ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, દાંતીવાડામાં મેઘમહેર થતાં ઠેર ઠેર જળબંબાકાળનાં દ્રશ્યો સર્જાયા હતાં. ભારે વરસાદને પગલે પાલનપુર અને વડગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.
વડગામ અને પાલનપુરમાં બુધવાર રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો. વડગામમાં સૌથી વધુ 8.6 ઈંચ જ્યારે પાલનપુરમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સાંબેલાધાર વરસાદથી વડગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. જેના કારણે લોકોને તેમજ વાહનચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. પાલનપુર હાઇવે વિસ્તારમાં, આદર્શ હાઇસ્કૂલ, બનાસ ડેરી રોડ, ગોવિંદા સ્કૂલ પાસે, ધનિયાણા ચાર રસ્તા પાસે સહિતના વિસ્તારોમાં ઘૂંટણથી ઉપરના પાણી ભરાઈ ગયા હતા. બનાસકાંઠા કલેકટર દ્વારા વરસાદના પગલે પાલનપુર, વડગામ, ધાનેરા, દાંતીવાડા અને ડીસા વિસ્તારની પ્રાથમિક શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો હતો. પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ અને તંત્રનાં પાપે લોકોને ભારે હેરાનગતિ થઈ હતી.
આ પણ વાંચો: દલિત યુવક 20 મિનિટ સુધી દીપડા સામે લડ્યો, જુઓ Viral Video
વડગામ તાલુકા પંચાયતના રેકર્ડ પલળી ગયા
વડગામમા તાલુકા પંચાયતની તમામ શાખાઓના રૂમમાં વરસાદી પાણી ઘૂસી જતાં સરકારી રેકર્ડ પલળી ગયા હતા. વરસાદની આગાહી છતા તંત્ર બેજવાબદાર રહેતા સરકારી રેકર્ડના આ હાલ થયા હતા. સરકારી બાબુઓ ઓફિસના રેકર્ડની જાળવણી ન કરી શકતા હોય તો તાલુકાના લોકોની જનતાની શું સલામતી રાખી શકે તેવા સવાલો લોકોમાં થઈ રહ્યા છે. બીજી તરફ વડગામ એસ.ટી સ્ટેન્ડમાં પણ કેડસમા પાણી ભરાયા હતાં.
વડગામ ટીડીઓ ઓફિસમાં પાણી ભરાઈ ગયા
ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા હતા. પાલનપુરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું હતું. ખેતરો રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતાં. વડગામ ટીડીઓની ઓફિસમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તાલુકા પંચાયતમાં મશીન મૂકીને પાણી ઉલેચાયું હતું. વડગામમાં માર્ગ-મકાનનાં સરકારી ક્વાર્ટર અને તેની સામે આવેલા નેશનલ હાઈવે પર વર્ષોથી દર ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હોવા છતા તંત્ર દ્વારા લોકોની કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. આમ વરસાદથી એકબાજુ ખેડૂતો ખુશ થયા હતા, બીજી બાજુ શહેરો અને ગામડાઓમાં તંત્રની બેદરકારીને કારણે લોકો દયનિય સ્થિતિમાં મૂકાયા હતા.
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: સૌથી વધુ ઈડરમાં 7.5 ઈંચ