મહેસાણામાં એક દલિત યુવકને પ્રેમ પ્રકરણની અદાવતમાં કેટલાક પટેલ યુવકોએ અપહરણ કરી ઢોર માર માર્યો છે. આરોપ છે કે, આરોપીઓએ દલિત યુવકના મોં પર પેશાબ કર્યો હતો અને તેની ચામડી ઉતરી જાય એ હદે માર માર્યો હતો. આ મામલે પોલીસે હજુ પણ ફરિયાદ ન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, 13 ઓક્ટોબર 2026ના રોજ સવારે સિદ્ધપુર તાલુકાના ગોગલાસણ ગામનો દલિત યુવક જયમીનકુમાર નરેન્દ્રભાઈ રાઠોડ પોતાના કામ અર્થે મહેસાણા જવા માટે નીકળ્યો હતો. એ દરમિયાન ઊંઝા બ્રિજ પાસે અચાનક તેમનું એકટીવા ખરાબ થઈ ગયું હતું. જેથી જયમીનકુમાર પોતાનું વાહન રીપેર કરાવવા ઊંઝા બ્રિજ નીચે આવેલા સીએનજી પેટ્રોલ પંપ પાસે ઉભો હતો. તે સમયે અચાનક તેમનો પીછો કરી રહેલા કેટલાક માથાભારે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રેમ સંબંધના બહાના હેઠળ તેની સાથે તકરાર શરૂ કરી દીધી હતી.

મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ જયમીનને બળજબરીપૂર્વક ઉપાડી લઈને તેનું અપહરણ કરીને નજીકની એક ફેક્ટરીમાં લઈ ગયા હતા. ફેક્ટરીની બંધ દીવાલો વચ્ચે પિયૂષ પટેલ, સુનીલ પટેલ, મોક્ષ પટેલ અને મનીષ પટેલ તેમજ તેમના અન્ય સંબંધીઓ સહિતના ઈસમોએ જયમીનને ઘેરી લીધો હતો. ત્યારબાદ આ પાંચેય ઈસમોએ વાયરના મોટા ડૂચા અને હાથમાં આવે તે તમામ હથિયારો વડે તેને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.
ઢોર માર માર્યા બાદ મોં પર પેશાબ કર્યો!
આ ઘટનામાં આ તત્વોએ દ્વારા અત્યાચારની તમામ સીમાઓ વટાવી દીધી હતી. જયમીનના જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેના શરીર પર અનેક જગ્યાએ ચામડી ઉતરી ગઈ હતી. આરોપીઓએ તેના મોં પર પેશાબ કરીને અત્યંત ખરાબ અને નીચલી કક્ષાની ભાષામાં જાતિવિરુદ્ધ ગાળો બોલી, તેની ‘ચામડી ઉખાડી નાખવાની’ ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ જયમીનનું ગળું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જ્યારે આરોપીઓ ફેક્ટરીમાં જયમીન પર અત્યાચાર ગુજારી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે જ તેના મોબાઈલ ફોન પર તેના ભાઈનો ફોન આવ્યો હતો. આરોપીઓએ ફોન ઉપાડતાં જ સામા છેડે તેના ભાઈને જયમીનનું અપહરણ થયું હોવાની અને તેને ફેક્ટરીમાં ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હોવાની જાણ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ મહેસાણામાં દલિતોના શબ સ્મશાન પહોંચે તે જાતિવાદીઓને મંજૂર નથી!

ઢોર માર માર્યા બાદ પોલીસ સ્ટેશને લઈ ગયા
પોતાનું અપહરણ અને અત્યાચારનું કૃત્ય ખુલ્લું પડી ગયું હોવાની જાણ થતાં અને ભવિષ્યમાં કાયદાકીય શિકંજામાંથી બચવાના ઈરાદાથી, આરોપીઓ ઢોર માર માર્યા બાદ જયમીનને ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. આ સમયે આરોપીઓએ તેનો મોબાઈલ ફોન અને એકટીવા પણ બળજબરીથી છીનવી લીધી હતી.
સમગ્ર મામલે ઊંઝા પોલીસની ભૂમિકા સામે પણ અત્યંત ગંભીર આરોપો લાગ્યા છે. પીડિત યુવકને આટલી હદે ઢોર માર મારવામાં આવ્યો હોવા છતાં, પોલીસે તેને સારવાર આપવાની કે બનાવ અંગે પૂછપરછ કરવાની જગ્યાએ, આરોપીઓના કહેવાથી જ પોલીસ કસ્ટડીમાં પૂરી દીધો હોવાનો આક્ષેપ પીડિત અને તેના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.
ધારપુર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી
જયમીનના પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ તુરંત જ ઊંઝા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી જયમીનને પ્રથમ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ઊંઝા સિવિલ ખાતે યુવકની શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર જણાતાં, તબીબોએ તેને વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
હાલમાં ભોગ બનનાર જયમીન રાઠોડની શારીરિક હાલત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આટલા કલાકો વીતી ગયા હોવા છતાં, હજુ સુધી આ ગંભીર ગુના સંબંધે આરોપીઓ વિરુદ્ધ કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી કે તેમની ધરપકડ પણ કરવામાં આવી નથી. ન્યાય માટે વલખાં મારતા પીડિત પરિવારે કાયદાકીય કાર્યવાહી અને આરોપીઓ સામે સખતમાં સખત પગલાં ભરાય તેવી ગુહાર લગાવી છે.
(નોંધ: આ માહિતી પ્રાપ્ત સૂત્રો દ્વારા મળી છે. ઘટના અંગે કાયદાકીય FIR કે સત્તાવાર પોલીસ નિવેદનની તપાસ પ્રક્રિયા હાલ ચાલુ છે.)
આ પણ વાંચોઃ મહેસાણામાં દલિત વિદ્યાર્થીને 4 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો











