કોણ છે જસ્ટિસ સ્વામીનાથન, જેના પર ‘બ્રાહ્મણવાદી’ હોવાનો આરોપ લાગ્યો છે?

Justice Swaminathan: મદુરાઈ બેંચના જસ્ટિસ સ્વામીનાથન પર તેમના ‘બ્રાહ્મણવાદી’ ચૂકાદાઓને કારણે વિપક્ષોએ મહાભિયોગની કાર્યવાહી કરી છે.
Justice Swaminathan

Justice Swaminathan impeachment: દેશની વિવિધ કોર્ટોમાં બેઠેલા મનુવાદી જજો છેલ્લાં કેટલાક સમયથી ધીરેધીરે ખૂલીને સામે આવી રહ્યા છે. ખાસ કરીને દલિતો, આદિવાસીઓ અને લઘુમતી સમાજ સાથે જોડાયેલા કેસોમાં તેઓ સવર્ણ હિંદુઓ અથવા બ્રાહ્મણોની તરફેણમાં ચૂકાદાઓ આપતા હોવાના આરોપો લાગ્યા છે. શિક્ષણની જેમ કાયદા ક્ષેત્રમાં પણ મનુવાદીઓએ સદીઓથી એકહથ્થુ સાશન જમાવી રાખ્યું છે, જે આઝાદી બાદ પણ અકબંધ છે. તેનું જ કારણ છે કે, અનેક કેસોમાં આ મનુવાદી જજો કાયદાની જોગવાઈઓને અવગણીને ચોક્કસ જાતિ-વર્ગના લોકોની તરફેણમાં ચૂકાદાઓ આપતા હોવાના આરોપ લાગતા રહે છે.

આવા જ આરોપ RSS ની મનુવાદી-જાતિવાદી વિચારધારામાં વિશ્વાસ ધરાવતા મદુરાઈ બેંચના જસ્ટિસ સ્વામીનાથન(Justice Swaminathan) પર એકથી વધુ વાર લાગ્યા છે. તેમના અનેક એકતરફી ચૂકાદાઓનો કારણે હવે વિપક્ષ ઈન્ડિયા ગઠબંધને તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની નોટિસ લોકસભા સ્પીકરને આપી છે. વિપક્ષી સાંસદો અને વકીલોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને જસ્ટિસ સ્વામીનાથન વિરુદ્ધ અનેક આરોપો લગાવ્યા હતા.

આ પણ વાંચો: સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI

જસ્ટિસ સ્વામીનાથન હાલમાં થિરુપ્પરંકુન્દ્રમ મંદિર-દરગાહ વિવાદને લઈને સમાચારમાં છે. આ વિવાદના ચાર મહિના પહેલા, ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ જસ્ટિસ સ્વામીનાથન વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ઓગસ્ટ 2025માં લખાયેલા આ પત્રોમાં જસ્ટિસ સ્વામીનાથન પર બ્રાહ્મણ વકીલો અને RSS-BJPની વિચારધારાઓ ધરાવતા વકીલોની તરફેણ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો.

હાઈકોર્ટની મદુરાઈ બેન્ચમાં તૈનાત જસ્ટિસ સ્વામીનાથને તિરુપ્પરંકુન્દ્રમના સુબ્રમણ્યમ સ્વામી મંદિરના અધિકારીઓને ટેકરીની ટોચ પર આવેલા દીવાપોળ પર કાર્તિગાઈ દીપ પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશથી ધાર્મિક સંવેદનશીલતા પર વિવાદ થયો હતો. વિપક્ષે તેને ન્યાયતંત્રની નિષ્પક્ષતા સાથે જોડીને તેના પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે, હવે એવું બહાર આવ્યું છે કે જસ્ટિસ સ્વામીનાથનના વર્તન પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી.

11 ઓગસ્ટ, 2025 ના રોજ, ઈન્ડિયા એલાયન્સના સાંસદોએ રાષ્ટ્રપતિ મુર્મુ અને ચીફ જસ્ટિસ ગવઈને એકસરખા પત્રો મોકલ્યા હતા. આ પત્રોમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે જસ્ટિસ સ્વામીનાથન, સિંગલ-જજ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, બ્રાહ્મણ વકીલો અને જમણેરી વિચારધારા સાથે સંકળાયેલા લોકોને સુનાવણીમાં પ્રાથમિકતા આપતા હતા. જસ્ટિસ સ્વામીનાથન ન્યાયિક પ્રક્રિયામાં જાતિગત પક્ષપાત અને વૈચારિક ભેદભાવ દર્શાવી રહ્યા હતા. પત્રોમાં આને “સાબિત થયેલ ઘોર ગેરવર્તણૂક” તરીકે વર્ણવવામાં આવી હતી, જે ન્યાયતંત્રની નિષ્પક્ષતા, પારદર્શિતા અને ધર્મનિરપેક્ષ કામગીરીને અસર કરી રહ્યું હતું.

આ પણ વાંચો: ‘ભગવાનને કહો કંઈક કરે!’, વિષ્ણુની મૂર્તિ મુદ્દે CJI એ આવું કેમ કહ્યું?

સાંસદોએ પત્રોમાં ન્યાયાધીશ સ્વામીનાથનના ઘણા નિર્ણયોનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે તેમના નિવેદનો અને આદેશો બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો અને લઘુમતી સંરક્ષણ સંબંધિત બાબતોમાં જમણેરી રાજકીય ફિલસૂફી તરફનો ઝુકાવ જોવા મળે છે. તેનું મુખ્ય ઉદાહરણ કરુર જિલ્લામાં એક મંદિરનો કેસ હતો, જ્યાં જસ્ટિસ સ્વામીનાથને “અન્નદાન” (ભક્તોને મફત ભોજન દાન) અને “અંગપ્રદક્ષિણમ” (ભોજન પછી વધેલા પાંદડા પર આળોટવાની પ્રથા) ને મંજૂરી આપી હતી, જોકે ડિવિઝન બેન્ચે તેને અમાનવીય ગણાવીને પ્રતિબંધિત કરી દીધી હતી. સાંસદોએ દલીલ કરી હતી કે આવા નિર્ણયો ન્યાયિક તટસ્થતામાં લોકોના વિશ્વાસને નબળો પાડે છે, એટલું જ નહીં, અદાલતો રાજકીય કે સામાજિક જોડાણોથી સ્વતંત્ર હોવી જોઈએ તેવી અપેક્ષાને પડકારે છે.

આ પત્રોના ચાર મહિના પછી, ડિસેમ્બર 2025 માં, વિપક્ષે ન્યાયાધીશ સ્વામીનાથનને દૂર કરવા માટે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ડિયા એલાયન્સના સાંસદોએ લોકસભા સ્પીકરને એક પત્ર સુપરત કર્યો, જેમાં 13 ગંભીર આરોપોની રૂપરેખા આપવામાં આવી હતી. રાજ્યસભાના સભ્ય તિરુચી શિવાએ કહ્યું, “અમે જસ્ટિસ સ્વામીનાથન સામે 13 આરોપો પર મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે.” જોકે, રાષ્ટ્રપતિ અને સીજેઆઈ તરફથી આ પત્રોનો કોઈ સીધો જવાબ મળ્યો નથી.

આ બાબત ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર વ્યાપક ચર્ચા જગાવે તેવી પુરી શક્યતા છે. વિપક્ષનો દાવો છે કે આવા કિસ્સાઓ ન્યાયતંત્રમાં જાતિ અને વિચારધારાની દખલગીરીને ઉજાગર કરે છે. જો કે, આટલા ગંભીર મામલામાં પણ સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. તિરુપ્પરંકુન્દ્રમ વિવાદ બાદ, આ ખુલાસો રાજકીય વર્તુળોમાં, ખાસ કરીને સંસદના શિયાળુ સત્ર દરમિયાન, તોફાન મચાવી શકે છે.

આ વર્ષે ઓક્ટોબરમાં, મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કે. ચંદ્રુએ(જેમના પરથી સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘જય ભીમ’ બની છે) આરોપ લગાવ્યો હતો કે, જસ્ટિસ સ્વામીનાથને ધર્મનિરપેક્ષતા અને કાયદાના શાસન વિરુદ્ધ નિવેદનો આપીને બંધારણ પ્રત્યેના તેમના શપથનું ઉલ્લંઘન કર્યું છે. જસ્ટિસ ચંદ્રુએ આ નિવેદન જસ્ટિસ સ્વામીનાથને હરિયાણામાં RSS ના એક કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે “ભારતનું બંધારણ ભારત સરકાર અધિનિયમ, 1935 માંથી “કોપી” કરવામાં આવ્યું છે.”

આ પણ વાંચો: ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં સવર્ણ હિંદુઓએ CJI ગવઈનો વિરોધ કર્યો

આ નિવેદનના જવાબમાં એક કાર્યક્રમમાં બોલતા જસ્ટિસ ચંદ્રુએ જસ્ટિસ સ્વામીનાથનને તેમના નિવેદનો બદલ “વિચિત્ર વ્યક્તિ” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું આ નિવેદન બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની કલ્પનાની બંધારણીય વ્યવસ્થાના મૂળ સિદ્ધાંતો પર પ્રહાર કરે છે.

આ દરખાસ્ત અંગે જસ્ટિસ ચંદ્રુએ કહ્યું કે, “ગેરવર્તણૂક” માટે ન્યાયાધીશને પદ પરથી દૂર કરવાનો એકમાત્ર રસ્તો સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે, પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે, પરંતુ e પ્રસ્તાવે હજુ ઘણી લાંબી સફર ખેડવાની બાકી છે.

જસ્ટિસ ચંદ્રુએ કહ્યું, “તેમણે આપેલા ચૂકાદાઓ કરતા પણ વધુ અયોગ્ય ન્યાયાધીશ તરીકે તેમનું વર્તન છે, તેમણે આપેલા ચૂકાદાઓની તો વાત જ કરવા જેવી નથી. તેમનું વર્તન એવું છે જાણે તેઓ RSS અને તેના અન્ય સંગઠનોના પ્રચાર સચિવ હોય. તેઓ નિઃસંકોચ તેમની સભાઓમાં હાજરી આપે છે અને એ બંધારણની નિંદા કરતા ભાષણો આપે છે, જેની અંતર્ગત તેમણે જજ તરીકેના તેમના પદના શપથ લીધા હતા.”

જસ્ટિસ ચંદ્રુએ વધુમાં કહ્યું, “વેદોમાં આસ્થા રાખવા મુદ્દે વિવિધ મંચો પર આપવામાં આવેલા જસ્ટિસ સ્વામીનાથનના ભાષણો એક વર્તમાન જજ પાસેથી જરાય અપેક્ષિત નથી. જો કોઈ તેમના ન્યાયિક વર્તનનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરે, તો આસાનાથી એ સમજાઈ જશે કે ન્યાયતંત્ર જેવી જગ્યાએ સેવા આપવા માટે તેઓ લાયક નથી.”

આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા Justice B R Gavai દેશના નવા CJI બનશે

જસ્ટિસ સ્વામીનાથને કહ્યું હતું, ‘વેદો તમારું રક્ષણ કરશે’

આ વર્ષની શરૂઆતમાં, જસ્ટિસ સ્વામીનાથન ત્યારે વિવાદમાં ફસાયા હતા, જ્યારે વકીલ એસ. વંચીનાથને તેમના પર “અપમાનજનક આરોપો” લગાવ્યા હતા. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ તેમની ન્યાયિક ફરજો નિભાવવામાં “સાંપ્રદાયિક અને જાતિ ભેદભાવ” કરે છે. જસ્ટિસ સ્વામીનાથન સહિત બે જજોની બેન્ચે ચૂકાદો આપ્યો હતો કે વકીલના આરોપો પ્રથમ દ્રષ્ટિએ ફોજદારી અવમાનના દાયરામાં આવે છે.

જો કે, આ આદેશનો વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને જસ્ટિસ ચંદ્રુ સહિત આઠ નિવૃત્ત જજોએ વકીલના સમર્થનમાં પત્ર લખ્યો હતો. ત્યારબાદ બંને જજોએ આ મામલો હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મોકલી આપ્યો હતો, પરંતુ જસ્ટિસ સ્વામીનાથને તેમની વિરુદ્ધ ‘બદનામ કરવાનું અભિયાન’ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. બંધારણ અને અન્ય મુદ્દાઓ પરની જસ્ટિસ સ્વામીનાથનના નિવેદનો પર સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “જો જજોની માનસિકતા જ આવી છે, તો બંધારણને આપણે કેવી રીતે ટકાવીને રાખી શકીશું?”

આ પ્રકારની મનુવાદી માનસિકતા ધરાવતા જજો દેશના વંચિત, શોષિત સમાજને કેવી રીતે ન્યાય આપી શકે તે સવાલ છે.

આ પણ વાંચો: Justice B R Gavai દેશના પહેલા બૌદ્ધ CJI બન્યાં

3 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sandip Parmar
Sandip Parmar
1 month ago

https://youtu.be/LO6aK5qDrEA?si=Cw4owm0txglt97Wz

વેદમાં વિજ્ઞાન

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x