સગી માતાને મૂકીને પારકી માસીને વ્હાલા થવા જાવ તો કેવા દિવસો જોવાના આવે તેનું આ ઘટના ઉદાહરણ છે. અમિત શાહે જે રીતે ભરી સંસદમાં ડો.આંબેડકરનું અપમાન કર્યું તેમ છતાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તેમનો બચાવ કરવા નીકળી પડ્યો હતો. હવે એ જ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરોને અમદાવાદ શહેરમાં ભાજપ ઓફિસ વિના રઝળાવી રહ્યો છે. સ્થિતિ એ આવી ગઈ છે કે ભાજપ અનુસૂચિત જાતિ મોરચના કાર્યકરો પોતાનું કાર્યાલય ન હોવાથી ખાનપુર ભાજપ ઓફિસની બહાર આવેલી એક ચાની કીટલીએ બેસીને પોતાનું કામકાજ સંભાળે છે.
વિકાસના બહાને એસસી મોરચાનું કાર્યાલય ખાલી કરાવી દેવાયું
મળતી માહિતી મુજબ એકબાજુ ભાજપ બંધારણ તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરની ગરિમા જાળવવાની વાતો કરે છે બીજી તરફ તેમના જ પક્ષના અનસુચિત જાતિ મોરચા સાથે ભેદભાવ દાખવી કાર્યાલયમાં ઓફિસ પણ ફાળવી નથી. અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનું કાર્યાલય વિકાસના નામે ખાલી કરાવવામાં આવ્યું છે. શરૂઆતમાં કાર્યાલય પ્રથમ માળે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ભોંયતળિયા પર એક ઓફિસ આપવામાં આવી, પરંતુ કાર્યાલયના સમારકામનું બહાનું કાઢીને છેલ્લા કેટલાંય મહિનાઓથી ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરોને ઓફિસમાંથી દૂર કરી દેવાયા છે. સ્થિતિ એવી આવી ગઈ છે કે, એસસી મોરચાના કાર્યકરોએ ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલયની બહાર આવેલી એક ચાની કીટલીએ ઊભા રહીને પોતાનું કામકાજ કરી રહ્યા છે.
આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?
એસસી મોરચાના પ્રમુખ પર કાર્યકરો ગુસ્સે ભરાયા
અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભદ્રેશ મકવાણાને મળવા કાર્યકર ક્યાં જાય તેની કશી જ માહિતી નથી. ભદ્રેશ મકવાણાએ પણ આ મુદ્દે ઉપર કોઇ રજૂઆત ન કરતા કાર્યકરો તેમના પર ગુસ્સે ભરાયા હોવાનું જાણવા મળે છે.
દલિત નેતાઓ તેમના કાર્યકરોને ઓફિસ પણ અપાવી શકતા નથી
કેટલાક કાર્યકરોના મનમાં પ્રદેશ અને શહેર ભાજપના નેતાઓ પર પણ ગુસ્સે છે, કારણ કે તેઓ અનુસૂચિત જાતિ મોરચા સાથે ભેદભાવ રાખી રહ્યા હોવાનો તેમના મનમાં ભાવ ઉભો થયો છે. માત્ર ડો.આંબેડકરનું નામ વટાવી ખાતા ભાજપના મોટા નેતાઓએ અનુસૂચિત જાતિના તેમના જ પક્ષના કાર્યકરો માટે કોઇ વિચાર નહીં કર્યાનો રંજ તેમને સતાવી રહ્યો છે.
આ પણ વાંચો: 1100 રૂપિયાના બાકી વીજ બિલે દલિત વિધવાનો જીવ લીધો?