દલિત અત્યાચારના મામલાઓમાં પોલીસનું વર્તન કાયમ શંકાસ્પદ રહ્યું છે. મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીનો સ્ટાફ સવર્ણ જાતિના લોકોનો હોવાથી તેઓ સમગ્ર મામલાને રફેદફે કરી દેતી હોવાના આરોપો સતત લાગતા રહે છે. જો કે, યુપીના અમેઠીમાં તો પોલીસે હદ કરી દીધી.
સૂત્રોના મતે, દુષ્કર્મનો ભોગ બનેલી એક દલિત સગીરા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ પોલીસે તેને ન્યાય અપાવવાને બદલે તેના અને તેના પરિવાર પર સમાધાન માટે દબાણ કર્યું હતું. જ્યારે પીડિતા અને તેનો પરિવાર તેના માટે તૈયાર ન થયો, તો પોલીસે પીડિતાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો? આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
ઘટના અમેઠીના તિલોઇ તાલુકાના મોહનગંજ પોલીસ સ્ટેશનની છે. અહીં એક દલિત સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે તેમની પુત્રીનું અપહરણ કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ ન્યાય મેળવવા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો અને પીડિતા તથા તેના પરિવાર સાથે દુર્વ્યવહાર કર્યો.
પીડિતાના પરિવારના કહેવા મુજબ, ગામનો જ એક યુવાન તેમની પુત્રીને ફોસલાવી લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના સામે આવતા જ જ્યારે પરિવારે વિરોધ નોંધાવ્યો ત્યારે આરોપીના પરિવારજનોએ પીડિતા તથા તેના માતા-પિતા પર હુમલો કર્યો. આ હુમલામાં પરિવારના સભ્યોને ઈજાઓ પણ પહોંચી હતી.
પીડિતાના પિતાનો આક્ષેપ છે કે પોલીસ અને કેટલાક સ્થાનિક દલાલોએ તેમને સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ તેમણે સ્પષ્ટપણે તેનો ઈનકાર કરતા મહિલા પોલીસકર્મીઓએ તેમની સગીર પુત્રીને પોલીસ સ્ટેશનમાં જ માર માર્યો હતો. આ ઘટનાથી સગીરા માનસિક આઘાતમાં આવી ગઈ છે.
આ પણ વાંચો: દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો
આ મામલે જ્યારે થાણા પ્રમુખ રાકેશ સિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ દુષ્કર્મનો નહીં પરંતુ માત્ર મારપીટનો કેસ છે. તેમના નિવેદન બાદ ગ્રામજનો અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસે આરોપી પક્ષને બચાવવાનો પ્રયાસ કર્યો છે.
પીડિતાના પિતા સતત અધિકારીઓના ચક્કર મારી રહ્યા છે. તેમનું કહેવું છે, “અમારી પુત્રી સાથે અત્યાચાર થયો છે અને અમે સમાધાન નહીં કરીએ. પરંતુ પોલીસ અમારી ફરિયાદ નોંધવા બદલે અમને જ હેરાન કરે છે.”
આ ઘટનાએ પોલીસ-પ્રશાસનની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. એક તરફ સરકાર મહિલાઓની સુરક્ષાની વાત કરે છે, જ્યારે બીજી તરફ સ્થાનિક સ્તરે પોલીસની કામગીરી શંકાસ્પદ લાગી રહી છે.
સામાજિક કાર્યકરોનું કહેવું છે કે જો પીડિતા અને તેના પરિવારને ન્યાય નહીં મળે તો તેઓ આંદોલન કરવા મજબૂર થશે. વકીલો તથા દલિત સંગઠનોએ પણ આ ઘટના અંગે કડક નિંદા કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી છે.
હાલમાં પીડિતા તથા તેનો પરિવાર ભય અને અસુરક્ષાના માહોલમાં જીવી રહ્યા છે. તેમને આશા છે કે ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપથી તેમને ન્યાય મળશે. પરંતુ સ્થાનિક પોલીસની ભૂમિકાએ તેમના વિશ્વાસને ઝટકો પહોંચાડ્યો છે. અમેઠીની આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે ક્યાં સુધી પીડિત પરિવારોએ પોલીસના દબાણ અને પક્ષપાતનો ભોગ બનવું પડશે.
આ પણ વાંચો: ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો