ગુજરાતમાં સરકારી શિક્ષણ અને સરકારી શાળાઓનું સ્તર અત્યંત કથળેલી સ્થિતિમાં છે. એક બાજુ રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવનો તાયફો કરીને વાહવાહી લૂંટવા પ્રયાસ કરી રહી છે, બીજી તરફ રાજ્યમાં 40,000 શિક્ષકો અને 38,000 ક્લાસરૂમની ઘટ છે, જે પુરી કરવામાં આવતી નથી. સરકાર શાળાઓને સુધારવા પાછળ ખર્ચ કરતી નથી અને પ્રવેશોત્સવ ઉજવી રહી છે. હજારો યુવાનો શિક્ષક બનવા તૈયાર છે પણ સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. આવી પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠાના દાંતા તાલુકાની એક શાળામાં ભણતા બાળકોની દયનિય હાલતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
અંબાજી પાસેના છાપરી ગામની શાળાની કહાની
દાંતાના છાપરી ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ભણતા ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરીને ભણવા જવા મજબૂર છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજની વસ્તી છે અને આ શાળામાં ભણતા મોટાભાગના બાળકો પણ આદિવાસી સમાજના છે. અંબાજીથી પાંચ કિલોમીટર દૂર આવેલી છાપરી ગામની પ્રાથમિક શાળા વર્ષ 2016થી કાર્યરત છે, સરકારે અહીં શાળા તો બનાવી પણ બાળકો શાળા સુધી જઈ શકે તેવા રસ્તાનો અભાવ છે.
આ પણ વાંચો: ઉનામાં શાળા પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓ પર સ્કૂલની છતનાં પોપડા પડ્યાં
બાળકોને શિયાળામાં અને ઉનાળામાં તો વાંધો નથી આવતો પરંતુ ચોમાસામાં ભારે તકલીફ પડે છે. કેમ કે, ચોમાસામાં શાળા સુધી જતો રસ્તો નદીના પાણીમાં ગરકાવ થઈ જાય છે. જો ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો શાળા સુધી જતો રસ્તો સાવ બંધ થઈ જાય છે. એ પછી જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી બાળકો શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી.
બાળકો નદીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર
હાલ છાપરીની આ શાળામાં ભણતા ધોરણ 1 થી 5 ના બાળકો જીવના જોખમે શાળાએ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. શિક્ષકોએ આ બાળકોનો હાથ પકડીને પાણીમાંથી રસ્તો પસાર કરાવવો પડે છે. આ શાળા સુધી જવા માટેનો એકમાત્ર રસ્તો છે, જે તેલિયા નદીમાંથી પસાર થાય છે અને બાળકો નદીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જ્યારે નદીમાં પાણી વધી જાય ત્યારે આ રસ્તો બંધ થઈ જાય છે અને શિક્ષકો બાળકોને લઈને ડુંગરો વચ્ચેથી શાળાએ પહોંચે છે. વરસાદમાં પહાડોના ચીકણાં ઢોળાવો પરથી લપસી પડવાનો ભય રહે છે. ગામલોકો અને બાળકોના વાલીઓ દ્વારા વર્ષોથી તેલિયા નદી પર પૂલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તે સંતોષાઈ નથી.
વર્ષોથી નદી પર પૂલ બનાવવાની માંગ થઈ રહી છે
છાપરીની આ શાળામાં બાલવાટિકા સાથે ધોરણ 1 થી 5ના વર્ગો ચાલે છે. હાલ આ શાળામાં માંડ 10 થી 15 વિદ્યાર્થીઓની હાજરી જોવા મળે છે. મોટાભાગના બાળકોને પાણીમાં તણાઈ જવાનો અને ડુંગરાઓ પરથી લપસી પડવાનો ડર લાગતો હોવાથી શાળાએ આવવાનું ટાળે છે.
વાલીઓ પણ જોખમ હોવાથી ચોમાસામાં બાળકોને શાળાએ મોકલતા નથી. ક્યારેક વાલીઓ નદી પસાર કરીને બાળકોને શાળા સુધી મૂકી જાય છે. પણ જ્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે તણાઈ જવાની બીકે તેઓ બાળકોને શાળાએ મોકલતા નથી. પરિણામે ચોમાસાના ચાર મહિના સુધી છાપરીની આ શાળાના આ આદિવાસી બાળકોનો અભ્યાસ બગડે છે. તેથી ગામલોકો નદી પર પૂલ બનાવવાની વર્ષોથી માંગ કરી રહ્યાં છે.
બાલવાટિકાથી ધો.5 સુધીમાં માત્ર 2 શિક્ષકો છે
તમને જાણીને આંચકો લાગશે કે, આ શાળામાં 2019થી માત્ર બે ઓરડામાં બાલવાડી અને ધોરણ 1 થી 5ના વર્ગો ચાલે છે. તેમાં વર્ગોની ઘટના કારણે એક ક્લાસરૂમમાં શિક્ષકો ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવે છે. બાલવાટિકા અને ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર 2 શિક્ષકો છે. આમાં કેવી રીતે ભણે ગુજરાત?
આ પણ વાંચો: ગુજરાતની શાળાઓમાં 40,000 શિક્ષકો, 38, 000 ક્લાસરૂમની ઘટ