કડીમાં દલિત સમાજમાંથી આવતા ભાજપના કોર્પોરેટર પર હુમલો થયો છે. કડીના રોહિત વાસમાં રહેતા અને સ્થાનિક સ્તરે જાણીતા સૂર્યકાંત વાડીલાલ પરમાર પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર સૂર્યકાંતભાઈ કડી નગરપાલિકાના ભાજપના સક્રિય કોર્પોરેટર અશોકભાઈ પરમારના સગા ભાઈ છે, જેના કારણે આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
મામલો શું હતો?
પ્રાપ્ત માહિતી અનુસાર, સૂર્યકાંતભાઈ કડીના ગોપાલ કોમ્પલેક્ષમાં ‘મહાલક્ષ્મી ગેસ્ટ હાઉસ’ નામે પોતાનો વ્યવસાય ચલાવે છે. ઘટનાના દિવસે એટલે કે 10 માર્ચના રોજ રાત્રે આશરે 8:45 વાગ્યે તેઓ પોતાના ગેસ્ટ હાઉસ પર હાજર હતા. આ ગેસ્ટ હાઉસની બિલકુલ સામે ‘જીયા ફેશન ચિલ્ડ્રન વેર’ નામની કપડાંની દુકાન આવેલી છે. આ દુકાનમાં આવતા ગ્રાહકો અવારનવાર પોતાના વાહનો આડા-અવળા પાર્ક કરતા હતા, જેના કારણે ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ પણ વાંચો: દલિતના લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોએ હુમલો કર્યો
આ સમસ્યાના કાયમી અને શાંતિપૂર્ણ નિરાકરણ માટે સૂર્યકાંતભાઈએ પડોશી દુકાનદાર શાહિદ દિવાન અને આસિફ જીવણભાઈ ચૌહાણને એક નમ્ર સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “તમારી દુકાને આવતા ગ્રાહકોના વાહનો વ્યવસ્થિત પાર્ક થાય તે માટે તમે એક અલગથી કર્મચારી રાખો, જેથી રસ્તો બ્લોક ન થાય.”
જાતિસૂચક અપશબ્દો કહી લોખંડની પાઈપથી હુમલો કર્યો
સૂર્યકાંતભાઈનું આ સૂચન સાંભળતા જ બંને આરોપીઓ શાહિદ અને આસિફ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કોઈ પણ જાતની મર્યાદા રાખ્યા વગર સૂર્યકાંતભાઈને જાતિસૂચક અપમાનજનક ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું અને બંને આરોપીઓ પોતાની દુકાનમાંથી લોખંડની પાઇપ કાઢી લાવ્યા હતા. આરોપીઓએ કશું જ વિચાર્યા વગર સૂર્યકાંતભાઈ પર પાઈપ વડે તૂટી પડ્યા હતા. આ હુમલા દરમિયાન સૂર્યકાંતભાઈને ડાબી આંખની નીચેના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આટલું જ નહીં, બચાવ કરવા જતાં તેમના ડાબા હાથ પર પાઈપ વાગતા હાથમાં ત્રણ જગ્યાએ ગંભીર ફ્રેક્ચર થયા હતા. સૂર્યકાંતભાઈએ જીવ બચાવવા બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી

હુમલો થતા જ ત્યાં હાજર સરફરાજ અબ્દુલભાઈ અને પ્રશાંત વિનોદભાઈ સહિતના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સૂર્યકાંતભાઈને વધુ માર ખાતા બચાવ્યા હતા. લોકોનું ટોળું એકઠું થતું જોઈ આરોપીઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા, પરંતુ જતાં-જતાં તેમણે સૂર્યકાંતભાઈને ધમકી આપી હતી કે, “આજે તો તું બચી ગયો છે, પણ જો ફરી ક્યારેય સામે મળીશ તો તને જાનથી મારી નાખીશું.”
લોહિયાળ હાલતમાં રહેલા સૂર્યકાંતભાઈને તેમના પુત્ર જીલ દ્વારા તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમના ગાલ પર થયેલા ઊંડા ઘા પર ટાંકા લીધા છે અને હાથના ફ્રેક્ચર માટે વધુ સારવાર શરૂ કરી છે. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: ફૂલે દંપતીને ‘ભારતરત્ન’ આપવા ખેડા કલેક્ટરને રજૂઆત કરાઈ
એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
બીજી તરફ, 11 માર્ચના રોજ કડી પોલીસ સ્ટેશનમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ શાહિદ દિવાન અને આસિફ ચૌહાણ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ (SC/ST Act) તેમજ ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસની ગંભીરતા જોતા તપાસની જવાબદારી DYSP જયકુમાર ધીરજલાલ કંસારાને સોંપવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા વૃદ્ધને બ્રાહ્મણ શખ્સે ફટકાર્યા














