તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે. અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા લાડુનું પરીક્ષણ કરી રહી હતી. જેમાં પ્રસાદ તરીકે ચઢાવાયેલા લાડુમાં ચણાનો લોટ અને ઘીની ગુણવત્તા હલકી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક દુકાનદારો પ્રસાદમાં કૃત્રિમ રંગો ઉમેરી રહ્યા હતા. હાલ નવરાત્રિ અને દિવાળીને ધ્યાનમાં રાખીને ખાદ્ય વિભાગે આ દરોડા પાડ્યા હતા.
અયોધ્યાના સહાયક ખાદ્ય કમિશનર માણિક ચંદ્ર સિંહે જણાવ્યું હતું કે ફૂડ વિભાગે 31 દુકાનોમાંથી નમૂના એકત્રિત કર્યા હતા. મુખ્ય નમૂનાઓમાંથી ત્રણ – લાડુ, ચણાનો લોટ અને શુદ્ધ ઘી – ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હતા. દેશી ઘીમાં રેંસિડિટી(વાસીપણાની માત્રા) વધુ જોવા મળી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, ફૂડ વિભાગની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કેટલાક દુકાનદારો પ્રસાદમાં કૃત્રિમ રંગો ઉમેરી રહ્યા હતા. ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ કડક સૂચનાઓ જારી કરી છે કે પ્રસાદમાં કોઈ રંગ ઉમેરવામાં ન આવે. આવા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ વર્ષે જુલાઈમાં, મંદિર વહીવટીતંત્રે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે લાડુ વેચનારાઓ હવે પેકેજિંગ પર દુકાનનું નામ અને ફોન નંબર લખશે. મંદિરમાં ફક્ત શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલો પ્રસાદ જ ચઢાવવામાં આવશે. કેટલાક પ્રસાદમાં ભેળસેળની ફરિયાદો મળ્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. જોકે, પ્રસાદમાં ભેળસેળની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં નર્મદા કેનાલે બર્થ ડે ઉજવતા યુગલ પર હુમલો, યુવકનું મોત
બીજી તરફ, હનુમાનગઢી વિસ્તારના લાડુ વિક્રેતા સંજય ગુપ્તા અને જીતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમણે ઘી, ચણાનો લોટ અને લાડુના નમૂના પરીક્ષણ માટે ખાદ્ય વિભાગને આપ્યા છે. તેમનો દાવો છે કે તેઓ ફક્ત “ઉચ્ચ-ગુણવત્તાવાળા” દેશી ઘી અને ચણાના લોટમાંથી લાડુ બનાવે છે. ભક્તોને શુદ્ધ અને પવિત્ર પ્રસાદ પૂરો પાડવાની અમારી જવાબદારી છે. તેમણે એમ પણ જણાવ્યું કે શુદ્ધ સામગ્રીનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે પ્રસાદનો ભાવ ₹400 થી ₹500 પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે.
દરમિયાન, સહાયક કમિશનર માણિકે એ પણ સ્પષ્ટતા કરી કે દિવાળી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિભાગ હવે વધુ કડક રહેશે. નકલી અને ભેળસેળયુક્ત ઉત્પાદનોના વેચાણને રોકવા માટે ટીમ અયોધ્યાના બજારોમાં ખોયા, પનીર, ચણાનો લોટ અને અન્ય ખાદ્ય ચીજો પર નજર રાખી રહી છે.
નોંધનીય છે કે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેતા મોટાભાગના ભક્તો હનુમાનગઢીની મુલાકાત લે છે. ભક્તો એવું માને છે કે, હનુમાનજી હજુ પણ અહીં રહે છે, અને તેથી આ મંદિરની મુલાકાત લીધા વિના રામના દર્શન અધૂરા છે. લોકોની આ આસ્થાની આડમાં અહીંના વેપારીઓ ધૂમ કમાણી કરી રહ્યાં છે.
આ પણ વાંચો: કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને હવે મહિને રૂ. 90 હજાર પગાર મળશે











Users Today : 1723