નસવાડીમાં આદિવાસી બાળકો 13 વર્ષથી ઝૂંપડામાં બેસી ભણે છે!

Adivasi News: નસવાડીના જેલમગઢમાં 13 વર્ષથી આંગણવાડીનું બાંધકામ પુરું ન થતા આદિવાસી બાળકો ઝૂંપડામાં બેસી ભણે છે.
Naswadi News

Adivasi News: ગુજરાતનો કહેવાતો વિકાસ દલિતો, આદિવાસીઓ સુધી બહુ મોડો પહોંચે છે અથવા પહોંચતો જ નથી. સવર્ણ હિંદુઓની તરફદાર ગુજરાતની ભાજપ સરકાર સતત દલિતો, આદિવાસીઓની સરકારી યોજનાઓમાંથી બાદબાકી કરતી જઈ રહી છે. એસસી, એસટી વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશીપ મળતી નથી, જેના કારણે હજારો એસસી, એસટી વિદ્યાર્થીઓનું ભણતર રઝળી પડે છે. જો વિદ્યાર્થીઓની જ આ સ્થિતિ હોય, તો આંગણવાડીઓની શું સ્થિતિ હશે તેની તો કલ્પના જ કરવી રહી.

એક તરફ ગુજરાત સરકાર ‘સ્માર્ટ ક્લાસ’ અને ‘હાઈટેક શિક્ષણ’ના બણગા ફૂંકી રહી છે, બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામે આદિવાસી ભૂલકાંઓ છેલ્લાં 13 વર્ષથી ઝૂંપડામાં બેસીને ભણી રહ્યાં છે. અહીંના આલિયાઘોડા ફળીયામાં માસૂમ બાળકો એવા જર્જરિત અને કાચા મકાનમાં બેસવા મજબૂર છે જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, જે આંગણવાડીનું કામ 2011માં મંજૂર થયું હતું, તે 2025માં પણ પુરું થયું નથી.

આ પણ વાંચો: મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ

હજુ પણ આંગણવાડીનું 20 ટકા કામ બાકી

જેમલગઢ ગામની આ આંગણવાડીનું કામ વર્ષ 2011માં મંજૂર થયું હતું અને 2012માં તેનું બાંધકામ શરૂ કરાયું હતું. પરંતુ આજકાલ કરતા આજે 13 વર્ષ વીતી ગયા હોવા છતાં, આ આંગણવાડીનું કામ પુરું થઈ રહ્યું નથી. હજુ પણ કલરકામ, બારી-બારણાં જેવી પાયાની સુવિધાઓ બાકી છે. જ્યારે અધિકારીને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે, “કામગીરી હજુ ચાલુ છે.” સવાલ એ થાય છે કે શું એક આંગણવાડી બનાવવામાં આખો યુગ નીકળી જશે?

Naswadi News

અહીં સૌથી મોટો સવાલ તંત્રની કાર્યશૈલી પર ઉઠી રહ્યો છે. જ્યારે કોઈ નેતા કે મંત્રી આવવાના હોય ત્યારે તંત્ર તાત્કાલિક રોડ-રસ્તા સહિતની સુવિધાઓ ઉભી કરી દે છે, ખાડાઓ પુરી દેવાય છે અને લાખોના ખર્ચે કચેરીઓ ઝળહળી ઉઠે છે. પરંતુ દેશના ભવિષ્ય એવા બાળકોની એક નાની આંગણવાડી પૂર્ણ કરવામાં 13-13 વર્ષ લાગે તે બાબત તંત્રની સંવેદનહીનતા છતી કરે છે. શું આ માસૂમ બાળકોની સુરક્ષા કરતા નેતાઓનું સ્વાગત વધુ મહત્વનું છે?

આ પણ વાંચો: આદિવાસી સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં ડીજે અને દારૂ પર પ્રતિબંધ

આંગણવાડીનું મકાન જર્જરિત હોઈ વાલીઓ ફફડાટમાં

આંગણવાડીમાં કુલ 17 ભૂલકાંઓ રજિસ્ટર છે. ગામમાં અન્ય કોઈ પાકું મકાન ઉપલબ્ધ ન હોવાથી આ બાળકોને એક કાચા અને જર્જરિત ઝૂપડામાં બેસાડવામાં આવે છે. દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે. છતના લાકડા સડી ગયા છે, જે ગમે ત્યારે ધસી શકે છે. ચોમાસામાં છત પરથી પાણી ટપકે છે અને શિયાળા-ઉનાળામાં ખુલ્લામાં બાળકોની હાલત દયનીય બની જાય છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો વેધક સવાલ છે કે, શહેરોમાં ચમકતી આંગણવાડીઓ બને છે, તો અંતરિયાળ આદિવાસી વિસ્તારો સાથે આટલો અન્યાય કેમ? 13 વર્ષ સુધી કામ લટકાવી રાખનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા?

આદિવાસી સમાજમાં તંત્ર સામે ભારે રોષ

વાલીઓનો એક જ સવાલ છે કે, “શું અંતરિયાળ આદિવાસી વિસ્તારોના બાળકો ગુજરાતના વિકાસનો હિસ્સો નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?” વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, “અમે દરરોજ અમારા બાળકોને અહીં મોકલતા ડર અનુભવીએ છીએ. શું તંત્ર કોઈ બાળકના જીવ ગયા પછી જ જાગશે?” હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે પછી આ ભૂલકાંઓને હજુ બીજા કેટલાય વર્ષો આ ભયના ઓથાર નીચે જીવવું પડશે.

આ પણ વાંચો: નીરજ ઘાયવાનની ફિલ્મ ‘Homebound’ Oscar માટે શોર્ટલિસ્ટ થઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x