લોકોના ભવિષ્ય વિશે અલગ અલગ પ્રકારના દાવાઓ કરતા પ્રેમાનંદજી મહારાજના ઘરમાં આજે સવારે આગ લાગી ગઈ અને આખો ફ્લેટ બળીને ખાક થઈ ગયો હતો. વૃંદાવનમાં કથિત સંત પ્રેમાનંદજી મહારાજના ફ્લેટમાં આજે રવિવાર, 11 જાન્યુઆરી 2026ના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે સમગ્ર સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં ફ્લેટનું તમામ સામાન, ફર્નિચર, ધાર્મિક વસ્તુઓ અને ઘરવખરી બળીને રાખ થઈ ગઈ. સદભાગ્યે મહારાજ છેલ્લા એક મહિનાથી શ્રી રાધાહિત કાલીકુંજમાં રહે છે, એટલે કોઈ જાનહાનિ થઈ નથી.
આગ પ્રેમાનંદજી મહારાજના શ્રીકૃષ્ણ શરણમ સોસાયટીના છટીકરા માર્ગ પર આવેલા ફ્લેટ નં. 212માં લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સૌથી પહેલા ધુમાડો નીકળ્યો અને થોડી જ મિનિટોમાં આખો ફ્લેટ આગની ઝપટમાં આવી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લોકોએ સાથે મળીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાતાં ફાયર બ્રિગેડ અને પોલીસને બોલાવવામાં આવી હતી. ફાયર ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ફ્લેટનો મોટાભાગનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં આગનું કારણ વીજ શોર્ટ સર્કિટ હોવાનું જણાયું છે, પરંતુ ફાયર વિભાગે વિગતવાર તપાસ શરૂ કરી છે. આર્થિક નુકસાન ભારે થયું છે.
આ પણ વાંચો: છેલ્લાં 13 વર્ષમાં 20 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી
પ્રેમાનંદજી મહારાજના સેવકોએ અભદ્ર વર્તન કર્યું
આગની ઘટના બની તે દરમિયાન પ્રેમાનંદજી મહારાજના સેવાદારોએ હાજર લોકો, પોલીસ અને ફાયરકર્મીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. સેવકોએ કેટલાક રહેવાસીઓના મોબાઈલ છીનવી લીધા હતા અને મદદ કરવા આવેલા લોકોને પણ અંદર જતા અટકાવ્યા હતા. જેને લઈને અનેક શંકા-કુશંકાઓ પેદા થઈ હતી. સેવકોની આ દાદાગીરીને કારણે આ સ્થળે તણાવ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ પોલીસ પાસે સેવાદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે તપાસની ખાતરી આપી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા
સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો અને ફોટા વાયરલ થયા છે. લોકો ધાર્મિક સ્થળોમાં આગ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સોસાયટીમાં વધુ સુરક્ષા માટે માંગ કરી રહ્યા છે. મહારાજના ભક્તોમાં ચિંતા છે, પરંતુ જાનહાનિ ન થવાથી રાહત છે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર બાબાઓના ભવિષ્યવેત્તા હોવાના દાવાઓની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો: જાદુ-ટોણાંની શંકામાં આદિવાસી દંપતિને ઘરમાં જીવતું સળગાવી દીધું!










