Adivasi News: ગુજરાતમાં સરકારી કાર્યક્રમો દરમિયાન રાતોરાત તૂટેલાં રોડ-રસ્તા રિપેર થઈ જાય છે, સફાઈ થઈ જાય છે, ફૂલછોડ વવાઈ જાય છે, રંગરોગાન અને લાઈટિંગ થઈ જાય છે. પરંતુ ગરીબના બાળકો ભણી શકે તે માટે તેમને સમયસર પુસ્તકો પહોંચતા નથી. એકબાજુ સરકાર વાંચશે ગુજરાત, ભણશે ગુજરાતના નારા લગાવી કરોડો રૂપિયાનું આંધણ કરીને સરકારી કાર્યક્રમો યોજે છે, પરંતુ જમીની સ્તરે તેનો અમલ થવામાં ભારે લાલિયાવાડી જોવા મળી રહી છે.
આવું જ કંઈક, આદિવાસી વિસ્તાર એવા વાંસદામાં જોવા મળી રહ્યું છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષણની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંની બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પ્રારંભના એક મહિના બાદ પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી.
આ પણ વાંચો: મોદીરાજમાં ED એ 6444 કેસ નોંધ્યા, સજા માત્ર 56માં થઈ!
આ ગંભીર મુદ્દે વાંસદા તાલુકાના સરપંચો દ્વારા એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરપંચોએ આક્ષેપ કર્યો છે કે, વાંસદા તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના ગરીબ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પરંતુ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય જેવી પાયાની સુવિધાઓ આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે.
આવેદનપત્રમાં શું કહેવામાં આવ્યું?
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર બાલવાટિકાના ‘પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમોમાં ધામધૂમથી ફોટોસેશન કરાવે છે, પરંતુ બાળકોને જરૂરી પાયાની સગવડો પૂરી પાડવામાં જરાય રસ દાખવતી નથી. તંત્ર પોતાના સ્વાર્થના કામોમાં અને બિનઉપયોગી સરકારી પ્રોગ્રામોમાં એટલું વ્યસ્ત છે કે ગરીબ બાળકોના શિક્ષણ પર તેની માઠી અસર પડી રહી છે.
આ પણ વાંચો: ‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’
સરપંચે જણાવ્યું હતું કે ‘સરકાર ખાનગી શાળાઓને મહત્વ આપી રહી છે અને સરકારી શાળાના ગરીબ બાળકોના ભવિષ્યનું શોષણ કરી રહી છે. જો સરકાર જાગશે નહીં, તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.’
સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
સરપંચોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં સાચી શિક્ષણ નીતિ અમલમાં મૂકીને બાળકોને પુસ્તકો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર લડત આપશે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ ઊંઘતું તંત્ર જાગે છે કે કેમ?
આ પણ વાંચો: નસવાડીમાં આદિવાસી બાળકો 13 વર્ષથી ઝૂંપડામાં બેસી ભણે છે!










