ગુજરાતમાં ભાજપના ત્રણ દાયકાના શાસન પછી પણ આદિવાસી વિસ્તારોમાં રોડ-રસ્તાના અભાવે સગર્ભાઓને ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવા આદિવાસીઓ મજબૂર છે. જો કે, ભાજપ(BJP)ના છોટાઉદેપુર(Chhota udepur)ના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા(MLA Rajendra Rathava) આ મામલે લાજવાને બદલે ગાજવા છે. તેમણે તો ઉલટાનું લોકોની પરિસ્થિતિ સમજવાને બદલે તેઓ જાણે સરકારને બદનામ કરવાનું કાવતરું કરતા હોય તેવું નિવેદન આપ્યું છે.
છોટાઉદેપુરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ આદિવાસીઓની સગર્ભાઓને ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવાની મજબૂરીને ‘ટ્રેન્ડ’ ગણાવી દીધી. એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, એકાદ-બે ખેતર સુધી મહિલાઓને ઝોળીમાં નાખીને લઈ જવી પડે તો એમાં શું થઈ ગયું? ઉલ્લેખનીય છે કે, આ જ રાજેન્દ્ર રાઠવા પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપને રસ્તા સહિતની બાબતે ભાંડવામાં જરાય કચાશ નહોતા રાખતા. હવે તેઓ ભાજપમાં છે અને સરકારને વ્હાલા થવા મથી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્ય સરકાર ગુજરાતના છેવાડાના ગામો સુધી વિકાસનો લાભ પહોંચ્યો હોવાના દાવાઓ કરી રહી છે. પરંતુ જમીની હકીકત તેનાથી સાવ જુદી છે. રાજ્યના આદિવાસી પટ્ટામાં આજની તારીખે પણ વીજળી, પાણી, શૌચાલય, મકાન અને પાકા રસ્તાનો અભાવ છે. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ અનેક જગ્યાએ જઈ શકતી નથી, જેના કારણે આ વિસ્તારોમાં બીમાર કે સગર્ભાઓને દવાખાને લઈ જવા માટે ઝોળીનો ઉપયોગ કરવો પડે છે. ડાંગ જેવા વિસ્તારમાં તો નાના કસ્બાઓ સુધી નાનું વાહન પણ જઈ શકે તેવા રસ્તા નથી હોતા. એવામાં ઝોળી જ બીમાર માણસનો સહારો બને છે. પરંતુ ભાજપના ધારાસભ્યને ગરીબ આદિવાસીની ઝોળી સરકારને બદનામ કરવાનું કાવતરું લાગે છે.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ
છેલ્લાં કેટલાક મહિનામાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બીમાર લોકો અને સગર્ભાઓને ઝોળીમાં નાખીને દવાખાને કે એમ્બ્યુલન્સ સુધી લઇ જવાના અનેક કિસ્સા નોંધાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં જ આવી એકથી વધુ ઘટનાઓ બની છે, પરંતુ ભાજપના ધારાસભ્ય તેનો ઉકેલ લાવવાને બદલે દોષનો ટોપલો લોકો પર ઢોળી રહ્યાં છે.
મૂળ કોંગ્રેસી અને છોટા ઉદેપુરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ એવુ કહ્યુંકે, સગર્ભાને ઝોળીમાં નાંખીને લઇ જવાનો જાણે ટ્રેન્ડ વધ્યો છે. એકાદ બે ખેતરમાં ચાલીને જવુ તો એમાં શું થયું? આ જ ધારાસભ્યે અગાઉ વિપક્ષમાં રહીને ભાજપને ગાળો ભાંડવામાં જેમણે કોઇ કસર છોડી નહોતી. પરંતુ હવે તેઓ સરકારને વ્હાલા થવા મથી રહ્યાં છે.
ભાજપના શાસનના 30 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારમાં માર્ગો બન્યાં નથી, આરોગ્યની સુવિધાના ઠેકાણાં નથી તે નરી વાસ્તવિકતા રાજેન્દ્ર રાઠવા સ્વિકારવા તૈયાર નથી. તેમણે સરકારને બદલે આદિવાસી પ્રજા પર દોષનો ટોપલો ઢોળી દીધો. જેમના મતોથી રાજેન્દ્ર રાઠવા ધારાસભ્ય બન્યાં છે તે આદિવાસી મતદારોની વેદના જાણવામાં પણ તેમને રસ રહ્યો નથી.
આ પણ વાંચો: નસવાડીમાં રસ્તો ન હોવાથી સગર્ભાને ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ જવાઈ