દેશમાં જે પણ રાજ્યોમાં ભાજપની સરકાર છે, ત્યાં કથિત ગૌરક્ષકો અને બજરંગ દળના ગુંડાઓ દ્વારા કાયદો હાથમાં લઈને ઢોર માર મારવાના કિસ્સાઓ વધી ગયા છે. ટોળું બનીને ત્રાટકતા બજરંગ દળના કાર્યકરોને કદી પણ માર મારવાના કેસમાં મોટી સજા થતી નથી. જે સ્પષ્ટ કરે છે કે, ભાજપના છુપા આશીર્વાદથી જ તેઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ ખૂલ્લેઆમ કરી રહ્યાં છે. હજુ 4 દિવસ પહેલા વેલેન્ટાઈન ડે પર બજરંગ દળના કાર્યકરોએ દેશના અનેક શહેરોમાં પ્રેમી યુગલોને હેરાન કર્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યાં હવે તેમની નાગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બજરંગ દળના કથિત કાર્યકરોએ એક દલિતને ગાયનો પોદળો ખાવા મજબૂર કર્યો હતો.
ભારતીય બંધારણ દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાનો અધિકાર આપે છે, પરંતુ ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના પરજંગ (Parjang) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાએ આ અધિકારો પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. 15 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કમકમાટીભરી વીડિયોમાં જોઈ શકાય છે કે એક દલિત યુવકને, જે વ્યવસાયે ખ્રિસ્તી પાદરી છે, તેને ટોળા દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે અને અત્યંત અપમાનજનક રીતે તેને બળજબરીથી ગાયનો પોદળો (ગોબર) ખાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે.
ઓડિશાના ઢેંકનાલ વિસ્તારની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત પાદરી બિપિન બિહારી નાયક 15 ફેબ્રુઆરીના રોજ પરજંગ વિસ્તારમાં એક ખાનગી નિવાસસ્થાને આયોજિત પ્રાર્થના સભામાં હાજર હતા. તે સમયે બજરંગ દળ અને અન્ય હિન્દુવાદી સંગઠનોના હોવાનો દાવો કરતા આશરે 40 થી 50 જેટલા કાર્યકરોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. ટોળાએ પાદરી પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા કે તેઓ નિર્દોષ લોકોને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે.

ઢોર માર માર્યો, મોં કાળું કર્યું અને જૂતાનો હાર પહેરાવ્યો
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ટોળાએ પાદરીને મારપીટ કરવાનું શરૂ કર્યું. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ પાદરીના ચહેરા પર સિંદૂર અને કાળી શાહી લગાવી, ગળામાં જૂના પગરખાં અને ચંપલનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા. અંતે તેમને એક થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમને પરાણે ગોબર ખવડાવવામાં આવ્યું હતું અને તેમની પાસે બળજબરીથી “બજરંગ બલી કી જય” અને “ગાય અમારી માતા છે” ના નારા લગાવડાવ્યા હતા.
આ પણ વાંચોઃ બજરંગ દળના ગુંડાઓએ બર્થ ડે પાર્ટીમાં ઘૂસી મુસ્લિમ યુવકોને ફટકાર્યા!

ओडिशा में एक दलित युवक को बजरंग दल के गुंडों द्वारा कथित तौर पर गोबर खिलाकर अपमानित करने की घटना बेहद शर्मनाक और अमानवीय है। धर्म और “गाय माता” के नाम पर किसी इंसान की गरिमा कुचलने का अधिकार किसी को नहीं है। दोषियों पर सख्त कार्रवाई ज़रूरी है।pic.twitter.com/hmR1kIdjoG
— Hansraj Meena (@HansrajMeena) February 17, 2026
પોલીસની હાજરી છતાં હુમલાખોરોને ડર નહોતો
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ હિંસા ચાલી રહી હતી, ત્યારે પાદરીના પત્ની વંદનાએ તુરંત જ પરજંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે, સ્થાનિક લોકો અને પીડિતના પરિવારનો આરોપ છે કે પોલીસને ઘટનાસ્થળે પહોંચતા બે કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે પોલીસ પહોંચી ત્યારે પણ હુમલાખોરો બેખૌફ જોવા મળ્યા હતા.
પોલીસે ફરિયાદી સામે જ કેસ નોંધી આરોપી બનાવી દીધાં
પોલીસ કાર્યવાહીમાં વધુ એક વિવાદ ત્યારે સર્જાયો જ્યારે પોલીસે ઈજાગ્રસ્ત પાદરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બેસાડી રાખ્યા હતા. મકતૂબ ન્યૂઝ એજન્સી અને અન્ય અહેવાલો મુજબ, પોલીસે આ મામલામાં બંને પક્ષે ફરિયાદ નોંધી છે. એક તરફ પાદરીની ફરિયાદ પર હુમલાખોરો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તો બીજી તરફ હુમલાખોરોની ફરિયાદ પર પાદરી વિરુદ્ધ ‘ઓડિશા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ’ હેઠળ ધર્મ પરિવર્તનનો વળતો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ બાબત તંત્રની ભેદભાવભરી નીતિ તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બજરંગદળે બે મુસ્લિમ યુવકોને ઢોર માર માર્યો
બજરંગ દળની વધતી જતી દાદાગીરી સામે સવાલો
આ ઘટનાએ એ પ્રશ્ન ઉભો કર્યો છે કે બજરંગ દળ જેવા સંગઠનોના કાર્યકરો કાયદો હાથમાં લેવાની હિંમત ક્યાંથી લાવે છે? છેલ્લા કેટલાક સમયથી ઓડિશા અને ભારતના અન્ય ભાગોમાં લઘુમતીઓ અને દલિતો પર ગૌરક્ષા કે ધર્મના નામે હુમલા વધ્યા છે. આ કિસ્સામાં વીડિયોમાં પુરાવા હોવા છતાં મુખ્ય આરોપીઓની ધરપકડમાં પોલીસનું ઢીલું વલણ તંત્રની નિષ્ક્રિયતા છતી કરે છે.
પોલીસ શા માટે આવા ગુંડાઓને છાવરે છે?
સમાજવાદી અને માનવ અધિકાર કાર્યકરોએ માંગ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય તો તેની તપાસ પોલીસ અને ન્યાયતંત્રએ કરવાની હોય, નહીં કે શેરીમાં રખડતા ગુંડા તત્વોએ. “બજરંગ અમારા પિતા છે” એવા સૂત્રોચ્ચારો સાથે કાયદાને ઠેબે ચડાવતા આ કાર્યકરો સામે જો કડક પગલાં લેવામાં નહીં આવે, તો લોકશાહીના પાયા નબળા પડશે. ઓડિશાના મુખ્યમંત્રી કાર્યાલય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલામાં કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હોવા છતાં, જમીની સ્તરે દલિત સમુદાયમાં ભયનો માહોલ છે. ઢેંકનાલની આ ઘટના દેશના લોકતાંત્રિક માળખા પર એક કલંક સમાન છે.
આ પણ વાંચોઃ ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો!










