જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની એડિશનલ સેશન્સ કોર્ટે બાંટવા પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ વાળા દ્વારા એક અનુસૂચિત જાતિના યુવક પર કરવામાં આવેલા કથિત શારીરિક અને માનસિક અત્યાચાર મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. આ મામલે કોર્ટે પ્રથમ દૃષ્ટિએ ગુનો બનતો હોવાનો જણાવી આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ સમન્સ કાઢવા હુકમ કર્યો છે. આ સાથે જ બન્ને પોલીસકર્મીને 4 એપ્રિલ, 2026ના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.
મામલો શું હતો?
માણાવદરના ગૌતમ નગરમાં રહેતા ફરિયાદી મિયાત્રા ગુણવંત હીરાભાઈ (ઉં.વ. 56)એ કોર્ટમાં રજૂ કરેલી વ્યથા મુજબ, આ સમગ્ર વિવાદ એક જૂની ઈન્ક્વાયરીના સમન્સ બજવણીના કામથી શરૂ થયો હતો. ફરિયાદી જ્યારે બાંટવા પોલીસ સ્ટેશનમાં સમન્સ બાબતે પૂછપરછ કરવા ગયા, ત્યારે ત્યાંના મહિલા PSO દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓના દબાણ હેઠળ પોલીસ કામગીરી કરવામાં વિલંબ કરી રહી હતી. આ બાબતે ફરિયાદીએ જૂનાગઢ એસપીને રજૂઆત કરતા, તેનો રોષ રાખી પોલીસકર્મીઓએ તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

આ પણ વાંચો: જામનગરના ચંગામાં લગ્નમાં ઢોલ વગાડતા ત્રણ દલિતો પર હુમલો
દલિત આધેડને ઢસડીને પીએસઆઈની ચેમ્બરમાં લઈ ગયા
ફરિયાદીના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ 14 ઓગસ્ટ, 2023ના રોજ પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે PSI જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ વાળાએ તેમને રોકીને અત્યંત બિભત્સ ગાળો આપી હતી. આરોપીઓએ ફરિયાદીને ભૂંડી ગાળો આપી કહ્યું હતું કે, “તું અમારી વિરુદ્ધ SPને રજૂઆત કરે છે?” તેમ કહી જાતિસૂચક અપમાન કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીને ડોકના ભાગેથી પકડી 50થી 70 મીટર સુધી ઢસડીને PSIની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા.

ચેમ્બરમાં PSI જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ દ્વારા ફરિયાદીને ઢીકાપાટુ તેમજ પ્લાસ્ટિકના પાઈપ અને લાકડી વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના પગની ઢાંકણી નથી અને તે પોતાની જાતને માંડ સંભાળી શકે છે, આ જાણવા છતાં, PSIએ પહેરેલા એડીવાળા બૂટ વડે તેમના પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીને જમવાનું અને પાણી આપવાની મનાઈ કરી, લોકઅપમાં સતત ચાલવા માટે મજબૂર કરી માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમને ભીમ આર્મીના પ્રમુખ હોવા બાબતે ‘અમારી સામે ખુરશીમાં બેસીશ?’ કહીvs અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: હિંદુની કિડની મુસ્લિમને, મુસ્લિમની કિડની હિંદુને ટ્રાંસપ્લાન્ટ કરાઈ
વંથલી કોર્ટે શું કહ્યું?
ફરિયાદીએ આ મામલે વંથલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સલીમ બી. મનસુરીએ આ મામલે તપાસ હાથ ધરી હતી. કોર્ટે ફરિયાદીનું BNSSની કલમ 243 મુજબનું નિવેદન, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ ઓફિસરના પુરાવાઓ તપાસ્યા હતા. કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદીને જાહેર સ્થળે અપમાનિત કરવાના ઈરાદાથી જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હોય અને સ્વેચ્છાએ ઈજા પહોંચાડી હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. તબીબી પુરાવાઓ પણ ફરિયાદીના શરીર પર થયેલા અત્યાચારની સાક્ષી પૂરતા હતા.
આરોપી PSI કછોટ અને પોલીસકર્મી વાળા સામે એટ્રોસિટીનું સમન્સ
ન્યાયના હિતમાં કોર્ટે આદેશ આપ્યો છે કે, આ કેસને એટ્રોસિટી કેસ તરીકે રજિસ્ટરે લેવો. આરોપી પીએસઆઇ જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ વાળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r) તથા IPCની કલમ 323, 114 મુજબના ગુના અન્વયે સમન્સ કાઢવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓને આગામી 4 એપ્રિલ, 2026ના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. જોકે મહિલા PSO શાંતિબેન વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાથી તેમને હાલ પૂરતી રાહત મળી છે.
આ પણ વાંચો: મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા વૃદ્ધને બ્રાહ્મણ શખ્સે ફટકાર્યા











