મહાકુંભ (Mahakumbh 2025) 144 વર્ષ પછી આવ્યો છે એવો ખોટો પ્રચાર કરીને ભારતની ધર્માંધ પ્રજાને વધુ અંધશ્રદ્ધાળુ બનાવીને મનુવાદીઓએ તેમાંથી રોકડી કરી લેવાની ચાલાકી કરી છે. એક સર્વે સામે આવ્યો છે અને તે ચોંકાવનારો છે. સર્વે મુજબ મહાકુંભમાં ગયેલા દર 10માંથી 9 લોકો કોઈને કોઈ મોરચે છેતરપિંડીનો ભોગ બન્યાં છે. જેમની પાસે રૂપિયાનો તોટો નથી તેવા લોકોએ ફ્લાઈટની ટિકિટમાં 300 ટકા સુધી વધારે ચૂકવવા પડ્યાં. તો 67 ટકા લોકોએ બોટ અને ટેન્ટમાં રહેવા માટે 4 ગણાં રૂપિયા ખર્ચ્યાં. જો કે, આટલી હદે ઉઘાડી લૂંટ છતાં ધર્માઁધ પ્રજા એ હદે આંધળીભીત થઈ ચૂકી છે કે તેઓ આ લૂંટ વિશે અવાજ ઉઠાવતી નથી.
આ પણ વાંચોઃ 80 કરોડ લોકો ગરીબ છે તો કુંભમાં 45 કરોડ કેવી રીતે પહોચ્યાં?
લોકલ સર્કલ્સ નામના કોમ્યુનિટી પ્લેટફોર્મ કુંભમાં જતા 49 હજાર લોકો પર કરેલા સર્વેમાં આ તમામ છેતરપિંડી સામે આવી છે. સર્વે મુજબ વિમાન દ્વારા કુંભ યાત્રા પર ગયેલા લોકોમાંથી માત્ર 13% લોકોએ સર્વેમાં જણાવ્યું હતું કે તેમણે કોઈ વધારાનો ચાર્જ ચૂકવ્યો નથી. જ્યારે ફ્લાઇટમાં મુસાફરી ન કરનારા ફક્ત 22% લોકોએ કહ્યું કે તેમને મુસાફરી અને અન્ય બાબતો પર વધારાનો ખર્ચ કરવાની જરૂર ન પડી.
28 જાન્યુઆરીના રોજ લોકલ સર્કલ્સ સાથે વાત કરતા, દર 10 કુંભ યાત્રાળુઓમાંથી 8એ જણાવ્યું હતું કે તેમણે મહાકુંભ માટે ફ્લાઇટ્સ બુક કરાવી હતી અને એરલાઇન્સે ટિકિટ માટે તેમની પાસેથી 3 થી 6 ગણું વધુ ભાડું વસૂલ્યું હતું. ત્યારબાદ 2 ફેબ્રુઆરી સુધી દિલ્હીથી પ્રયાગરાજનું ફ્લાઇટ ભાડું 40,000 રૂપિયાથી ઘટીને 15,000 રૂપિયા થયું, પરંતુ 11 ફેબ્રુઆરીથી, ભાડું ફરી વધ્યું.
આ પણ વાંચોઃ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા-વિડિયો ઓનલાઈન વેચાય છે?
10 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કુંભની આ મોંઘી યાત્રા અંગે સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. એરલાઇન્સ પર ધાર્મિક લાગણીઓનો લાભ લેવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાવ લોકોને તેમની શ્રદ્ધા અને પરંપરાના નામે લૂંટવા સમાન છે. તેમણે જણાવ્યું કે ચેન્નાઈથી પ્રયાગરાજનું ભાડું 53 હજાર રૂપિયા છે, કોલકાતા અને પ્રયાગરાજ વચ્ચે રાઉન્ડ-ટ્રીપનો ભાવ 35 હજાર રૂપિયા છે, જ્યારે હૈદરાબાદ, દિલ્હી અને મુંબઈની ટિકિટનો ભાવ 47.5 હજાર રૂપિયા સુધીનો છે. જોકે, કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સંસદમાં જણાવ્યું હતું કે ઊંચા ભાડા ઊંચી માંગને કારણે છે.
આ પણ વાંચોઃ મહાકુંભના નામે ‘ડિજિટલ સ્નાન’નો ધંધો, ફોટો ડૂબાડો પાપ ધુઓ
બીજી તરફ ફ્લાઇટના ભાવ ઉપરાંત પ્રયાગરાજમાં લોકોને રહેવા માટે ગોઠવવામાં આવેલા ટેન્ટ અને બોટના ભાડામાં પણ વધારો થયો છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ અને 3 ફેબ્રુઆરીએ વસંત પંચમી જેવા ખાસ દિવસોમાં આ વધારો સૌથી વધુ હતો. સર્વે રિપોર્ટ અનુસાર, 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં ટેન્ટ અને હોટલના ભાવમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજમાં, સામાન્ય દિવસોમાં 2500થી 3000 રૂપિયામાં હોટલનો રૂમ મળી શકે છે. કુંભના કારણે આ હોટલોમાં એક રૂમનું ભાડું લગભગ 6 હજારથી 7 હજાર રૂપિયા હતું. આ ભાડું 29 જાન્યુઆરીએ 22 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું હતું. એ જ રીતે મૌની અમાસ જેવા ખાસ દિવસોમાં ખાનગી ટેન્ટમાં રાત્રિ રોકાણનું ભાડું 15,000 રૂપિયાથી વધીને 45,000 રૂપિયા થયું. એક વૈભવી ટેન્ટમાં ત્રણ રાતના રોકાણ, ખાવા-પીવાની વ્યવસ્થા માટેનો સંપૂર્ણ પેકેજ 2.40 લાખ રૂપિયા સુધીનો હતો. જ્યારે ડોમ સિટીમાં એક રાતનું ભાડું 91 હજાર રૂપિયા થઈ ગયું હતું. આ ખૂલ્લેઆમ છેતરપિંડી નથી તો શું છે.
ઉલ્લેખનીય છે કે, આ સર્વેમાં દેશના વિવિધ 303 જિલ્લાઓમાં રહેતા લોકોએ ભાગ લીધો હતો. જેમાં 49 હજારથી વધુ લોકોએ જવાબ આપ્યા હતા. આમાંથી, 62% લોકો પુરુષો હતા, જ્યારે 38% સ્ત્રીઓ હતી. 44% લોકો મુંબઈ, દિલ્હી, બેંગલુરુ જેવા ટીયર-1 શહેરોમાંથી હતા, જ્યારે 25% લોકો અમદાવાદ, કોઈમ્બતુર, જયપુર જેવા ટીયક-2 શહેરોમાંથી હતા. આ સિવાયના 31% લોકો તેનાથી નાના ટીયર-3, 4, 5 અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા હતા. આ તમામ લોકોનું કહેવું હતું કે મહાકુંભના નામે વેપારીઓ, કંપનીઓએ રીતસરની લૂંટ મચાવી છે.
આ પણ વાંચોઃ કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ