અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.
Ahmedabad news

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રજૂ કરવામાં આવેલું વર્ષ 2026-27નું બજેટ દલિત અને પછાત વર્ગો માટે માત્ર ‘આંકડાની માયાજાળ’ સાબિત થઈ રહ્યું છે. શહેરના વિકાસના નામે મસમોટી વાતો કરતા સત્તાધીશો પાસે છેલ્લા ૨૦ વર્ષથી એવો કોઈ જ ડેટા નથી કે શહેરમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની વસતી કયા વિસ્તારમાં કેટલી છે. સર્વે વિના જ કરોડોની ફાળવણી કરીને તંત્ર દલિત સમાજની આંખમાં ધૂળ નાખી રહ્યું હોવાનું બજેટ બેઠકમાં બહાર આવ્યું છે.

સર્વે વિના જ બજેટ ફાળવી વિકાસ કર્યાના દાવા

બજેટ બેઠકમાં વિપક્ષે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2026-27 માટે રૂ. 3761 કરોડની જે ફાળવણી કરવામાં આવી છે, તે કયા આધારે કરવામાં આવી? જ્યારે વહીવટી તંત્ર પાસે વસતીના કોઈ સત્તાવાર અને નવા આંકડા જ નથી, ત્યારે આ રકમનો ન્યાયિક હિસ્સો દલિત વિસ્તારો સુધી પહોંચશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. 20 વર્ષથી સર્વે ન કરાવીને સત્તાધીશોએ એ સાબિત કર્યું છે કે તેમને દલિતોના ઉત્થાનમાં કોઈ જ રસ નથી.

બે દાયકા જૂની સ્થિતિ: સમય બદલાયો, પણ દલિતોના વિસ્તારો નહીં

આક્ષેપ મુજબ, વર્ષ 2006-07ના બજેટમાં જે વિસ્તારોને ચાલીઓ અને ઝૂંપડપટ્ટી ધરાવતા પછાત વિસ્તારો તરીકે ગણાવ્યા હતા, ૨૦ વર્ષ પછી પણ તંત્ર એ જ વિસ્તારોના નામ ફરી રહ્યા છે. રખિયાલ, અમરાઈવાડી અને બાપુનગરમાં દલિતોની વસતી અનેકગણી વધી છે, છતાં સુવિધાઓ ૨૦ વર્ષ જૂની જ છે. અસારવા, શહેરકોટડા અને સારંગપુરમાં પાયાની સુવિધાઓ માટે આજે પણ આ વિસ્તારોના રહીશો વલખાં મારી રહ્યા છે. વાડજ અને દરિયાપુર-કાઝીપુર વિસ્તારોમાં રહેતી SC-ST વસતીના સર્વેના અભાવે તેમને મળવાપાત્ર ખાસ બજેટ (Special Component Plan) નો લાભ મળતો નથી.

આ પણ વાંચો: અમદાવાદનો છારા સમાજ પ્રગતિના પંથે, છારાનગરમાં નવી લાઈબ્રેરી ખૂલી

વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, જો તમારી પાસે નવી વસતીના આંકડા જ નથી, તો તમે એ કેવી રીતે નક્કી કર્યું કે આ રકમ દલિતોના કલ્યાણ માટે પૂરતી છે? આ સ્પષ્ટપણે દલિત સમાજને મુખ્ય પ્રવાહથી દૂર રાખવાનું ષડયંત્ર છે.

વિકાસના નામે પક્ષપાત: ‘નવા અમદાવાદ’ વિરુદ્ધ ‘દલિત વિસ્તારો’

શહેરના પશ્ચિમ અને પોશ વિસ્તારોમાં કરોડોના ખર્ચે બ્રિજ અને બગીચાઓ બને છે, પરંતુ દલિત બહુલ વિસ્તારો જેમ કે રાજપુર-હીરપુર, સુએઝ ફાર્મ અને અસારવા એક્સ્ટેન્શનમાં ગટર, પીવાનું પાણી અને રસ્તાની સમસ્યાઓ જૈસે-થે છે. બજેટની રકમનો મોટો હિસ્સો પોશ વિસ્તારો તરફ ડાયવર્ટ કરી દેવામાં આવે છે અને દલિતોના ભાગે માત્ર કાગળ પરની ફાળવણી જ આવે છે.

આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

તંત્ર દ્વારા કરવામાં આવતી આ ‘લોલમલોલ’ હવે દલિત સમાજ માટે અસહ્ય બની છે. ૨૦ વર્ષ સુધી સર્વે ન કરવો એ માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ એક આખા વર્ગને અન્યાય કરવાની ગંભીર નીતિ છે. જો વસતીના આધારે બજેટ ફાળવવામાં આવે તો દલિત વિસ્તારોનો કાયાકલ્પ થઈ શકે તેમ છે, પરંતુ સત્તાધીશો આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ બજેટ સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જ્યાં સુધી નવો અને સચોટ સર્વે કરવામાં નહીં આવે, ત્યાં સુધી દલિતોના નામે ફાળવાયેલા રૂ. 3761 કરોડ ક્યાં વપરાશે તે એક રહસ્ય જ રહેશે.

આ પણ વાંચો: અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 39 લોકોનું રેસ્ક્યુ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x