ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોના જ કામ ન થતા હોય તો પ્રજાના કામ તો ક્યાંથી થાય?- આ સવાલ એટલા માટે થાય છે, કેમ કે વડોદરા ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ તેમના કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે. વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ સામૂહિક રીતે એક પત્ર લખી મુખ્યમંત્રીને જિલ્લાની વાસ્તવિક સ્થિતિની ચિતાર બતાવ્યો છે. બીજી તરફ એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે અધિકારીઓ કોનું કામ નથી કરતાં પ્રજાનું કે નેતાઓનું?
પાંચેય ધારાસભ્યોએ રોષ ઠાલવતાં પત્રમાં લખ્યું છે કે, ‘હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવા જેવું બની ગયું છે.
રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે. અધિકારીઓ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવે છે, સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે.’
આ પણ વાંચો: આંબેડકર હોલની દિવાલ તોડી જાતિવાદીઓએ અંદર દુકાનો બનાવી!
અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે- ધારાસભ્યો
પત્રમાં પાંચેય ધારાસભ્યોએ લખ્યું છે કે, ‘પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી, ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી? આ પ્રમાણેની ખરાબ માનસિકતાએ સુચારુ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી.’
અધિકારીઓએ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી
પત્રમાં આગળ જણાવાયું છે કે, ‘વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી- પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે’
આ પણ વાંચો: નસવાડીમાં આદિવાસી બાળકો 13 વર્ષથી ઝૂંપડામાં બેસી ભણે છે!
પત્રને સ્થાનિક સ્તરે બળવાના સંકેત તરીકે જોવાઈ રહ્યો છે
વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લાના સરકારી અધિકારીઓ કામો કરતા નથી તે અંગેની સામૂહિક ફરિયાદ કરતા તેને ભાજપમાં આંતરિક સ્તરે બળવાના સંકેત તરીકે પણ રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે કોર્પોરેશનનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે ધારાસભ્યોના આ બળવા સૂર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
આગામી દિવસોમાં પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે જ આ બળવાના સૂર ઉઠતા ભાજપનો આંતરિક ડખો ખૂલીને સામે આવી ગયો છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, જો ભાજપની સરકારમાં, ભાજપના ધારાસભ્યોના જ કામ ન થતા હોય, તો પ્રજાના કામ તો ક્યાંથી થશે?
આ પણ વાંચો: Vibrant Gujarat માં થયેલા MoU માંથી 5005 પડતા મૂકાયા












*સન્માનીય ધારાસભ્યો જી તમારા અન્યાય સામે જે કોઈ નિર્ણય લેવો હોય તો જલ્દી લઈ લ્યો કેમકે ગુજરાત
માં સત્તા પરિવર્તનની હવા ચારેકોર વાયુવેગે ફેલાઈ રહી છે! ધન્યવાદ સાધુવાદ! જયભીમ જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!