આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં બેંકિંગ વ્યવસ્થાની એક એવી વાસ્તવિકતા રજૂ કરી છે, જે સીધી રીતે દેશના ગરીબ અને મધ્યમ વર્ગને અસર કરે છે. તેમણે બેંકો દ્વારા વસૂલવામાં આવતા ‘મિનિમમ બેલેન્સ પેનલ્ટી’ ના કાયદા સામે સખત વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, આજના સમયમાં બેંકો આર્થિક સુરક્ષા આપવાને બદલે ગરીબોને સજા આપીને પોતાનો નફો વધારી રહી છે. આ એક એવી વ્યવસ્થા બની ગઈ છે જ્યાં ગ્રાહક પાસે પૈસા નથી એટલે જ તેની પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવે છે.
બેંકોએ ત્રણ વર્ષમાં 19,000 કરોડ વસૂલી લીધાં
રાઘવ ચઢ્ઢાએ ગૃહમાં ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું કે, ભારતીય બેંકિંગ સિસ્ટમે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો એટલે કે 2022 થી 2025 ના સમયગાળા દરમિયાન મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા બદલ ગ્રાહકો પાસેથી આશરે રૂ. 19,000 કરોડની જંગી રકમ દંડ તરીકે વસૂલી છે. આ રકમ કોઈ નાના-મોટા વ્યવહારની નથી, પરંતુ તે લોકોના ખિસ્સામાંથી ગઈ છે જેમની પાસે બેંકમાં રાખવા માટે પૂરતા પૈસા નહોતા.

રાઘવ ચઢ્ઢાએ વધુ વિગતો આપતા ઉમેર્યું કે, આ કુલ રકમમાંથી જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકોએ અંદાજે રૂ. 8,000 કરોડ અને ખાનગી ક્ષેત્રની બેંકોએ અંદાજે રૂ. 11,000 કરોડની વસૂલાત કરી છે. આ આંકડો સાબિત કરે છે કે બેંકો માટે આ દંડ હવે આવકનું એક મોટું સાધન બની ગયો છે. જ્યારે ગરીબ માણસ પોતાની મહેનતની કમાણી બેંકમાં મૂકે છે, ત્યારે તેને અપેક્ષા હોય છે કે તેના પૈસા સુરક્ષિત રહેશે, પરંતુ અહીં તો ઉલટું થઈ રહ્યું છે.
આ પણ વાંચો: શું સોશિયલ મીડિયા ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે?
પેનલ્ટી એટલે સામાન્ય માણસનું આર્થિક શોષણ
સાંસદે બેંકોની પેનલ્ટી સિસ્ટમ સમજાવતા કહ્યું કે, શહેરી વિસ્તારોમાં બેંક શાખાઓ સામાન્ય રીતે રૂ. 5,000 થી 10,000 સુધીનું મિનિમમ બેલેન્સ રાખવાનો આગ્રહ રાખે છે. અર્ધ-શહેરી વિસ્તારોમાં આ મર્યાદા રૂ. 3,000 થી 4,000 અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,000 થી 3,000 સુધીની હોય છે. જો કોઈ ખાતાધારક આ રકમ જાળવી શકતો નથી, તો તેના પર રૂ. 50 થી લઈને રૂ. 600 સુધીનો માસિક દંડ લાદવામાં આવે છે.
એટલું જ નહીં, આ દંડની રકમ પર કેન્દ્ર સરકાર દ્વારા 18 ટકા જીએસટી (GST) પણ વસૂલવામાં આવે છે. એટલે કે, ગરીબ માણસ માત્ર બેંકને જ દંડ નથી ભરી રહ્યો, પરંતુ તે દંડ પર ટેક્સ પણ આપી રહ્યો છે. આ પ્રક્રિયાને કારણે ઘણીવાર ગરીબ લોકોના ખાતામાં રહેલી મૂળ રકમ પણ ખતમ થઈ જાય છે અને ખાતું ‘નેગેટિવ’ બેલેન્સમાં જતું રહે છે.

એક મજૂરની વ્યથાનું ઉદાહરણ આપ્યું
રાઘવ ચઢ્ઢાએ ગૃહનું ધ્યાન દોરવા માટે એક મજૂરનું હૃદયસ્પર્શી ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું, “કલ્પના કરો કે એક મજૂર જે રોજના માંડ 500 રૂપિયા કમાય છે. તે મહિનાઓ સુધી પેટે પાટા બાંધીને, બચત કરીને 6,000 રૂપિયા ભેગા કરે છે અને બેંકમાં જમા કરાવે છે. હવે જો તેના પરિવારમાં કોઈ માંદગી આવે કે અચાનક પૈસાની જરૂર પડે અને તે તેમાંથી 2,000 રૂપિયા ઉપાડી લે, તો તેના ખાતામાં 4,000 રૂપિયા બચે છે. જો બેંકની લઘુત્તમ મર્યાદા 5,000 રૂપિયા હોય, તો તે મજૂરને ખબર પણ નથી હોતી કે દર મહિને તેના ખાતામાંથી પૈસા કપાઈ રહ્યા છે. છ મહિના પછી જ્યારે તે બાકીના પૈસા લેવા જાય, ત્યારે તેને ખબર પડે છે કે બેંકે દંડ પેટે તેના 600-700 રૂપિયા કાપી લીધા છે. એક મજૂર માટે આ રકમ તેની બે દિવસની આખી કમાણી સમાન છે.”
આ પણ વાંચો: પ્રાંતિજના મેમદપુરમાં દલિત ઉપસરપંચ પર 8 લોકોનો જીવલેણ હુમલો
બેંકિંગ સિસ્ટમમાં સુધારાની માંગ કરવામાં આવી
તેમણે સરકારને ભારપૂર્વક વિનંતી કરી છે કે આ પ્રકારના ‘અમાનવીય’ બેંકિંગ ચાર્જીસ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે ખાસ કરીને ‘બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ’ (સામાન્ય બચત ખાતા) માટે મિનિમમ બેલેન્સની શરત અને તેના પરની પેનલ્ટી સંપૂર્ણપણે ખતમ કરવી જોઈએ.
₹19,000 crore.
That is what Banks collected in last 3 years just for not maintaining ‘Minimum Account Balance.’
Not from the rich. Not from big borrowers.
From the poorest accounts in the system.
Their crime? They didn’t have enough money.A farmer misses the minimum balance… pic.twitter.com/DqZ1CSCOoV
— Raghav Chadha (@raghav_chadha) March 17, 2026
ચઢ્ઢાએ અંતમાં ઉમેર્યું કે, “આજે બેંકો ફાઇનાન્શિયલ સિક્યુરિટી આપવાને બદલે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ (આર્થિક તણાવ) આપી રહી છે. જો સરકાર મોટા ઉદ્યોગપતિઓના હજારો કરોડના દેવા માફ કરી શકતી હોય, તો ગરીબ માણસના ખાતામાંથી કપાતા આ નાના-નાના દંડ કેમ બંધ ન કરી શકે?” તેમણે ખેડૂતોના લોન માફીના ધોરણે જ ગરીબ ખાતાધારકોને આ દંડમાંથી મુક્તિ આપવા અપીલ કરી છે.
આ પણ વાંચો: ચાંદખેડામાં ‘લોકશક્તિ કેન્દ્ર’નો પ્રારંભ, બહુજનોને મળશે નિઃશુલ્ક કાયદાકીય સહાય










