લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ

અમદાવાદમાં પોતાના બે પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં ડૉ. આંબેડકરના વિચારો અને બહુજન સમાજની આઝાદી પર પ્રો. ડૉ. લક્ષ્મણ યાદવનું ધમાકેદાર ભાષણ.
laxman-yadav-speech-gujarat-democracy-ambedkar
laxman-yadav-speech-gujarat-democracy-ambedkar

દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને જાણીતા ચિંતક પ્રો. લક્ષ્મણ યાદવે અમદાવાદની ધરતી પરથી દેશના વર્તમાન સામાજિક, આર્થિક અને રાજકીય માહોલ પર આકરા પ્રહાર કરતા એક તેજાબી ભાષણ આપ્યું હતું. પોતાના બે પુસ્તકોના વિમોચન પ્રસંગે ગુજરાતના સામાજિક કાર્યકરો અને આગેવાનો દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે દેશની વર્તમાન શાસનવ્યવસ્થા, બંધારણીય મૂલ્યો પર થતા હુમલા અને સામાજિક ન્યાયના પડકારો પર તીખા પ્રહારો કર્યા હતા.

લોકશાહી પરનું સંકટ અને ગુજરાતનો અનુભવ

વક્તવ્યની શરૂઆતમાં જ પ્રો. લક્ષ્મણ યાદવે ગુજરાતની રાજકીય સ્થિતિ પર સીધો કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં આજે જે લોકશાહી અને બંધારણ પર સંકટ આવી પડ્યું છે તેની ગંભીરતાથી ગુજરાતના લોકો સાવ અજાણ નથી. દેશના અન્ય રાજ્યો કદાચ છેલ્લા 10-13 વર્ષથી આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે, જ્યારે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી આ પ્રકારની શાસનવ્યવસ્થા અને સામાજિક તાણાવાણાનો સામનો કરી રહી છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘ફેશન’ નહીં પણ ન્યાયનું ‘પેશન’

દેશના નેતાઓ દ્વારા સંસદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામનો સતત ઉપયોગ કરવા અંગે તેમણે ભારે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો સંસદમાં જઈને ડૉ. આંબેડકરનું નામ લે છે. પરંતુ આ દેશના અબજો વંચિતો, દલિતો અને આદિવાસીઓ માટે બાબાસાહેબનું નામ લેવું એ કોઈ ‘ફેશન’ નથી, પરંતુ આ દેશના કરોડો લોકો માટે સમાનતા અને ન્યાય મેળવવાનું ‘પેશન’ છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે કરોડો લોકોને નરકથી પણ બદતર જીવનમાંથી મુક્ત કરીને દેશને સમાનતા આધારિત બંધારણ આપ્યું છે. તેથી તેમના વિચારો સાથે સત્તાધીશો રમત કરી શકે નહીં.

આ પણ વાંચોઃ ડૉ. લક્ષ્મણ યાદવ આવતીકાલે અમદાવાદમાં, બહુજન લડતને મળશે નવું બળ

‘ભાગલા પાડો અને રાજ કરો’ની મનુવાદી માનસિકતા

બ્રિટિશ શાસન અને વર્તમાન સામાજિક પૂર્વગ્રહો પર પ્રકાશ પાડતા તેમણે બહુજન સમાજને જાગૃત થવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અંગ્રેજો બહારથી લાવ્યા નહોતા. આ દેશમાં હજારો વર્ષોથી મનુવાદી માનસિકતા ધરાવતા તત્વો સમાજને જ્ઞાતિઓમાં વહેંચવાનું કામ કરી રહ્યા હતા અને અંગ્રેજોએ માત્ર તે જ માનસિકતાનો ઉપયોગ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, વર્તમાન શાસકો બહુજન સમાજની એકતા તોડવા માટે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવશે. પહેલા OBC ને OBC સામે લડાવશે, પછી OBC ને SC સાથે અને SC ને ST સાથે લડાવીને અંતે લઘુમતીઓ સામે ઊભા કરી દેશે. જો બહુજન સમાજ પોતાની આંતરિક જ્ઞાતિગત તિરાડો ભૂલીને એક નહીં થાય, તો વારાફરતી સૌના અધિકારો અને સામાજિક સુરક્ષા છીનવાઈ જશે.

જાતિ જનગણના અને સત્તાના દુરુપયોગ સામે પ્રશ્ન

દેશમાં ‘જાતિ જનગણના’ (Caste Census)ની માગને વ્યાજબી ઠેરવતા પ્રો. યાદવે કહ્યું કે, આ ગણતરી સમાજને તોડવાનો નહીં પરંતુ તમામ શોષિત અને વંચિત વર્ગોને જોડવાનો ફોર્મ્યુલા છે. આંકડા બહાર આવશે ત્યારે જ દરેક જાતિને તેની વસ્તીના આધારે સાચો અધિકાર અને પ્રતિનિધિત્વ મળી શકશે.

આ સાથે જ તેમણે સત્તા અને તાકાત ધરાવતા સમાજોને અરીસો બતાવતા કહ્યું કે, જો તમારી લાઠી કે સત્તામાં ખરેખર તાકાત હોય તો તેનો ઉપયોગ ક્યારેય કમજોર કે ગરીબ પર અત્યાચાર કરવા માટે ન થવો જોઈએ. તમારી શક્તિ જ્યારે શોષણ સામે અને કમજોર નાગરિકના પક્ષમાં ઊભી રહે, ત્યારે જ તમને સાચા બળશાળી માનવામાં આવશે.

આ પણ વાંચોઃ શરૂઆત બુકસ્ટોર : જ્ઞાન અને જાગૃતિનું એક અનોખું સ્થળ

એક રંગના ફૂલોનો બગીચો ક્યારેય ન હોઈ શકે

દેશમાં હાલ ચાલી રહેલી ‘એક દેશ, એક ચુંટણી’ અને સાંસ્કૃતિક એકરૂપતા લાવવાની કોશિશ સામે કવિતાના માધ્યમથી કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, કોઈ બગીચામાં ક્યારેય માત્ર એક જ રંગના ફૂલ હોઈ શકે નહીં. જો બગીચાને એકરંગી બનાવવાનો પ્રયાસ થશે તો તે બગીચાની કુદરતી સુંદરતા નષ્ટ થઈ જશે. તેવી જ રીતે ભારત દેશની વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને જ્ઞાતિઓની વિવિધતા જ આ દેશની સાચી તાકાત છે.

બળવો અને સત્યનો અવાજ

આપખુદશાહી અને તાનાશાહી સામે દેશના નાગરિકોને મક્કમતાથી ઊભા રહેવા આહ્વાન કરતા તેમણે ભાષણના અંતે વિપ્લવી સુરો વહાવ્યા હતા. જે.પી. આંદોલનના ઐતિહાસિક નારાનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “સચ કહેના અગર બગાવત હે તો સમજો હમ ભી બાગી હે”.

સામાજિક ન્યાય અને અધિકારોની આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે તેમ જણાવી તેમણે “જય ભીમ, જય મંડળ, જય બંધારણ અને ઇંકલાબ ઝિંદાબાદ” ના નારા સાથે પોતાના ક્રાંતિકારી વક્તવ્યની પૂર્ણાહુતિ કરી હતી. પ્રો. લક્ષ્મણ યાદવનું આ તેજાબી ભાષણ હાલ સમગ્ર ગુજરાત અને દેશના બહુજન સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે.

(તમામ ફોટોઃ પિયુષ સોલંકી)

આ પણ વાંચોઃ કર્ણનું આરોપનામુંઃ જયેશ વરિયાનું આ પુસ્તક કેમ ચર્ચામાં છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Natubhai Parmar
Natubhai Parmar
2 hours ago

ખૂબ સરસ ઉપક્રમ રહ્યો.
સૌ વક્તાઓ સરસ બોલ્યા.
આયોજકોને અભિનંદન.
આ જ સમય છે આવા કાર્યક્રમો માટેનો.
આપનું આ સંકલન પણ પ્રશંસનીય છે.

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x