ધ્રાંગધ્રાનું સોલડી ગામ બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં ઉતર્યું

ધ્રાંગધ્રાના સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટની મંજૂરી મળતાં લોકો રોષે ભરાયા; સરપંચ સહિત ગામલોકો અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર ઉતર્યા!
soldi biomedical waste plant protest

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા સોલડી ગામે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટની મંજૂરી આપવામાં આવતાં ગામલોકો અને ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 2 વર્ષથી સતત વિરોધ પ્રદર્શન કરવા છતાં અને તંત્ર તેમજ સરકારમાં રજૂઆતો કરવા છતાં પણ આ પ્લાન્ટને પરવાનગી આપી દેવામાં આવતાં સ્થાનિક લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાના ગામ, જમીન અને પર્યાવરણને બચાવવા માટે હવે સોલડી ગામના લોકોએ અનિશ્ચિતકાળના ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ગામના સરપંચ સહિતના તમામ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અન્ન અને જળનો ત્યાગ કરીને અનશન પર બેસી ગયા છે.

અન્ન-જળનો ત્યાગ કર્યો, મંજૂરી રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન

સોલડી ગામમાં આયોજિત ભૂખ હડતાળના આંદોલનમાં સરપંચ અને અન્ય ગ્રામીણ આગેવાનોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા છે. આંદોલનકારીઓની એક જ સ્પષ્ટ અને મક્કમ માંગ છે કે જ્યાં સુધી તંત્ર કે સરકાર દ્વારા આ બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને રદ કરવાનો લેખિત પરિપત્ર આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ આંદોલન યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો: NEET-UG 2024 પેપર લીકમાં મુખ્ય આરોપીને CBIએ નિર્દોષ છોડ્યો!

સરપંચે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્ય, મંત્રીઓ, કલેક્ટરથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ વહીવટી તંત્ર દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેની કંપનીને સ્થાપિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્લાન્ટ કાર્યરત થવાથી આસપાસની જમીન, વાતાવરણ અને પશુધનને ગંભીર નુકસાન પહોંચશે. તેમણે કડક શબ્દોમાં ચીમકી આપી છે કે મંજૂરી રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

20થી વધુ ગામોની ફળદ્રુપ જમીન પર જોખમ

સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોનો દાવો છે કે જો આ મેડિકલ વેસ્ટ પ્લાન્ટ અહીં તૈયાર થશે તો સોલડી અને તેની આસપાસ આવેલા 20થી વધુ ગામોની ફળદ્રુપ ખેતીલાયક જમીનો સંપૂર્ણપણે બંજર બની જશે. આ નિર્ણયથી સોલડી, જીવા, ચુલી, ગોપાલગઢ, જસાપર, નારીચાણા, બાયસાબગઢ જેવા અનેક ગામોની જમીનોને સીધી ને નકારાત્મક અસર થશે.

ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા તાલુકાનો આ ચોક્કસ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો બાગાયત પાક ધરાવતો સમૃદ્ધ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં મોટા પાયે બાગાયતી ખેતી થતી હોવાથી ઝેરી કચરા અને પ્રદૂષણને કારણે હજારો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ જવાની અને જમીન તેની ફળદ્રુપતા ગુમાવી દેવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: મુંદ્રામાં દલિત વૃદ્ધને દરબાર શખ્સે ગાળો ભાંડી થપ્પડ મારી

10,000થી વધુ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે મોટો ખતરો

પર્યાવરણ અને ખેતી સિવાય આ પ્લાન્ટને કારણે માનવ સ્વાસ્થ્ય સામે પણ મોટો ખતરો ઊભો થયો છે. જે સ્થળે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેની સાવ નજીકમાં જ શાળાઓ આવેલી છે. આ શાળાઓ અને શૈક્ષણિક સંકુલોમાં હાલ 10,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

બાયોમેડિકલ કચરામાંથી નીકળતા ઝેરી વાયુઓ, પ્રવાહી અને ચીકણા કેમિકલયુક્ત પ્રદૂષણને કારણે આ માસુમ બાળકો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર બીમારીઓનો ભય તોળાઈ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થા આસપાસ જ આવો ઝેરી પ્લાન્ટ ઊભો કરવાના નિર્ણય સામે વાલીઓમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ

તંત્ર સમક્ષ 2 વર્ષથી રજૂઆતો છતાં ઉપેક્ષા

સોલડી ગામના લોકોએ અત્યંત નિરાશા સાથે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 2 વર્ષથી આ ઘાતક પ્લાન્ટ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી (TDO), જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્યથી માંડીને રાજ્યના મુખ્યમંત્રી સુધી દરેક સ્તરે લેખિત રજૂઆતો અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. પરંતુ વહીવટી તંત્ર અને સરકારે ગ્રામજનોની એક પણ ન્યાયી રજૂઆત ધ્યાને લીધી નથી અને આખરે પ્લાન્ટને લીલી ઝંડી આપી દીધી છે.

તંત્રનો આ નિર્ણય ગામના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા સમાન છે. હાલમાં સોલડી ગામમાં ભારે તંગદિલી અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્ર વહેલી તકે આ નિર્ણય પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં આસપાસના 20 ગામોના ખેડૂતોને સાથે રાખીને રસ્તા રોકો સહિતનું મોટું અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો: એટ્રોસિટીનો મજબૂત કાયદો છતાં ન્યાય કેમ નથી મળતો?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Jeshingbhai Vadher
Jeshingbhai Vadher
2 hours ago

કોઈ પણ ભોગે આ પ્લાન્ટ અહીં સોલડી ગામમાં ને થવો જોઈએ અને એના માટે આજુબાજુના ગામના લોકો લડત આપવા કટિબદ્ધ છે.

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x