દેશના બહુજન સમાજના ઘોર વિરોધી અને પોતાની જાતિવાદી માનસિકતા માટે વગોવાયેલા સ્વામી રામભદ્રાચાર્યને 16 મે 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2023ના, 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 1961માં સ્થાપિત ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય ભાષાઓના પ્રસિદ્ધ સાહિત્યકારોને આપવામાં આવે છે. જ્ઞાનપીઠ મેળવનારા વિદ્વાનોમાં ફિરાક ગોરખપુરી, રામધારી સિંહ દિનકર, અમૃતા પ્રિતમ, મહાશ્વેતા દેવી, ગિરીશ કર્નાડ વગેરે મહાનુભાવો સામેલ છે. ગુજરાતના ઉમાશંકર જોષી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીને આ સન્માન મળ્યું છે. ત્યારે જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ એવોર્ડ અપાતા દેશભરમાં આશ્ચર્ય ફેલાયું છે.
રામભદ્રાચાર્ય કોણ છે? તેઓ સ્વઘોષિત શંકરાચાર્ય છે. તેઓ અભિનેત્રી કંગના રનૌત, બાગેશ્વરબાબા અને પીએમ મોદીના ગુરુ છે! તેમણે 80 થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેઓ રામાયણ અને ભાગવત કથાકાર છે. સરકારે 2015માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા હતા. કહેવાય છે કે તેઓ બે મહિનાના હતા ત્યારથી નેત્રહીન થઈ ગયા હતા.
તેઓ વિવાદિત વિધાનો માટે જાણીતા છે.
યુપી વિધાનસભાની ચૂંટણીમાં એક સમયે તેમણે કહેલું, “મરે મુલાયમ કાશીરામ, પ્રેમ સે બોલો જયશ્રી રામ!” એક કથાકાર, ભગવાવસ્ત્રાધારી સંત કોઈના મૃત્યુ માટે કામના કરે તે કેટલું ઉચિત?
આ પણ વાંચો: સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?
તેઓ મહિલા વિરોધી છે. તેમણે અપીલ કરી હતી કે “આશારામને જેલમાંથી છોડી દેવા જોઈએ!”તેઓ દલિત, આદિવાસી, OBCની સાથે અમુક બ્રાહ્મણોની વિરુદ્ધ પણ છે. તેમણે કહ્યું હતું કે, “ઉપાધ્યાય, ચૌબે, દીક્ષિત, પાઠક નીચા કુળના બ્રાહ્મણો છે, તેથી તેમની સાથે બેટી વ્યવહાર ન કરવો!”
રામભદ્રાચાર્ય દલિતોને મળેલી બંધારણીય અનામતનો વિરોધ કરે છે પરંતુ કદી દલિતો, સાથે થતા ભેદભાવોની તેઓ ટીકા કરતા નથી. તેમણે અનામત નીતિની હંમેશા આલોચના કરી છે. પરંતુ પોતાનો સમાજ EWS-અનામતનો લાભ ઊઠાવે તેની સામે તેમને વાંધો નથી.
મહાકુંભ વખતે તેમણે કહ્યું હતું, “આ મહાકુંભમાં દુનિયામાંથી પાકિસ્તાનનો નકશો ભૂંસી નાખવામાં આવશે!”
તેઓ કહે છે, “માણસ આ જન્મમાં પૂર્વ જનમનું ફળ ભોગવે છે!” સ્વાભાવિક પ્રશ્ન થાય કે તેઓ અંધ બન્યા, વારંવાર તબિયત બગડે છે, તો તેમણે પૂર્વ જન્મમાં કેવાં-કેવાં પાપ કર્યા હશે?
તેઓ મનુસ્મૃતિના ચાહક છે. તેમણે કહ્યું હતું કે, “મનુને ગાળો આપવાની શરૂઆત માયાવતીએ કરી હતી, માયાવતીને મનુસ્મૃતિનું એક અક્ષરનું જ્ઞાન નથી! ડો.બાબાસાહેબ આંબેડકરને સંસ્કૃતનું જ્ઞાન ન હતું. જો તેમને સંસ્કૃતનું જ્ઞાન હોત તો મનુસ્મૃતિ સળગાવી ન હોત!”
રામભદ્રાચાર્ય કહે છે, “હનુમાન ચાલીસાના રોજ પાઠ કરો; રામચરિતમાનસ વાંચો તો બિમાર પડશો નહીં!” 4 ફેબ્રુઆરી 2024ના રોજ તેઓ બિમાર પડી ગયા અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા! મતલબ, માણસને ધર્મની પોકળ વાતો બચાવતી નથી, વિજ્ઞાન બચાવે છે! ગમે તેટલી ભક્તિ, ભજન, કીર્તન, પ્રાર્થના, દુઆ કરો, પરંતુ બિમાર પડો તો છેવટે હોસ્પિટલ જ કામમાં આવે છે!
તેમણે કહેલ કે, ‘જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈ!’ સવાલ એ છે કે તેમણે ‘ચમાર’ શબ્દ જ કેમ પસંદ કર્યો? શું આ બંધારણના આર્ટિકલ-15નું ઉલ્લંઘન નથી? 1358 થી 1518 દરમિયાન વારાણસી-કાશીમાં જન્મેલા સંત રવિદાસે હિંદુ ધર્મના સાંપ્રદાયિક પાખંડીઓની પોલ ખોલી નાખી હતી. જે પાખંડીઓને હજુ ચચરે છે. રૈદાસને ભારતીય પરંપરામાં ભક્તિના જ્ઞાનમાર્ગ અને પ્રેમમાર્ગને જોડતી કડી કહેવાય છે. તેઓ મીરાંબાઈના ગુરૂ પણ હતા.
આ પણ વાંચો: સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થશે?
વારાણસીના વણકર કબીરની જેમ રૈદાસ ચમાર પણ એક વિદ્રોહી સંતકવિ હતા. ઝઘડો ધનુષધારી દશરથપુત્ર સગુણ રામ અને કબીર-રૈદાસના નિરગુણ રામનો છે. વડવાઓએ આપણને નિરગુણ રામ શીખવ્યા હતા; પણ પછી ધીમે ધીમે રામનું સાંપ્રદાયિકરણ થયું. આપણે રામમાંથી ‘જયશ્રી રામ’ અને ‘જયજય શ્રીરામ’ સુધી પહોંચી ગયા છીએ!
સાંપ્રદાયિક એજન્ટની બાદબાકી કરતા રૈદાસ કહે છે:
मस्जिद सों कुछ घिन नहीं,
मंदिर सों नहीं पिआर।
दोए मंह अल्लाह राम नहीं,
कहै रैदास चमार॥
મતલબ, ન તો મને મસ્જિદથી નફરત છે ન તો મંદિરથી પ્રેમ છે. રૈદાસ કહે છે, વાસ્તવિકતા તો એ છે કે ન તો અલ્લાહ મસ્જિદમાં વસે છે ન તો રામ મંદિરમાં!
વર્ણવ્યવસ્થા પર પ્રહાર કરતા રૈદાસ કહે છે:
रैदास ब्राह्मण मति पूजिए,
जए होवै गुन हीन।
पूजिहिं चरन चंडाल के,
जउ होवै गुन प्रवीन॥
મતલબ, જેનામાં હિન ગુણો છે એવા બ્રાહ્મણને ન પૂજો. એવા બ્રાહ્મણને પૂજવા કરતાં ગુણોમાં પ્રવિણ હોય તેવા ચાંડાલને પૂજવો વધારે યોગ્ય છે!
जनम जात मत पूछिए,
का जात अरू पात।
रैदास पूत सब प्रभु के,
कोए नहिं जात कुजात॥
મતલબ, જન્મ કે જાત ન પૂછો કારણ કે સંસારમાં કોઈ જાતિ નથી. સૌ પ્રભુનાં સંતાનો છે અને કોઈ જાતિ કુજાતિ નથી!
સાંપ્રદાયિકોને રૈદાસ ચમાર એટલે પણ કઠે છે કારણ કે તે હિંદુ-મુસ્લિમ બેઉને એક માને છે.
जब सभ करि दोए हाथ पग,
दोए नैन दोए कान।
रैदास प्रथक कैसे भये,
हिन्दू मुसलमान॥
મતબલ, જ્યારે દરેકને હાથ-પગ બે છે અને બે આંખો અને બે કાન છે તો આ હિંદુ-મુસલમાન એકબીજાથી અલગ કેવી રીતે થયાં? ગોડસેવાદીઓને ચમાર રૈદાસ બહુ કઠે છે. એટલે જ રામભદ્રાચાર્યે કહ્યું કે ‘જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈ!’
યોગ્ય નાગરિકનું સરકાર સન્માન કરે તેની સામે વાંધો ન હોય; પરંતુ જે હાડોહાડ સાંપ્રદાયિક છે; પછાતવર્ગના વિરોધી છે; મહિલા વિરોધી છે; સમાજમાં વિભાજન થાય તેવા અભદ્ર વાણી વિલાસ કરે છે; તેમને સરકાર સન્માનિત કરે તે આઘાતજનક છે.
હવે સન્માન પામનારની એક જ લાયકાત જોવા મળે છે કે તેમણે સરકાર સામે ક્યારેય અવાજ ઊઠાવ્યો ન હોય; લોકોના પ્રશ્નો બાબતે, દેશની સમસ્યાઓ બાબતે સિલેક્ટિવ મૌન પાળ્યું હોય અને વડાપ્રધાનની સતત સ્તુતિ કરી હોય. ગુજરાતમાં 2014-2025 દરમિયાન જેમને પદ્મશ્રી, પદ્મભૂષણનું સન્માન મળેલ છે, તેમનું નિરીક્ષણ કરજો, આ પેટર્ન જોવા મળશે.
રમેશ સવાણી (લેખક પૂર્વ આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)
આ પણ વાંચો: લીંબડીના ઉંટડીમાં બુદ્ધ પૂર્ણિમાએ દલિતવાસમાં ‘Phule’ નું સ્ક્રીનીંગ કરાયું