‘હું દલિત છું, એટલે જ અમને ઘરમાં રહેવા દેવામાં નથી આવતા. મારી જાતિને કારણે મારા પતિનો પરિવાર આ સંબંધથી ખુશ નથી. અમારા બંનેના લવ મેરેજ થયા છે. અમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે.”
આ શબ્દો ચે પ્રેમ લગ્ન કરનાર દલિત પરિવારની દીકરી શોભાના. બિહારના મુઝફ્ફરપુરના એક ગામના પંકજ ઠાકુર (૩૬) અને શોભા કુમારીના લગ્ન આઠ મહિના પહેલા થયા હતા. પંકજના માતા-પિતા નથી. ઘરે એક ભાઈ, ભાભી, ભત્રીજો અને ભત્રીજી છે, જે પંકજના લગ્ન કરાવવા માંગતા ન હતા. જ્યારે છોકરીવાળા લગ્ન માટે આવતા ત્યારે પરિવારજનો તેમને ભગાડી જતા. પંકજ આ વાતથી ખૂબ જ દુઃખી હતો.
બીજી બાજુ, પંકજની શોભાના બનેવી સાથે મિત્રતા હતી, જેના કારણે તેની શોભાના ઘરે અવરજર રહેતી હતી. મે મહિનામાં એક દિવસ, પંકજે શોભાના ઘરે પોતાની સમસ્યાઓ શેર કરી. શોભા પણ ત્યાં હતી અને આ સાંભળીને તે ખૂબ જ ભાવુક થઈ ગઈ. અહીંથી જ તેમની પ્રેમકહાની શરૂ થઈ. બે મહિના પછી, એટલે કે જુલાઈમાં, શોભાના પરિવારની સંમતિથી પંકજે મંદિરમાં લગ્ન કર્યા.
લગ્ન પછી, જ્યારે પંકજ તેના ઘરે પહોંચ્યો, ત્યારે તેના ભાઈ અને ભાભીએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે પરેશાન પંકજ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે કહ્યું, ‘તમારા લોકોનું તો આવું થતું રહે છે.’
જ્યારે તેને પોલીસ તરફથી મદદ ન મળી ત્યારે પંકજ શોભા સાથે રક્સૌલ ગયો. સોમવારે ફરી પરિવારના સભ્યોએ ધમકી આપી અને કહ્યું કે દલિત છોકરીને છોડી દે નહીંતર માર ખાવા માટે તૈયાર રહો. મામલો કરજા પોલીસ સ્ટેશન વિસ્તારના રેપુરાનો છે.
એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ જણાવ્યું હતું કે, સરકારની જોગવાઈ છે કે આંતરજાતિય લગ્નના કિસ્સામાં નોકરી અને પ્રોત્સાહન રકમ આપવી પડે છે. જેથી જાતિ આધારિત બંધનો તૂટે. જાતિ આધારિત લડાઈનો અંત લાવી શકાયો હોત, પરંતુ પહેલ કરવાને બદલે વહીવટીતંત્ર આંતરજાતીય લગ્ન કરનારને ડરાવી ધમકાવીને ભગાડી દે છે.
દંપતીએ SSP ને અપીલ કરી
મંગળવારે, પંકજ અને શોભા ફરિયાદ નોંધાવવા માટે વકીલની મદદથી એસએસપી સુશીલ કુમાર પાસે પહોંચ્યા હતા. એ પછી બંનેએ SC-ST પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
આ પણ વાંચો: હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને જીવનું જોખમ
શોભાએ કહ્યું, ‘મારો પરિવાર લગ્ન માટે તૈયાર હતો. અમારા બંનેના લગ્ન મંદિરમાં થયા. મારી જેઠાણી મને ઘરમાં રહેવા દેતી નથી. તે કહે છે કે તું નીચલી જાતિની છે, અમે તને અહીં રહેવા નહીં દઈએ. મારા પતિને માર મારવામાં આવી રહ્યો છે. લગ્ન પછી, જ્યારે હું મારા સાસરિયાના ઘરે ગઈ, ત્યારે બે દિવસ બધું બરાબર હતું. એ પછી તેમણે અમને ઘરમાંથી કાઢી મૂક્યા.”
શોભાને છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે: પંકજ
પંકજ ઠાકુરે કહ્યું, ‘જ્યારે હું ઘરે ગયો ત્યારે બધી વિધિઓ કરવામાં આવી. લગ્નના થોડા દિવસો પછી બધાએ મને નીચલી જાતિની છોકરી સાથે લગ્ન કરવા બદલ મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. ઘરના લોકો મને શોભાને છોડી દેવા માટે દબાણ કરી રહ્યા છે. જેને લઈને મેં કરજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ પોલીસે મારી અરજી લીધી ન હતી. પોલીસે કોઈ મદદ ન કરી અને અમારા ઉપર જીવનું જોખમ હોવાથી હવે અમે ગામ છોડી દીધું છે.”
પોલીસ તરફથી કોઈ સહકાર મળ્યો ન હતો
પંકજ અને શોભાના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ કહ્યું, ‘શોભા કુમારી દલિત છે અને પંકજ ઠાકુર જાતિનો છે. બંનેએ પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા છે. લગ્ન પછી તરત જ પંકજના પરિવારે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. આ દંપતીને પોલીસ તરફથી પણ કોઈ મદદ મળી ન હતી.
આખો મામલો મીડિયામાં ચમકતા આખરે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એસપી વિદ્યાસાગરે કહ્યું, અમને આંતરજ્ઞાતિય લગ્ન સંબંધિત એક અરજી મળી છે. છોકરાનો પરિવાર આ લગ્ન સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે. આ મામલાની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા મોટી ટ્રેપમાં ફસાઈ