બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્યકાર માયાભાઈ આહીરે કરેલા નિવેદન બાદ માફી માગ્યા બાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કોળી યુવક નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ નવનીત બાલધિયાની મદદે કોળી સમાજના આગેવાને અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી.

આ મામલે યોગ્ય તપાસ માટે હીરા સોલંકીએ અન્ય કોળી સમાજના ધારાસભ્યોને સાથે રાખી સોમવારે ગાંધીનગર હર્ષ સંઘવીને રજૂઆત કરવાની જાહેરાત કરી છે. નવનીત બાલધિયા સાથે મુલાકાત બાદ હીરા સોલંકીએ કહ્યું હતું કે, હું એવું કરીને જવાનો છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે. સાથે કહ્યું હતું કે, આ મામલામાં પોલીસ ગુનેગારોને બચાવવાનો પ્રયાસ ન કરે.
આ પણ વાંચો: બે પ્રોફેસરોએ દલિત વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવી દીધી

માયાભાઈ આહીરના પુત્ર જયરાજે કાવતરું કર્યુંઃ નવનીત બાલધિયા
બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ ગઈકાલે હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, “મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું.
જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું, તેમણે જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.”
કોળી સમાજના ‘ભાઈ’ ધારાસભ્ય હીરા સોલંકી મેદાનમાં ઉતર્યા
આ સમગ્ર ઘટનામાં હવે રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી મેદાનમાં ઉતર્યા છે. ગઈકાલે તેઓ મહુવાની હનુમંત હોસ્પિટલે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ એકત્ર થયા હતા. હીરા સોલંકીએ નવનીત બાલધિયા સાથે મુલાકાત કરી તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ કોળી સમાજનો ચાળો ન કરે એવું કરીશ.
આ પણ વાંચો: ‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’
પોલીસે હુમલામાં માયાભાઈના પુત્રની સંડોવણીનો ઈન્કાર કર્યો
નવનીત બાલધિયા પર આઠ શખસો દ્વારા કરવામાં આવેલા હુમલા મામલે ડીવાયએસપી રીમાબા ઝાલાએ જણાવ્યું હતું કે, નવનીત બાલધિયા રેતી ચોરી અને દારૂના ધંધા અંગે બાતમી આપતા હોઈ તેનો ખાર રાખી તેના પર હુમલો કરાયો છે. આઠ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે અન્ય સાત આરોપીઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે. માયાભાઈ આહીરના નિવેદન સાથે આ હુમલાનું કનેકશન હોય એવા પોલીસને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
બગદાણા પીઆઈની રાતોરાત બદલી કરી દેવાઈ
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં પોલીસ કામગીરીને લઈ સવાલો ઉઠાવ્યાના ગણતરીના કલાકોમાં જ બગદાણાના પી.આઈ. ડી.વી. ડાંગરને બદલી કરી લિવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. જ્યારે તેમના સ્થાને મહુવા પીઆઈ કે.એસ.પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. સવાલ એ થાય કે, જો પોલીસ તેની કામગીરી યોગ્ય રીતે બજાવી રહી હતી, તો પછી શા માટે તેમની બદલી કરાઈ. પીઆઈની બદલીએ આ સમગ્ર પ્રકરણમાં દાળમાં કંઈક કાળું હોવાની વાતને વેગ આપ્યો હતો.
આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’












