34 વર્ષ પહેલા ફેક એન્કાઉન્ટર થયું, આદિવાસી મહિલાએ ન્યાય માટે જમીન વેચી દીધી

Adivasi News: 34 વર્ષ પહેલા થયેલા નકલી એન્કાઉન્ટરમાં પતિ ગુમાવ્યા બાદ પત્નીએ 2 એકર જમીન વેચીને પણ લડત ચાલુ રાખી. ન્યાય માટે એક આદિવાસી મહિલાની ગજબની હિંમત.
Adivasi News
પ્રતિકાત્મક તસવીર

Adivasi News: ન્યાય મેળવવા માટે કોઈ વ્યક્તિ કેટલી ધીરજ રાખી શકે, પોતાની પાસે રહેલું કેટલું દાવ પર લગાવી શકે અને કઈ હદે ઝનૂનને જાળવી રાખી શકે? – આ ત્રણેય સવાલોનો જવાબ એક ગરીબ આદિવાસી મહિલાએ એકલા હાથે પુરા પાડ્યા છે. Jansatta ના રિપોર્ટ મુજબ, છત્તીસગઢના જશપુર જિલ્લામાં ન્યાયની એક એવી કહાની સામે આવી છે જે સાંભળીને કદાચ કોઈપણનું હૃદય દ્રવી ઉઠે.

એક ગરીબ આદિવાસી પરિવાર જેણે ત્રણ દાયકા પહેલા પોતાના ઘરના મોભીને ગુમાવ્યા હતા, તે આજે પણ ન્યાય અને વળતર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. 26 માર્ચ 1992ના રોજ બનેલી એક કથિત એન્કાઉન્ટરની ઘટનાએ માત્ર એક વ્યક્તિનો જીવ જ નહોતો લીધો, પરંતુ એક આખા પરિવારનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દીધું હતું. હવે 34 વર્ષ પછી, છત્તીસગઢ હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરીને જિલ્લા કલેક્ટરને વળતરના આવેદન પર 45 દિવસમાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે.

એ કાળી રાત અને પોલીસની ભૂલ

ઘટના 26 માર્ચ 1992ની છે. જશપુર જિલ્લાના ડૂંગુર જોર ગામમાં કાનસાબેલ પોલીસ સ્ટેશનની એક ટીમ ઓપરેશન પર હતી. પોલીસે રામનાથ નાગવંશી નામના આદિવાસી યુવકને માઓવાદી હોવાની શંકાના આધારે ગોળી મારી દીધી હતી. રામનાથના ભાઈ રિમનાથ, જેઓ હાલ CPIના સ્થાનિક નેતા છે, તે દિવસને યાદ કરતા જણાવે છે કે, “મારી અને અન્ય કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મારો મોટો ભાઈ રામનાથ અને કેટલાક સંબંધીઓ અમારા માટે જમવાનું અને કપડાં લઈને આવ્યા હતા. તે સમયે પોલીસ સાથે બોલાચાલી થઈ અને પોલીસે તેમને ધક્કો મારીને દૂર હટાવવાનો પ્રયાસ કર્યો. ઘર્ષણ વધતા પોલીસે ગોળી ચલાવી અને મારા નિર્દોષ ભાઈનું સ્થળ પર જ મોત થયું.”

આ પણ વાંચો: બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

બાદમાં પોલીસ તપાસમાં અને કોર્ટમાં એ સાબિત થયું કે રામનાથ કોઈ નક્સલી કે માઓવાદી નહોતો. વર્ષ 2002માં, આ ઘટનાના 10 વર્ષ બાદ, કોર્ટે છ પોલીસકર્મીઓને ‘ગેર-ઈરાદે હત્યા’ (Culpable homicide not amounting to murder) ના દોષિત ઠેરવ્યા હતા. જોકે, દોષિતોને સજા મળી પણ પીડિત પરિવારને મળવું જોઈએ તેવું આર્થિક અને સામાજિક વળતર ક્યારેય મળ્યું નહીં.

Adivasi News

ન્યાયની કિંમત: 2 એકર જમીન અને વેરવિખેર પરિવાર

રામનાથના અવસાન બાદ તેના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. રિમનાથ જણાવે છે કે, “રામનાથ અમારા ઘરના રક્ષક હતા. તેમના ગયા પછી પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ ગયો. પોલીસ અને વહીવટીતંત્ર તરફથી કેસ પાછો ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું, પરંતુ અમે સત્ય માટે લડવાનું નક્કી કર્યું.”

આ કાયદાકીય લડાઈ લડવા માટે પરિવારે પોતાની જીવાદોરી સમાન 2 એકર જમીન વેચવી પડી. વકીલોની ફી, કોર્ટના ચક્કર અને દસ્તાવેજો પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ ગયા. આજે પરિસ્થિતિ એ છે કે રામનાથની પત્ની સંઝો બાઈ મજૂરી કરીને પેટિયું રળે છે. રામનાથના ત્રણ પુત્રોમાંથી બેનું નાની વયે જ અવસાન થઈ ગયું છે. ત્રીજો પુત્ર જે જીવિત છે, તેણે ગરીબીને કારણે અધવચ્ચેથી ભણતર છોડી દેવું પડ્યું અને તે પણ હવે મજૂરીકામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. 34 વર્ષના આ સંઘર્ષમાં પરિવારે પોતાની સંપત્તિ, સંતાનો અને સુખ બધું જ ગુમાવી દીધું છે.

આ પણ વાંચો: “તું ગંદી જાતિનો છે, તમે લોકો ખાસ છો એમ સમજો છો!”

હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો, પરિવારે એક કરોડનું વળતર માંગ્યું

થાકી હારીને સંઝો બાઈએ આખરે છત્તીસગઢ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. તેમણે દલીલ કરી કે તેમના પતિની હત્યામાં પોલીસની ભૂલ સાબિત થઈ ચૂકી હોવા છતાં, સરકારે તેમને આજ દિન સુધી કોઈ યોગ્ય વળતર આપ્યું નથી. તેમણે 1 કરોડ રૂપિયાના વળતરની માંગણી સાથે અરજી કરી છે. હાઈકોર્ટના જસ્ટિસ નરેશ કુમાર ચંદ્રવંશીએ આ અરજી પર સુનાવણી કરતા જશપુરના જિલ્લા કલેક્ટરને કડક સૂચના આપી છે કે તેઓ 45 દિવસની અંદર આ પરિવારના વળતર અંગે નિર્ણય લે. જશપુર કલેક્ટર રોહિત વ્યાસે આ મામલે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર હાઈકોર્ટના આદેશનું પાલન કરશે અને રાજ્ય સરકાર પાસે આ અંગે માર્ગદર્શન અને સ્પષ્ટતા માંગશે જેથી પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળી શકે.

આ કિસ્સો ભારતીય ન્યાયતંત્રના વિલંબ અને એક ગરીબ આદિવાસીના ન્યાય માટેના સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. શું 1 કરોડ રૂપિયા રામનાથના 34 વર્ષો અને તેના પરિવારની ગુમાવેલી જમીન પાછી લાવી શકશે? કદાચ નહીં, પણ આ વળતર સંઝો બાઈના અંતિમ દિવસોમાં થોડી રાહત ચોક્કસ લાવી શકે છે. હવે આખો આદિવાસી સમાજ અને માનવ અધિકાર કાર્યકર્તાઓ કલેક્ટરના 45 દિવસના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાતના 20 દલિત અત્યાચારોના પીડિતો એક મંચ પર હશે!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x