ઘરમાં ઘૂસી એક દલિત દીકરીને ઉપાડી ગયા, બીજીની હત્યા કરી?

જાતિવાદી તત્વો દલિત પિતાની ગેરહાજરીમાં તેમના ઘરમાં ઘૂસી ગયા. એ પછી એક દીકરીની હત્યા કરી નાખી અને બીજી દીકરીને ઉપાડીને પોતાની સાથે લઈ ગયા?
dalit girl

જે રામ રાજ્યને પીએમ મોદી, યોગી આદિત્યનાથ સહિત સંઘ પરિવાર અને ભાજપના નેતાઓ આખા દેશમાં સ્થાપવાની હિમાયત કરી રહ્યાં છે, તે કહેવાતા રામ રાજ્યમાં દલિતોની હાલત કેવી હશે તેના વિશે સૌ જાણે છે. જો કે, તેની ચરમસીમા કેવી હોય અને આ કહેવાતા રામરાજ્યમાં કઈ હદે કાયદો વ્યવસ્થાના છોતરાં ઉડી જતા હોય છે તેનો આ હૃદયદ્રાવક ઘટના પુરાવો છે.

મામલો જાતિવાદ અને સવર્ણોની ખુલ્લેઆમ દાદાગીરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)નો છે. અહીંના કાસગંજ(Kasganj)માં એક ગરીબ દલિત પરિવારની એક દીકરીની જાતિવાદી લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં આરોપીઓ બીજી દીકરીને ઉપાડીને લઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, બંને દીકરીઓ સગીર છે અને થોડા દિવસ પહેલા જ આરોપીઓ તેમનું અપહરણ કરી ગયા હતા અને ચાર દિવસ સુધી બંનેને ગોંધી રાખી હતી. એ પછી બંને પરત ફરતા દીકરીનો પરિવાર પોલીસ ફરિયાદ ન કરે તે માટે આરોપી સવર્ણ જાતિના લોકોએ પંચાયત બોલાવી હતી અને દીકરીઓના પિતાને બળજબરીથી સમાધાન કરાવી દીધું હતું. જો કે, એ પછી પણ આરોપીઓની દાદાગીરી અટકી નહોતી અને તેઓ પરી દીકરીઓના ઘરે પહોંચી ગયા હતા અને તેમને ઉપાડી જવાની ધમકી આપી હતી. અને એવું જ થયું હતું. બંને સગીરાઓ ઘરે એકલી હતી, પરિવાર ખેતરમાં કામ કરવા ગયો હતો ત્યારે આરોપીઓ ઘરે પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પહેલા એક દીકરીની હત્યા કરી નાખી હતી અને પછી બીજી દીકરીને ઉપાડીને લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા દીકરીના પિતા અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

કાસગંજના નગલા હંસી ગામની ઘટના

ઘટના કાસગંજના સિકંદરપુર વૈશ્ય પોલીસ સ્ટેશનમાં આવતા નગલા હંસી ગામની છે. અહીં જાતિવાદી તત્વોએ ગરીબ દલિત પરિવારની સગીર દીકરીનું અપહરણ કર્યું અને નાની પુત્રીની હત્યા નાખી. હત્યારાઓ દીકરીના મૃતદેહને ખાટલા પર મુકીને ભાગી ગયા હતા. માહિતી મળતાં જ ASP, CO અને SHO ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનો અને પરિવારના સભ્યો પાસેથી માહિતી એકત્રિત કર્યા પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પરિવારજનો ભારે રોકકળ કરી રહ્યાં છે. આરોપ છે કે, ગામના જ બે યુવકોએ એક દીકરીની હત્યા કરી છે અને બીજીને ઉપાડીને લઈ ગયા છે. આ યુવકોએ બે દિવસ પહેલા પણ દીકરીઓને ઉપાડી જવાની જાહેરમાં ધમકી આપી હતી.

દીકરીઓના પિતા ભગવાન સિંહ સિકંદરપુર વૈશ્યના નગલા હંસી ગામના રહેવાસી છે. દલિત ભગવાનસિંહને પાંચ દીકરીઓ છે, પણ કોઈ દીકરો નથી. શનિવારે, ભગવાન સિંહ અને તેમની પત્ની ગીતા દેવી તેમના ઘરથી છ કિલોમીટર દૂર આવેલા તમાકુના ખેતરે ગયા હતા. ઘરમાં ફક્ત બે દીકરીઓ, 12 વર્ષની સંગમ અને 15 વર્ષની મનીષા હાજર હતી. જ્યારે બીજી બે દીકરીઓ શાળાએ ગઈ હતી.

જ્યારે ભગવાનસિંહ ખેતરેથી પાછા ફર્યા ત્યારે 12 વર્ષની સંગમ મૃત હાલતમાં ખાટલા પર પડી હતી અને બીજી દીકરી મનીષા ગાયબ હતી. સંગમના શરીર પર ઈજાના નિશાન હતા. ભગવાનસિંહે જણાવ્યું કે તેમની પુત્રીની હત્યા કર્યા પછી આરોપીઓએ તેમની મોટી પુત્રીનું અપહરણ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની સવર્ણ જાતિના (દર વખતની જેમ મીડિયાએ આ કેસમાં પણ આરોપીઓ કઈ જાતિના છે તે બાબત છુપાવી છે. એટલું જ નહીં, આરોપીઓના નામનો પણ ઉલ્લેખ નથી કર્યો.) યુવાનોએ તેમની પુત્રીની હત્યા કરી છે અને મોટી પુત્રીનું અપહરણ કરીને સાથે લઈ ગયા છે.

ભગવાનસિંહે આગળ કહેલી વાત વધુ ચોંકાવનારી છે. તેમણે જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા પણ આરોપીઓ આજ રીતે તેમની દીકરીઓને ઉપાડીને લઈ ગયા અને ચાર દિવસ સુધી ગોંધી રાખી હતી. એ પછી ગામલોકોએ પંચાયત યોજીને બળજબરીથી સમાધાન કરાવી દીકરીઓ પરત અપાવી હતી.

ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા

આ મામલે એસપી અંકિતા શર્મા, એએસપી રાજેશ ભારતીની સૂચના પર સીઓ આરકે પાંડે ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગામલોકો અને પરિવારના સભ્યો પાસેથી ઘટના અંગે માહિતી એકત્રિત કરી અને ઘટનાસ્થળેથી ફોટોગ્રાફ્સ અને વીડિયોગ્રાફી સાથે પુરાવા એકત્રિત કર્યા છે. ટીમે કહ્યું કે એકત્રિત કરેલા પુરાવાઓને તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. લેબમાંથી રિપોર્ટ મળ્યા બાદ, આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાંચ બહેનોમાં મૃતક સંગમ ચોથા નંબરની હતી

ભગવાન સિંહને પાંચ પુત્રીઓ છે. મોટી દીકરી પૂજાના લગ્ન થઈ ગયા છે. બીજી દીકરી નિશા 18 વર્ષની છે. ત્રીજી પુત્રી મનીષા 15 વર્ષની છે અને તેનું અપહરણ કરાયું છે. જ્યારે 12 વર્ષની સંગમની હત્યા કરવામાં આવી છે. જ્યારે પાંચમી પુત્રી મુસ્કાન હજુ આઠ વર્ષની છે. ઘટના સમયે નિશા અને મનીષા શાળાએ ગયા હતા. આ ઘટનાને લઈને ભગવાન સિંહના પરિવારમાં સૌ કોઈ રડી રડીને બેહાલ થઈ ગયા છે અને સમગ્ર દલિતવાસ સહિત ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે.

મનીષાનું અગાઉ પણ અપહરણ થયું હતું

ભગવાન સિંહની મોટી પુત્રી પૂજાએ જણાવ્યું કે ચાર દિવસ પહેલા પણ ગામના બે યુવાનો મનીષાને ઉપાડી ગયા હતા અને તેને ચાર દિવસ સુધી તેમની સાથે રાખી હતી. એ પછી ગામલોકો પંચાયત ભરીને મનીષાને પરત લઈ આપી હતી. પૂજાએ જણાવ્યું કે, તે સમયે આરોપી યુવકોએ પંચાયતમાં કહ્યું હતું કે, હવે ફરી તેઓ આવું નહીં કરે. જો કે, તેના બીજા જ દિવસે તેમણે મનીષાને ઘરેથી ઉપાડી જવાની ધમકી આપી હતી અને ગઈકાલે શનિવારે તેને ઉપાડીને લઈ ગયા અને બીજી દીકરીની હત્યા કરી નાખી.

ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ ઘટનાસ્થળે પહોંચ્યા

આ ઘટનાની જાણ થતા જ ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેઓ પરિવારના સભ્યોને મળ્યા અને તેમને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ દરેક પગલે પરિવારની સાથે ઉભા રહેશે.

પોલીસે વહેલીતકે આરોપીઓને ઝડપી પાડવા આશ્વાસન આપ્યું

આ ઘટનાને લઈને સમગ્ર યુપીમાં હોબાળો મચેલો છે ત્યારે એએસપી રાજેશ ભારતીએ જણાવ્યું હતું કે ભગવાન સિંહની 12 વર્ષની પુત્રીનો મૃતદેહ ખાટલા પર પડેલો મળી આવ્યો છે. મોટી દીકરી ગુમ થઈ ગઈ છે, આ મામલાની તપાસ ચાલી રહી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ગામના કેટલાક યુવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. દીકરીના પિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવશે અને ટૂંક સમયમાં મામલો ઉકેલાઈ જશે.

ચંદ્રશેખર આઝાદે ટ્વિટ કરી ન્યાયની માંગ કરી

આ મામલે ભીમ આર્મી ચીફ અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝારે ટ્વિટ કરીને સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લાંબી પોસ્ટ કરીને આ મામલે યોગી સરકાર પાસે વહેલી તકે ન્યાયની માંગણી કરી છે. જેમાં તેમણે આખો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે વિનંતી કરી છે.

આ પણ વાંચો: આદિવાસીની શિષ્યવૃત્તિ મુદ્દે પ્રશ્ન કરાતા 4 આદિવાસી ધારાસભ્યો સસ્પેન્ડ

4.8 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
રાજેન્દ્ર સુતરીયા
રાજેન્દ્ર સુતરીયા
1 month ago

નરાધમોને સખતમાં સખત સજા થવી જોઈએ

તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x