Adivasi News: ભારત દેશમાં ગરીબોને સન્માનજનક મોત પણ મળતું નથી. કોરોનાકાળમાં સેંકડો લોકોને ગમે ત્યાં દફન કરી દેવાયા હતા. હવે માણસાઈ સાવ મરી પરવારી હોય તેવી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જોઈ ભલભગાં કઠણ કાળજાના માણસનું હૃદય પર રડી પડે તેમ છે.
ઘટના ઝારખંડની છે. અહીંના ચાઈબાસાના મોટા બાલજોડી ગામના રહેવાસી ડિમ્બા ચતોંબા, તેમના જીવનના સૌથી મોટા આઘાત સાથે ઘરે પાછા ફર્યા. તેમનો એકમાત્ર ચાર મહિનાનો પુત્ર, જેને તેઓ થોડા દિવસ પહેલા સુધી પોતાના ખભા લઈને ગામમાં ફરતા હતા, તે અચાનક બીમાર પડી ગયો. પરિવારે તાત્કાલિક બાળકને ચાઈબાસાની સદર હોસ્પિટલમાં દાખલ કર્યો. પિતાને આશા હતી કે હોસ્પિટલમાં સારવારથી તેમનો પુત્ર સાજો થઈ જશે. પરંતુ શુક્રવારે બપોરે બાળકનું મૃત્યુ થયું. હોસ્પિટલ પરિસર પરિવારજનોના આક્રંદથી ગુંજી ઉઠ્યું. પુત્રના નિર્જીવ શરીરને જોઈને ડિંબા બેભાન થઈ ગયા. જો કે, એ પછી જે થયું તે માણસાઈના મોત જેવું હતું.
આ પણ વાંચો: ‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’
પ્લાસ્ટિકની થેલીમાં ભરીને પુત્રનો મૃતદેહ લઈ જવો પડ્યો
પુત્રના મૃત્યુ પછી ડિમ્બાને આશા હતી કે હોસ્પિટલ વહીવટીતંત્ર તેના મૃતદેહ ઘરે લઈ જવામાં મદદ કરશે. પરંતુ તેમની એ આશા ઠગારી નીવડી. હોસ્પિટલે ન તો એમ્બ્યુલન્સ આપી હતી કે ન તો શબવાહિની. અત્યંત ગરીબ ડિમ્બા પાસે સાધન તો દૂર, પૈસા પણ નહોતા. તેના ખિસ્સામાં ફક્ત 100 રૂપિયા હતા. મજબૂરીમાં તેમણે 20 રૂપિયામાં પ્લાસ્ટિકની થેલી ખરીદી અને પોતાના ચાર મહિનાના વહાલસોયા પુત્રનો મૃતદેહ તેમાં રાખીને ઘર તરફ ચાલી નીકળ્યાં.
પૈસા ન હોવાથી બસમાં થેલા સાથે મુસાફરી કરી
કરૂણતા આટલેથી ખતમ નથી થતી. ડિંબા પાસે ભાડાના પૈસા માંડ હતા. આથી તેણે સરકારી બસમાં મૃત પુત્રના થેલા સાથે મુસાફરી કરી. ડિંબાએ બચેલા 80 રૂપિયાનો ઉપયોગ ચાઈબાસાથી નોઆમુન્ડી સુધીના ભાડા માટે કર્યો અને પોતાના પુત્રના મૃતદેહને બેગમાં રાખીને બસમાં મુસાફરી કરી. ત્યાંથી તેઓ બડા બાલજોડી ગામ સુધી ચાલીને ગયા. થેલામાં જીવથી વહાલા પુત્રનો મૃતદેહ અને હૃદયમાં અસહ્ય પીડા લઈને ચાલતા એક પિતા ભારતના તંત્ર પર અનેક પ્રશ્નાર્થ ઉભા કરતા ગયા. આ ઘટના ફક્ત એક પરિવારનું દુઃખ નથી, પરંતુ સરકારી તંત્રની ભયાનક સંવેદનહીનતાનું પ્રતિબિંબ છે.
एंबुलेंस नहीं मिली तो बेटे का शव थैले में टांग ले गया पिता.झारखंड के चाईबासा में इलाज के क्रम में जब बच्चे की मौत हो गई,तब पिता ने लाश घर ले जाने के लिए अस्पताल से एंबुलेंस देने की गुहार लगाई,पर किसी ने नहीं सुनी।अंत में वे बच्चे को थैली में लेकर घर निकल पड़े।@HemantSorenJMM pic.twitter.com/d4EmUKJDg7
— Sohan singh (@sohansingh05) December 19, 2025
પરિવારને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતુઃ ડોક્ટર
આ મામલે હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ભારતી મિંજના જણાવ્યા અનુસાર, બાળકના પિતા પાસે ફોન કે પૈસા નહોતા. ત્યાં હાજર નર્સો અને અન્ય દર્દીઓના સંબંધીઓએ દાન એકત્રિત કરીને તેમને મદદ કરી હતી. હોસ્પિટલે બિરસા યુવા સેવા સમિતિ દ્વારા સંચાલિત શબવાહિનીનો સંપર્ક કર્યો હતો. શબવાહિની તે સમયે મનોહરપુરમાં હતી અને લગભગ બે કલાકમાં પહોંચવાની અપેક્ષા હતી. પરિવારના સભ્યોને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: આદિવાસી મહિલાની માથું કપાયેલી લાશ મળી, ટોળાંએ 150 ઘર સળગાવ્યાં
સિવિલ સર્જને જણાવ્યું કે, સાંજ પહેલાં ઘરે પહોંચવાની ઉતાવળમાં, બાળકના પિતા કોઈને જાણ કર્યા વિના બેગમાં મૃતદેહ લઈને હોસ્પિટલ છોડી ગયા હતા. ડૉ. મિંજે સ્પષ્ટતા કરી હતી કે હોસ્પિટલ બીપીએલ દર્દીઓ માટે શબવાહિનીનો ખર્ચ ઉઠાવે છે. જોકે, આ માટે સત્તાવાર પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જરૂરી છે, જેની પરિવાર રાહ જોઈ શક્યો નહીં. સિવિલ સર્જને જણાવ્યું કે, હોસ્પિટલે સારવાર અને વાહનની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર તેમને જાણ કર્યા વિના જ ત્યાંથી નીકળી ગયો હતો.
ભૂતપૂર્વ સાંસદ ગીતા કોડાએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
દરમિયાન, આ ઘટનાની જાણ થતાં, ભૂતપૂર્વ સાંસદ ગીતા કોડાએ શનિવારે બાલજોડી ગામની મુલાકાત લીધી હતી. તેમણે પીડિત પરિવારની મુલાકાત લઈને સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “એક પિતાને આ રીતે તેના માસૂમ બાળકનો મૃતદેહ આ રીતે લઈ જવા માટે મજબૂર થવું પડે, તે આરોગ્ય વિભાગ અને હોસ્પિટલની ઘોર બેદરકારીનો પુરાવો છે.” તેમણે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ, ગુનેગારો સામે કડક કાર્યવાહી અને દૂરના ગ્રામીણ વિસ્તારોમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને આરોગ્ય સુવિધાઓની જોગવાઈની માંગ કરી હતી. હાલ, આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.
આ પણ વાંચો: ‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’










