ મૂકીને નર્મદાપુરમ-પિપરિયા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.
દલિત યુવકના પરિવારજનો અને દલિત સમાજના લોકો બપોરે 3 વાગ્યાથી એક કલાકથી વધુ સમય સુધી પોલીસ સ્ટેશનની સામે ધરણાં પર બેઠા હતા, જે દરમિયાન તેમણે પોલીસ વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પરિવારજનોએ જિતેન્દ્રના મૃત્યુને કાવતરું ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાકેશ સિંહા અને નિહાલ ખાને તેના પર હુમલો કર્યો હતો, જેના કારણે માથામાં ઈજા થઈ હતી અને મોત થયું હતું.
આ પણ વાંચો: ‘તું દલિત છે, મારી સાથે દારૂ પીવા કેમ બેઠો?’ કહીને ચાકૂથી હુમલો
જોકે રાકેશ સિંહા અને નિહાલ ખાને પોલીસને જણાવ્યું હતું કે બાઇક સ્લીપ ખાઈ જતા જિતેન્દ્રનું મોત થયું હતું. પરંતુ પરિવારને શંકા છે કે માર મારવાને કારણે થયેલી ઈજાને કારણે તેનું મોત થયું હતું. એક કલાક સુધી રસ્તા પર ચક્કાજામ ચાલ્યો હતો. એ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
સોહાગપુર એસડીઓપી સંજુ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. SDOP અને સ્ટેશન હાઉસ ઓફિસર અનુપ કુમાર ઉઇકેએ મૃતકના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે FIR નોંધાવવાનો આગ્રહ રાખ્યો હતો. SDOP ચૌહાણે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બાઇક સ્લીપ થવાથી માથામાં ઇજા, 15 દિવસ પછી મૃત્યુ
SDOP સંજુ ચૌહાણે જણાવ્યું હતું કે, જિતેન્દ્ર અહિરવાર, રાકેશ સિંહા અને નિહાલ ખાન બાઇક પર શુક્કરવાડાથી માખણનગર જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. જિતેન્દ્રને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને ગંભીર હાલતમાં તેને માખણનગર લાવવામાં આવ્યો હતો. માખણનગરથી તેમને નર્મદાપુરમ અને પછી ભોપાલ રિફર કરવામાં આવ્યો હતો. રવિવારે ભોપાલમાં તેનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ બપોરે 1 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કડીની દલિત સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા
માખણનગરમાં તેના પરિવાર અને દલિત સમાજે પોલીસ સ્ટેશનની સામે રસ્તા પર જિતેન્દ્રની લાશ મૂકીને રસ્તો રોક્યો હતો. તેમણે માંગ કરી કે મૃત્યુનું કારણ રોડ અકસ્માત નથી; તેની હત્યા કરવામાં આવી છે અને તેથી તાત્કાલિક તપાસ કરવામાં આવે અને FIR દાખલ કરવામાં આવે. SDOP ચૌહાણે તપાસ કરી અને કાનૂની કાર્યવાહીની ખાતરી આપી, ત્યારબાદ પરિવારે લાશને ત્યાંથી હટાવીને અંતિમવિધિ કરી હતી.
એક દિવસ પહેલા જ વિવાદ થયો હતો
મૃતક જિતેન્દ્ર અહિરવાર, નિહાલ ખાન અને રાકેશ સિન્હા સાથે ડીજે સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. જિતેન્દ્રના નાના ભાઈ મનીષનું કહેવું છે કે, તેના ભાઈને ઇજા થઈ તેના એક દિવસ પહેલા, તેને રાકેશ અને નિહાલ સાથે વિવાદ થયો હતો. બીજા દિવસે, તેના સાથીઓ કહી રહ્યા છે કે બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. પરંતુ બાઇક સ્લીપ ખાઈ હોય તો ત્રણેયને ઈજા થવી જોઈએ, પરંતુ ફક્ત મારા ભાઈને માથામાં ઈજા થઈ હતી. તેના શરીર પર બીજે ક્યાંય કોઈ ઈજા નથી થઈ. રાકેશ અને નિહાલને ક્યાંય ઈજા નથી થઈ. આ સ્પષ્ટપણે મારામારી અને હત્યાનો મામલો છે. પણ પોલીસ કોઈના દબાણમાં આ મામલે કેસ નોંધતી નથી અને આરોપીઓને છાવરે છે.
આ પણ વાંચો: ‘સામે કેમ જુએ છે?’ કહી 5 શખ્સોએ Dalit યુવકને સળિયાથી માર્યો










